National

નરેન્દ્ર મોદી 19 વર્ષ સુધી ભગવાન શંકરની જેમ વિષ પીતા રહ્યાં, આરોપ લગાવનારા માફી માંગે: અમિત શાહ

નવી દિલ્હી (New Delhi): સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગુજરાત રમખાણો (Gujarat Riots) સંબંધિત કેસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PMModi) ક્લીનચીટને (Clean Chit ) યથાવત રાખી છે. ક્લીનચીટ સામે ઝકિયા જાફરીની અરજી ફગાવી દેવામાં આવી છે. આ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ચેનલને વિશેષ ઈન્ટરવ્યુ આપતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદી 19 વર્ષ સુધી કશું પણ બોલ્યા વિના ભગવાન શંકરની જેમ વિષ પીતા રહ્યાં. હવે જ્યારે તેઓને ક્લીનચીટ મળી છે ત્યારે આરોપ લગાવનારાઓએ તેમની માફી માંગવી જોઈએ.

અમિત શાહે ઈન્ટરવ્યુમાં ગુજરાત રમખાણો પર કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર લાગેલા તમામ આરોપો ખોટા છે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ હંમેશા કાયદાનું સમર્થન કર્યું છે. અમિત શાહે કહ્યું કે રમખાણોનું મૂળ કારણ ગોધરા ટ્રેન સળગાવવાનું હતું. મેં એક 16 દિવસની છોકરીને જોઈ છે, 60 લોકો સળગતા હતા. મેં મારા પોતાના હાથથી તેઓના અંતિમ સંસ્કાર કર્યા છે. ત્યારપછીના રમખાણો રાજકીય રીતે પ્રેરિત હતા. જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું રમખાણોમાં મુસ્લિમો માર્યા ગયા? તેના પર અમિત શાહે કહ્યું કે, જે રીતે 60 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા, તેનાથી સમાજમાં નારાજગી હતી. તેના પરિણામે રમખાણો થયા. શાહે વધુમાં કહ્યું કે જ્યાં સુધી રમખાણો થયા ન હતા ત્યાં સુધી ભાજપ સિવાય કોઈએ ગોધરામાં થયેલા હત્યાકાંડની ટીકા કરી ન હતી. તે સમયે દેશમાં સંસદ ચાલી રહી હતી, કોઈએ ટીકા કરી ન હતી, કોંગ્રેસ પક્ષ તરફથી કોઈ નિવેદન આવ્યું નહોતું.

વાંચો અમિત શાહના ઈન્ટરવ્યુના અંશો

  • સુપ્રીમ કોર્ટે પીએમ મોદી પર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. જે સાબિત કરે છે કે આ આરોપો રાજકીય રીતે પ્રેરિત હતા.
  • ભાજપ વિરોધી રાજકીય પક્ષો, કેટલાંક પત્રકારો અને એનજીઓએ આરોપોનો એટલો પ્રચાર કર્યો કે લોકો અસત્યને જ સત્ય માનવા લાગ્યા.
  • ઝાકીયા જાફરી કોઈકના નિર્દેશ પર કામ કરતી હતી. તિસ્તા સેતલવાડના એનજીઓ બધુ કરતા હતા અને તે સમયની યુપીએ સરકાર તેમને મદદ કરતી હતી. નરેન્દ્ર મોદીની છબી ખરાબ કરવા માટે જ આ બધુ કરાયું હતું.
  • એક અધિકારી, એનજીઓ અને રાજકીય પક્ષે જુઠાણું ચલાવ્યું હતું. ખોટા પુરાવા ઘડ્યા હતા. SIT સામે ખોટા જવાબો આપ્યા હતા.
  • રમખાણોમાં મુખ્યમંત્રીનો હાથ હોવાના પણ આરોપ લગાવ્યા હતા. રમખાણો થયા તેનો ઈનકાર નથી પરંતુ આ આરોપ ખોટો હતો. દેશમાં અનેક ઠેકાણે રમખાણો થાય છે, પરંતુ કેટલાં કલાક કરફ્યૂ રહ્યો, કેટલાં લોકો માર્યા ગયા તેની સરખામણી કરો તો બધું સ્પષ્ટ થઈ જશે.

ઈન્ટરવ્યુમાં અમિત શાહે કહ્યું કે ગોધરાની ઘટના બાદ લોકોમાં ગુસ્સો હતો, તેના પછી શું થશે, તેની કોઈને જાણ નથી. અમિત શાહે વધુમાં કહ્યું હતું કે નાણાવટી કમિશને પણ મોદીને ક્લીનચીટ આપી હતી. તેમણે અમને ન્યાયિક પ્રક્રિયામાં મદદ કરી. SITએ અમને તપાસમાં સહયોગ માટે કહ્યું, અમે તે કર્યું. તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ ન્યાયના દાયરાની બહાર નથી. તેમણે કહ્યું કે મને જેલમાં પણ નાખવામાં આવ્યો હતો પરંતુ હું કહેતો હતો કે હું ખોટો નથી. તે બધું રાજનીતિથી પ્રેરિત હતું. પરંતુ પાર્ટી મારી સાથે છે, મને તેની ખાતરી હતી. મારી પાર્ટી અને મારા નેતા પર આરોપો હતા તેથી જુઠ્ઠાણા સામે લડવું જરૂરી હતું. અમિત શાહે કહ્યું કે જે રાજ્યોમાં આજે ભાજપની સરકાર છે, ત્યાં પહેલા પણ અન્ય પાર્ટીઓની સરકાર હતી. તમે લોકો આંકડો કાઢો અને જુઓ કોના શાસનમાં રમખાણો ઓછા થયા છે. રમખાણોથી ભાજપને ફાયદો થવાના સવાલ પર અમિત શાહે કહ્યું કે વિપક્ષનો આરોપ બિલકુલ ખોટો છે. જો એમ હોત તો અમે વધુ તોફાનો કરાવ્યા હોત.

ઘણી NGO મામલાને લંબાવવા માગતી હતી
અમિત શાહ કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે પીએમ મોદીએ તે સમયે રમખાણો ન ફાટી નીકળે તે માટે ઘણું કર્યું હતું. તેમણે કહ્યું કે જે પરિસ્થિતિ બની છે તેને સંભાળવામાં થોડો સમય લાગ્યો છે. અમિત શાહે કહ્યું કે જે રાજકીય પક્ષો આ કેસમાં NGOને ફંડિંગ કરી રહ્યા હતા તેઓ મામલાને લંબાવવા માગતા હતા જેથી નરેન્દ્ર મોદી પર આરોપો ચાલુ રહે. મેં તેમના પર ખોટા આરોપો લગાવતા જોયા છે, તેમ છતાં મેં ખૂબ નજીકથી મોદીને ધીરજથી કામ કરતા જોયા છે.  દેશના આટલા મોટા નેતા એક પણ શબ્દ બોલ્યા વિના તમામ દુ:ખોને ભગવાન શંકરની જેમ ઝેરનો ઘુંટડો પી લડતા રહ્યા છે. આજે 19 વર્ષ બાદ જ્યારે આખરે સત્ય સોનાની જેમ ચમકતું બહાર આવ્યું છે, ત્યારે તેનો આનંદ છે. તેમણે કહ્યું કે મેં પીએમ મોદીને આ દર્દનો ખૂબ નજીકથી સામનો કરતા જોયા છે. આ આરોપોનો સામનો કરવો પડ્યો. અને બધું સાચું હોવા છતાં, કારણ કે ન્યાયિક પ્રક્રિયા ચાલુ હતી, અમે કંઈ કહીશું નહીં તેમ નક્કી કર્યા બાદ આટલા વર્ષો સુધી એક સ્ટેન્ડ પર રહેવાનું કપરું કાર્ય ફક્ત એક મજબૂત માનસિક વ્યક્તિ જ કરી શકે છે. અમિત શાહે કહ્યું કે ન્યાય પ્રક્રિયાને અસર ન થવી જોઈએ, તેથી કશું બોલ્યા નહીં.

ગૃહમંત્રીએ કહ્યું કે પીએમ મોદી જેવા વૈશ્વિક નેતા પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા, હું માનું છું કે લોકશાહીની અંદર બંધારણનું સન્માન કેવી રીતે કરી શકાય છે, મોદીજીએ રાજકારણમાં કામ કરતા તમામ લોકોની સામે આનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. અમિત શાહે કહ્યું કે આ મામલે મોદીજીને પણ પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ કોઈએ ધરણા કર્યા નથી. પીએમ મોદીના સમર્થનમાં દેશભરમાંથી અમારા કાર્યકરો ત્યાં પહોંચ્યા ન હતા. અમે કાયદાને સહકાર આપતા હતા. આ કેસમાં મારી પણ ધરપકડ કરવામાં આવી હતી. કોઈ ધરણાં ન હતા. અને જ્યારે આટલી મોટી લડાઈ પછી સત્યનો વિજય થાય છે, ત્યારે તે સોના કરતાં પણ વધુ ચમકે છે.

તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણોમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપનાર SITના રિપોર્ટ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. આ અરજી ઝાકિયા જાફરી વતી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે SITના તપાસ રિપોર્ટને સાચો માન્યો છે. ઝાકિયા જાફરી પૂર્વ સાંસદ અહેસાન જાફરીના પત્ની છે. જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો.

Most Popular

To Top