એક ઇન્ટરવ્યુ

જીમ બ્રાઉન નામના એક લેખકે અંગ્રેજીમાં એક બહુ સરસ લખાણ છે જેમાં તેઓ ભગવાનનો ઈન્ટરવ્યુ લે છે.તેમણે લખ્યું છે કે ભગવાનનો ઈન્ટરવ્યુ લેવાનું મને સપનું આવ્યું. એક માણસને સપનું આવ્યું કે એક દિવસ તે સ્વર્ગમાં પહોંચી ગયો અને તેને ભગવાનનો ઈન્ટરવ્યુ કરવાનો મોકો મળ્યો.

ભગવાનના દરવાજે માણસ પહોંચ્યો અને તે કંઈ બોલે તે પહેલાં જ ભગવાને તેને સામેથી પૂછ્યું, ‘તારે મારો ઈન્ટરવ્યુ લેવો છે?’ માણસને પહેલાં તો નવાઈ લાગી કે હજી તો મેં કંઈ કહ્યું નથી તે પહેલાં જ ભગવાન સમજી ગયા. પછી માણસે જ પોતાની જાતને ટપારી કે તેઓ ભગવાન છે સર્વજ્ઞાતા છે ; તેઓ બધું જાણે જ છે…

આમ વિચારી માણસે ધીમે અવાજે કહ્યું, ‘જો તમને સમય હોય તો અને તમે પરવાનગી આપો તો …હા, મારે તમારો ઈન્ટરવ્યુ લેવો છે.’ ભગવાન હસ્યા અને બોલ્યા, ‘સમય મારો છે અને મારી પાસે અપાર સમય છે.તારા મનમાં જે પ્રશ્નો હોય તેમાંથી એક પ્રશ્ન તું મને પૂછી શકે છે?’

માણસ રાજી થઈ ગયો. તેણે કહ્યું, ‘મારા મનમાં ઘણા પ્રશ્નો છે. કયો પૂછું? પછી થોડી વાર વિચારી માણસ બોલ્યો, ‘મારો પ્રશ્ન છે કે માણસને તમે બનાવ્યો છે છતાં તેનામાં એવી કઈ બાબતો છે જે તમને નવાઈ પમાડે છે અને દુઃખ પણ પહોંચાડે છે?’

ભગવાન હસ્યા અને જવાબ આપતાં કહ્યું, ‘માણસો મને રોજ એક આશ્ચર્ય પમાડે છે.પહેલાં તેમને બાળપણનો કંટાળો આવે છે અને તેમને જલ્દીથી મોટા થઈ જવું છે અને મોટા થયા બાદ જવાબદારીઓનો ભાર વધતાં તેમને ફરીથી બેફિકર બાળપણ માણવા ફરીથી બાળક બનવાની ઈચ્છા થાય છે.

પહેલાં તેઓ બેફામ દોટ પૈસા પાછળ મૂકે છે અને પોતાનું સ્વાસ્થ્ય ગુમાવે છે અને પછી સ્વાસ્થ્ય પાછું મેળવવા મહામહેનતે મેળવેલા ભેગા કરેલા પૈસા ગુમાવે છે.સતત ભવિષ્યની ચિંતા અને ફિકરમાં તેઓ આજ ભૂલી જાય છે.નથી તેઓ ભવિષ્યમાં જીવતા …નથી તેઓ વર્તમાનમાં જીવતા…

અજાણ્યા દુઃખ અને મુશ્કેલીની ફિકરમાં તેઓ જીવવાનું જ  ભૂલી જાય છે.ઘણી વાર તેઓ એવી મસ્તીમાં જીવે છે જાણે તેઓ અમર છે અને કોઈ દિવસ મરવાના જ નથી અને જીવનના છેલ્લા દિવસોમાં એમ વિચારીને પસ્તાય છે કે આખું જીવન વહી ગયું અને જીવવાનું તો રહી જ ગયું.’ આટલું બોલી ભગવાને માણસનો હાથ પકડ્યો અને પછી ચારે બાજુ એક અજબ શાંતિ પ્રસરી ગઈ.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts