Dakshin Gujarat

માંડવીની યુવતીને ફોઈના છોકરા સાથે જ પ્રેમસંબંધ હતો, લટકાવીને હત્યા કરી દેવાઈ

બારડોલી: (Bardoli) જુનિયર ક્લાર્કની પરીક્ષા (Exam) આપવા ગયેલી યુવતીની લાશ બારડોલીના ઉછરેલ મોરી ગામે ગોચર જમીનમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવવાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. પોલીસ (Police) તપાસમાં યુવતીની લટકાવીને હત્યા (Murder) કરી દેવામાં આવી હોવાની હકીકત સામે આવી છે. જેમાં યુવતીના ફોઈના છોકરાની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુવતી અને તેના ફોઈના પુત્ર વચ્ચે પ્રેમસંબંધ (Love Affair) હોવાની ચોંકાવનારી હકીકત સામે આવતાં પોલીસે યુવકની અટક કરી સઘન પૂછપરછ હાથ ધરી હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.

  • માંડવીની યુવતીને ફોઈના છોકરા સાથે જ પ્રેમસંબંધ હતો, લટકાવીને હત્યા કર્યાનો ખુલાસો
  • બારડોલીના ઉછરેલ મોરી ગામે ગોચર જમીનમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી

ગત રવિવારના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા ગયેલી માંડવી તાલુકાના પુના ગામની 20 વર્ષીય યુવતી ઉર્વશીની લાશ બારડોલી તાલુકાનાં ઉછરેલ મોરી ગામની સીમમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. પરિવારે યુવતીના મોત અંગે શંકા કરતાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાશનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. પ્રથમ દૃષ્ટિએ યુવતીએ ફાંસો ખાઈ લીધો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પોલીસ અલગ અલગ પાસાંને ધ્યાનમાં રાખી તપાસ કરી રહી હતી, જેમાં યુવતી કડોદ બસ સ્ટેન્ડ પર બસમાંથી ઊતરી જે મોટરસાઇકલ પર બેસીને જાય છે તે યુવકની શોધખોળ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન તે યુવતીનો ફોઇનો છોકરો જ હોવાની હકીકત સામે આવી હતી. બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો છે. પોલીસે ફોઇના છોકરાને પકડીને પૂછપરછ શરૂ કરી છે. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. જો કે, આ મામલે હજી પોલીસ કંઈ બોલવા તૈયાર નથી. યુવતીની હત્યા જ થઈ હોવાની હકીકત સામે આવતાં પોલીસ દ્વારા હત્યાની કલમ ઉમેરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top