Dakshin Gujarat

બારડોલી-કડોદ રોડ પર કારની અડફેટે મોપેડસવાર નર્સનું કમકમાટી ભર્યું મોત

બારડોલી : બારડોલીના (Bardoli) સમથાણ ગામે બારડોલી કડોદ રોડ પર પૂરઝડપે આવતી કારે (Car) એક મોપેડને ટક્કર મારતાં મોપેડચાલક મહિલાનું (Women) મોત (Death) નીપજ્યું હતું. મૃતક મહિલા વરાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. બારડોલી તાલુકાના કડોદ ગામે રહેતી ડીમ્પલ બાલુ ઢીમ્મર (ઉં.વ.38) વરાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. તે ગુરુવારે સવારે કડોદથી મોપેડ પર વરાડ PHC ખાતે નોકરી પર જવા માટે નીકળી હતી. ત્યારે કડોદ બારડોલી રોડ પરથી પસાર થતા સમયે સમથાણ ગામની સીમમાં વળાંક પાસે સામેથી પૂરઝડપે આવતી કાર ડીમ્પલની મોપેડ સાથે અથડાવી દીધી હતી.

મોપેડ સાથે કાર પણ રોડની સાઇડે ઊતરી ગઈ હતી. અકસ્માતમાં ગંભીર ઇજા થતાં ડીમ્પલને સારવાર માટે તાત્કાલિક સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મોત થયું હતું. વરાડ પ્રાથમિક આરોગ્યમાં તેમની ફરજમાં આવતાં ગામોમાં ડીમ્પલના મોતની ખબર થતાં જ ગ્રામજનોમાં શોકની કાલીમા સર્જાઈ ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સમથાણ ગામના વળાંક વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. ત્યારે માર્ગ-મકાન વિભાગ દ્વારા વળાંક બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.

ભીલાડ-નંદીગામ હાઇવે ઉપર વાહન પાછળ બાઈક અથડાતાં યુવાનનું મોત
ઉમરગામ : ઉમરગામના ઝરોલી ભંડારવાડ વિસ્તારમાં રહેતા પ્રભાત ગણેશ પટેલ અને તેની માતા સંગીતાબેન બુધવારે મોટરસાયકલ ઉપર ખાતરની ખરીદી કરવા ભિલાડ જતા હતા. દરમિયાન બપોરે 1.15 વાગ્યે નંદીગામ જૈન મંદિર આગળ ટેકરા ઉપર મુંબઈથી વાપી જતા રોડ ઉપર નંદીગામમાં વાહન પાછળ મોટરસાયકલ અથડાતા પ્રભાત (ઉંમર વર્ષ 22)ને માથાના ભાગે ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર માટે ભિલાડ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાંતબીબે મૃત જાહેર કર્યો હતો જ્યારે સંગીતાબેનને સામાન્ય ઇજા થઈ હતી. આ બનાવની ભીલાડ પોલીસ સ્ટેશનમાં જાણ ફરિયાદ જશવંતભાઈ પટેલે કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

નિઝરમાં નદીના વહેણમાંથી લાકડાં કાઢવા પાણીમાં કૂદેલા યુવકનું મોત
વ્યારા: નિઝર તાલુકામાં આવેલા હાથનુર અને લેકુરવાડી ગામની વચ્ચેથી પસાર થતી નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ તેજ હતો. હાથનુર અને લેકુરવાડી ગામની વચ્ચેથી પસાર થતી નદી પરના ચેકડેમની પાળ ઉપર હાથનુરનો ચંદ્રસિંગ તુકારામ પાડવી (ઉં.વ.૨૪) બુધવારે સાંજે ૬:૩૦ વાગ્યાના અરસામાં બેસેલો હતો. ત્યારે ગામની નજીક આવેલા જંગલમાંથી આ નદીના પાણીમાં વહીને આવતા લાકડાને પકડીને બહાર કાઢવા માટે હાથનુરના આ યુવકે નદીમાં કૂદકો મારતાં તે પાણીના ભમરડામાં ફસાઈ ગયો હતો. જેમાં આ યુવકનું મોત નીપજ્યું હતું. યુવકનો મૃતદેહ ગુરુવારે નદીના પાણીમાંથી મળી આવતાં મરણ જનાર યુવકના પિતા તુકારામ જોલુભાઈ પાડવીએ નિઝર પોલીસમથકે આ ઘટનાની જાણ કરી છે. જે મામલે ગુનો નોંધી પોલીસે વધુમાં તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top