Dakshin Gujarat

બારડોલી પાલિકા પ્રજાના પૈસે બોક્સ ડ્રેનેજ બનાવશે

બારડોલી: બારડોલી (Bardoli) નગરમાંથી પસાર થતાં કડોદ બારડોલી રાજ્ય ધોરી માર્ગ પર હુડકો સોસાયટી પાસે નગરપાલિકાએ (Municipality) રોડ માર્જિનમાં વરસાદી પાણીના નિકાલ માટેની બોક્સ ડ્રેનેજનું (Box Drainage) કામ શરૂ કરાવતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. અહીં રોડ પર પાણી નિકાલની જવાબદારી માર્ગ-મકાન વિભાગની હોવા છતાં બારડોલી નગરપાલિકા શહેરીજનોના લાખો રૂપિયાનું આંધણ કરવા જઇ રહી છે. એટલું જ નહીં આ બોક્સ ડ્રેનેજમાં પીવાના પાણીની લાઇન અને ગટર લાઇન પણ નડતરરૂપ હોય તેને પણ ખસેડવા વધારાનો બોજો પાલિકાના માથે પડશે. બાંધકામ અધ્યક્ષની જીદને કારણે પાલિકાના લાખો રૂપિયા બરબાદ થઈ રહ્યા હોવાની ચર્ચા નગરપાલિકાના આંતરિક વર્તુળોમાં થઈ રહી છે.

બોક્સ ડ્રેનેજ બનાવવાની કામગીરીનો પ્રારંભ
બારડોલી નગરપાલિકા દ્વારા કડોદ રોડ પર બોક્સ ડ્રેનેજની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બારડોલી નાગપાલિકાના શાસકો પૈકી બાંધકામ સમિતિના ચેરમેન જેનીશ ભંડારીએ રાજ્ય ધોરી માર્ગનું માર્જિન હોવા છતાં હુડકો સોસાયટીથી શિવાજી ચોક સુધી બોક્સ ડ્રેનેજ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં સોસાયટીના વડથી આંગણવાડી સુધી 47.50 લાખથી વધુનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. પણ ધોરી માર્ગને પહોળો કરવામાં આવશે ત્યારે બોક્સ ડ્રેનેજ તોડવી પડશે. માર્ગને પહોળો કરવા માટે સરકારમાં દરખાસ્ત પણ થઈ ચૂકી છે. ત્યારે આ કામગીરીને કારણે પ્રજાના લાખો રૂપિયા વ્યર્થ જવાની સંભાવના સેવાઇ રહી છે.

આ બજેટ અન્ય જગ્યાએ વપરાય તો લોકોને વધુ સુવિધા મળતે
બારડોલી-કડોદ રોડ પર માર્ગ-મકાન વિભાગ દ્વારા કેટલીક જગ્યાએ વરસાદી પાણીના નિકાલ માટે બોક્સ ડ્રેનેજ બનાવવામાં આવી છે. પરંતુ કેટલીક જગ્યાએ બનાવવાની બાકી છે. રોડ પર વરસાદી પાણી ભરાય તેના નિકાલની જવાબદારી માર્ગ-મકાન વિભાગની હોવા છતાં નગરપાલિકા પ્રજાના પૈસા ખોટી જગ્યાએ વેડફી રહી હોવાનો ગણગણાટ નગરસેવકોમાં થઈ રહ્યો છે. આ બજેટ જો અન્ય જગ્યાએ લોકોની પ્રાથમિક સુવિધા વધારવામાં વાપરવામાં આવ્યું હોત લોકોને પણ રાહત થઈ શકી હોત.

મ્યુનિસપલ ઇજનેરનું માર્જિનની જગ્યા છોડી હોવાનું રટણ
સ્થળ પર જોતાં હાલમાં ચાલી રહેલી કામગીરીમાં ક્યાંય પણ માર્જિનની જગ્યા છૂટી હોય એવું દેખાઈ રહ્યું નથી. જો કે, આ અંગે બારડોલી નગરપાલિકાના મ્યુનિસિપલ ઇજનેર સુમિત ગાવીતે જણાવ્યું હતું કે, રોડ માર્જિનની જગ્યા છોડ્યા બાદ જ કામગીરી શરૂ કરવામાં આવી છે. કામગીરી શરૂ કરતાં પહેલા માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા થઈ હતી અને તેમની મંજૂરી બાદ જ કામ ચાલુ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top