SURAT

વધુ 25 ઘોડાના સેમ્પલ લેવાયા પરંતુ વરઘોડામાં કોની મંજૂરીથી ઘોડા જાય છે

સુરત: સુરતના લાલ દરવાજા (Lal Darwaja) વિસ્તારમાંથી અશ્વોમાં (Horse) દેખાયેલા ગ્લેંડરના જીવલેણ રોગચાળાના પગલે પશુપાલન વિભાગના ચિકિત્સકોએ ઘોડાઓના સેમ્પલ લેવાની ઝુંબેશ તેજ બનાવી છે. આજે વધુ 25 ઘોડાના બ્લડના સેમ્પલ લઇ અમદાવાદ (Ahmedabad) લેબોરેટરીમાં મોકલી અપાયા છે, પરંતુ કેટલાક વરઘોડામાં હજી અશ્વોનો ઉપયોગ થયો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જિલ્લા કલેકટર દ્વારા કોઈ પણ વરઘોડામાં અશ્વોનો ઉપયોગ નહિં થાય અને બુક કરાયેલા 450 જેટલા ઓર્ડર રદ કરી દેવામાં આવ્યા હોવા છતાં કોની મંજૂરીથી અશ્વોને વરઘોડામાં જોતરવામાં આવ્યા તે સવાલ છે. આ જીવલેણ રોગચાળો માનવીઓમાં ન ફેલાય તે માટે તો લાલ દરવાજા વિસ્તારના ગ્લેંડરગ્રસ્ત 6 ઘોડાને તત્કાળ દયા મૃત્યુ આપી દેવામાં આવ્યું છે અને પશુપાલકના પરિવારના બ્લડ સેમ્પલ ચકાસણી માટે મોકલાઈ રહ્યાં છે તેવા સમયે જો હજી પણ ઘોડાઓને વરઘોડા માટે લઈ જવામાં આવતા તો આ શહેરના હજારો નાગરિકો માથે જાનનું જોખમ છે.

ઉલ્લેખનિય છે કે શહેરમાં અશ્વોમાં એક ગ્લેંડરનો ભયંકર રોગચાળો ફેલાયો છે. વિકાસશીલ દેશોમાંથી મોટાભાગે આ રોગ નાબૂદ થઇ ગયો હતો પરંતુ ભારતમાં અને તેમાંય ગુજરાતમાં છેક સોળ વરસ બાદ ફરી ઘોડાઓમાં ગ્લેંડરે ઉથલો મારતા તંત્ર દોડતું થઇ ગયું છે. એકતરફ ઘોડાઓમાં ફેલાયેલો ગ્લેંડર અને બીજી સુરત શહેરમાં પુરજોરમાં ચાલી રહેલી લગ્નસરાની સિઝનના કારણે તંત્ર વધુ વિમાસણમાં મૂકાઈ ગયું છે. કારણકે આ રોગગ્રસ્ત ઘોડાઓના સંપર્કમાં આવવાથી માનવીઓમાં તેનો ચેપ લાગવાની શક્યતા બળવત્તર છે કેમકે આ રોગ શ્વસનતંત્ર મારફત સ્ફોટક ગતિએ ફેલાતો રોગ છે. જેથી પશુપાલન અને આરોગ્ય વિભાગ ગ્લેંડરને ઉગતો ડામવા કમર કસી રહયું છે. આ અંગે પુછપરછ કરતા જિલ્લાના પશુપાલન વિભાગના ડો.મહેશ ભિમાણીએ કહ્યું હતું કે આજે વધુ 25 ઘોડાના લોહીના સેમ્પલ લેવાયા છે. ગઇકાલે 20 ઘોડાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. હજી પણ આ અભિયાન જારી રહેશે. લાલ દરવાજા વિસ્તારના પાંચ કિલોમીટર ત્રિજયામાં આવતા તમામ અશ્વકૂળના પાલકોના ઘરે તપાસ સાથે તકેદારીના પગલાંઓ માટે તાકિદ કરવામાં આવી છે, આ વિસ્તારમાંથી ઘોડાઓને બહાર લઇ જવા પર તંત્ર અગાઉથી જ પ્રતિબંધ ફરમાવી ચૂક્યું છે.

પ્રતિબંધ છતાં વરઘોડામાં ઘોડાગાડીઓ જોતરાઈ: હજારો લોકોના માથે જાનનું જોખમ
જિલ્લાના પશુપાલન વિભાગે અશ્વકૂળના પશુઓની લાલ દરવાજાથી અન્ય પાંચ કિલોમીટરની પેરફરીમાં આવા પશુની અવરજવર ઉપર પાબંધી ફરમાવી છે. પરંતુ સુરત શહેરમાં ચાલી રહેલી લગ્નસરાની મોસમમાં હજી પણ આવા વિસ્તારોમાંથી ઘોડાઓ અને બગી ખુલ્લેઆમ અન્ય વિસ્તારોમાં ફરી રહયાં હોવાની ચોંકાવનારી માહિતી સાંપડે છે. આ રોગથી માનવ સમૂહને પણ મોટો ખતરો છે. સરકારી તંત્રએ તમામ લગ્નપ્રસંગમાં લઈ જવાતા ઘોડાઓ માટે પ્રતિબંધ ફરમાવી દીધો હોવા છતાં જો સરકારી તંત્રની ઉપરવટ જઈને આ બગીચાલકો અને લગ્નલેનાર પરિવારોએ વરઘોડામાં ઘોડાનો ઉપયોગ કર્યો હોય તો તત્કાળ અસરથી જવાબદારો સામે પગલાં લેવાવા જોઈએ. એટલું જ નહિં આ ઘોડાઓના અને વરઘોડામાં સામેલ લોકોના સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવવી જોઈએ. સરકારના અધિકારીઓ દ્ધારા પણ આટલી ગંભીર બાબત પ્રત્યે સેવવામાં આવતું દુર્લક્ષ અક્ષમ્ય કહી શકાય.

Most Popular

To Top