Vadodara

બ્રાઇટ સ્કૂલની નવી બિલ્ડિંગ સામે પાર્કિંગનો અભાવ! વાલીઓ ટ્રાફિક જામમાં ત્રસ્ત

પાર્કિંગના અભાવે બાળકોને દૂરથી ચાલતા મૂકવા જવાની ફરજ, શાળા સમય દરમિયાન સર્જાયો ભારે વાહનવ્યવહારનો ખલેલ

વાલીઓના સવાલો: પાર્કિંગ વિના મંજૂરી કેવી રીતે મળી? બાળકોની સુરક્ષા અંગે પણ ચિંતા વધી

(પ્રતિનિધિ) વડોદરા, તા. 10

વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી બ્રાઇટ સ્કૂલની નવી બિલ્ડિંગ શરૂ થતાં વિદ્યાર્થીઓ માટે નવી સુવિધાઓનો માર્ગ તો ખુલ્યો છે, પરંતુ પાર્કિંગની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે વાલીઓ માટે રોજિંદી મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. બુધવારે શાળાના સમય દરમિયાન સ્કૂલ બહાર ભારે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાતા વાલીઓમાં રોષ અને ચિંતા બંને જોવા મળી હતી.

સ્કૂલ પરિસરની બહાર વાહનો પાર્ક કરવા માટે યોગ્ય જગ્યા ઉપલબ્ધ ન હોવાથી અનેક વાલીઓને પોતાના વાહનો દૂર ઊભા રાખીને બાળકોને ચાલતા શાળાના ગેટ સુધી મૂકવા જવાની ફરજ પડી હતી. પરિણામે મુખ્ય માર્ગ પર લાંબી વાહનોની કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. આ દરમિયાન નાના બાળકોની સુરક્ષાને લઈને પણ વાલીઓમાં ગંભીર ચિંતા જોવા મળી હતી.

આ સમગ્ર ઘટનાનો એક વાલીએ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વાલી દીપક પાલકરના જણાવ્યા મુજબ, પાર્કિંગના અભાવે એટલો ટ્રાફિક જામ સર્જાયો હતો કે બાળકોને ચાલતા શાળાએ મૂકવા જવું પડ્યું હતું. તેમણે શાળા સંચાલન સામે સવાલ ઉઠાવતા જણાવ્યું કે વિદ્યાર્થીઓ અને વાલીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને પૂરતી પાર્કિંગ વ્યવસ્થા કેમ કરવામાં આવી નથી.

ઘટનાને પગલે વાલીઓમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. કેટલાક વાલીઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે આ શાળાના નવા બાંધકામને મંજૂરી આપતી વખતે પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થાની પૂરતી સમીક્ષા કરવામાં આવી હતી કે નહીં. વાલીઓએ પારદર્શક તપાસની માંગ સાથે આ સમગ્ર આયોજનમાં કોઈ બેદરકારી કે ગેરરીતિ તો નથી ને તે અંગે પણ સવાલો ઉઠાવ્યા છે.

વાલીઓની માંગ છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા અને વાલીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે પાર્કિંગ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેમજ ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ બનાવવા માટે જરૂરી પગલાં ભરવામાં આવે, જેથી રોજિંદી હાલાકી અને અકસ્માતના જોખમને ટાળી શકાય.

Most Popular

To Top