SURAT

કીશોરીને પેટમાં દુ:ખાવો થતા માતા હોસ્પિટલ લઈ ગઈ, ડોકટરે કારણ આપતા પરિવારના પગ તળે જમીન સરકી

સુરત : શહેરના સચિન જીઆઈડીસી ખાતે રહેતી 14 વર્ષની કીશોરીને ઘરની ઉપર આવેલા મકાનમાં રહેતા 17 વર્ષના તરૂણે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી. કીશોરીને પેટમાં દુ:ખાવો ઉપડતા હોસ્પિટલમાં તપાસ કરાવી ત્યારે બનાવની જાણ થઈ હતી. પરિવાર દ્વારા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા સચિન જીઆઈડીસી ખાતે શિવનગરની પાછળ આવેલી ચાલમાં રહેતા 17 વર્ષના તરૂણની સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ધરપકડ કરી હતી. બનાવ અંગે મળતી માહિતી મુજબ તરૂણે તેની ચાલમાં રહેતી 14 વર્ષની કીશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં એકલતાનો લાભ લઈને કીશોરીને તેના રૂમમાં લઈ ગયો હતો. રૂમમાં લઈ જઈને કીશોરી સાથે બદકામ કર્યુ હતું. ત્યારપછી પણ બે ત્રણ વખત બદકામ કરતા કીશોરીને ગર્ભ રહી ગયો હતો. જોકે જ્યારે કીશોરીને પેટમાં દુખાવો ઉપડ્યો ત્યારે તેની જાણ થઈ હતી. તેની માતા હોસ્પિટલમાં લઈ જતા તપાસમાં તેને ચાર માસનો ગર્ભ હોવાનું સામે આવતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. કીશોરીએ બનાવની જાણ કરતા સચિન જીઆઈડીસી પોલીસમાં આ અંગે ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી.

પાલમાં માતા સાથે જતા 7 વર્ષના બાળકનું કન્ટ્રી સાઈડ સ્કૂલ બસની અડફેટે આવી જતાં મોત
સુરત: ગુરૂવારે બપોરે પાલ વિસ્તારમાં ડ્રીમ ફેસ્ટિવા રેસ્ટોરન્ટની સામે માતા સાથે જતો 7 વર્ષનો બાળક કન્ટ્રીસાઈડ સ્કૂલની બસમાં અડફેટે આવી જતા મોતને ભેટ્યો હતો. પોલીસે બસના ડ્રાઇવરની ધરપકડ કરી હતી. પાલ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર પાલ વિસ્તારમાં ગૌરવપથ રોડ પર આવેલી ડ્રીમ ફેસ્ટિવા રેસ્ટોરન્ટની સામે નવી બંધાતી બિલ્ડિંગમાં શ્રમજીવી પરિવાર રહે છે. પરિવારમાં સમશાદ આલમ ખાન તેની પત્ની રજીયાબેગમ અને 7 વર્ષનો દીકરો અબ્દુલ રઝાક છે.

બુધવારે બપોરે રજીયાબેગમ શાકભાજી ખરીદવા માટે જતી હતી તેની સાથે દીકરો અબ્દુલ રઝાક પણ હતો. ડ્રીમ ફેસ્ટિવા રેસ્ટોરન્ટ પાસેથી પસાર થતી વખતે અબ્દુર રઝાક તેની માતાનો હાથ છોડીને ડિવાઈડર પર ચઢી ગયો હતો. ત્યાર બાદ તે ડિવાઈડર પરથી રસ્તા પર કુદયો હતો. તેજ સમયે પાછળથી આવી રહેલી જીજે-05-બીઝેડ-3398 નંબરની સ્કુલના ડ્રાઇવરે અબ્દુલ રઝાકને અડફેટે લેતા અબ્દુલને ગંભીર ઇજા થઈ હતી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. સાંજે બાળકનું મોત નિપજતા પાલ પોલીસે સ્કૂલ બસના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પાલ પોલીસે ડ્રાઇવર દેવાંગકુમાર જનક પટેલ(રહે. લીમડાચોક, મલગામા)ની ધરપકડ કરી છે.

Most Popular

To Top