Columns

ભારતની તકલાદી લોકશાહીનું પ્રદર્શન મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે

ભારતની લોકશાહી સંસદીય પદ્ધતિની છે અને પરોક્ષ પણ છે. પરોક્ષ લોકશાહીમાં પ્રજા પોતે રાજ નથી કરતી પણ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ રાજ કરે છે. હકીકતમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતે રાજ નથી કરતા, પણ જેઓ રાજ કરવાના છે, તેમની પસંદગી તેઓ કરે છે. પ્રાચીન ગ્રીસમાં પ્રત્યક્ષ લોકશાહી હતી, જેમાં પ્રજાના સભ્યો વારાફરથી રાજ કરતા હતા. કોઈ નાગરિક અમુક સમય માટે પ્રધાન બનતો હતો તો કોઈ જજ બનતો હતો. બધા નાગરિકો બધાં કામો કરવાની લાયકાત ધરાવતા નથી હોતા, માટે ગ્રીસની પ્રત્યક્ષ લોકશાહી નિષ્ફળ ગઈ હતી.

ભારતમાં પણ પ્રજા જેમને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટે છે, તેમનામાં ખરી વહીવટી ક્ષમતા નથી હોતી, માટે રાજ તો સનદી અધિકારીઓ જ કરે છે. આ સનદી અધિકારીઓની નિમણુક પ્રધાનો કરે છે, જેમની નિમણુક પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરે છે. આ રીતે ભારતની લોકશાહી પરોક્ષ કરતાં પણ પરોક્ષ છે. પ્રજાના પ્રતિનિધિઓ એક વખત પોતાના મુખ્ય પ્રધાનની નિમણુક કરી દે, તે પછી તેમને મુખ્ય પ્રધાન બદલવાની સત્તા હોતી નથી; સિવાય કે બહુમતી સભ્યો ભેગા થઈને બળવો કરે. પ્રજાએ એક વખત પોતાના પ્રતિનિધિઓ ચૂંટીને લોકસભામાં કે વિધાનસભામાં મોકલી આપ્યા, તે પછી પ્રજા પર તેમનો કોઈ અધિકાર રહેતો નથી. તેઓ પ્રજાના પ્રતિનિધિ મટીને પક્ષના ગુલામ બની જાય છે.

પક્ષની નેતાગીરીના આદેશ મુજબ તેમણે ઠરાવની તરફેણમાં કે વિરુદ્ધમાં મતદાન કરવાનું હોય છે. તેઓ જો પક્ષના આદેશની અવગણના કરીને તેમના મતદારોની ભાવના મુજબ કે પોતાના અંતરાત્માના અવાજ મુજબ મતદાન કરે તો તેમની પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવે છે અને તેઓ સભ્યપદ પણ ગુમાવે છે. આ કાયદાને કારણે પ્રજાના પ્રતિનિધિઓ લાચાર બની જતા હોય છે. પ્રજાએ એક વખત પોતાના પ્રતિનિધિની ચૂંટણી કરી દીધી તે પછી પ્રજાનું કાંઈ ચાલતું નથી. પાંચ વર્ષ સુધી તેણે તમાશો જોવાનો રહે છે. પાંચ વર્ષ સુધી પ્રતિનિધિઓ પોતાની મરજી મુજબ કામ કરે છે.

ભારતની લોકશાહી હવે એક ઉદ્યોગ જેવી થઈ ગઈ છે. પ્રજાના પ્રતિનિધિઓ બિકાઉ જણસ જેવા થઈ ગયા છે. ચૂંટણી લડવા માટે તેઓ કરોડો રૂપિયાનું રોકાણ કરે છે, અને ચૂંટાયા પછી પાંચ વર્ષ અબજો રૂપિયાની કમાણી કરીને રોકાણનું વળતર મેળવે છે. સત્તાનાં સિંહાસન સુધી પહોંચવા પૂરતો તેઓ પ્રજાના મતનો ઉપયોગ કરે છે. ઉમેદવારો કોઈ પણ પક્ષની ટિકિટ પર ચૂંટાયા હોય તો પણ ચૂંટણી જીત્યા પછી તેઓ પોતાની વફાદારી બદલી શકે છે.

વફાદારી બદલવા માટે તેમને કરોડો રૂપિયાનું ઇનામ મળતું હોય છે. ૧૯૮૫માં રાજીવ ગાંધી વડા પ્રધાન હતા ત્યારે ઘડાયેલા કાયદા મુજબ તેઓ જો પાંચ વર્ષ પહેલાં પક્ષપલટો કરે તો તેમનું સભ્યપદ રદ્દ થઈ જાય છે, પણ તેમાં પણ રમત કરી શકાય છે. જો કોઈ રાજકીય પક્ષના બે તૃતિયાંશ કે વધુ સભ્યો પોતાની વફાદારી બદલે તો તેને પક્ષપલટો નથી ગણવામાં આવતો પણ પક્ષમાં તિરાડ ગણવામાં આવે છે. આ સભ્યોને સ્પિકર અલગ જૂથ તરીકે માન્યતા આપી શકે છે. હમણા શિવસેનામાં પણ તેવું જ બની રહ્યું છે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેનાના ૫૫ સભ્યો ચૂંટાઈને આવ્યા હતા. જો તેમાંના બે તૃતિયાંશ કે ૩૭ સભ્યો બળવો કરે તો તેને પક્ષપલટો ગણવામાં આવતો નથી. શિવસેનાના ૪૦ કરતાં વધુ વિધાનસભ્યોએ બળવો કર્યો હોવાથી તેમને પક્ષપલટાવિરોધી કાયદો લાગુ પડતો નથી, પણ તેમાં પણ શરત છે. કોઈ પક્ષમાં ભાગલા પડ્યા છે કે કેમ? તે નક્કી કરવાનું કામ સ્પિકર કરે છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં હાલ સ્પિકરની જગ્યા ખાલી છે.

સ્પિકરની જવાબદારી ડેપ્યુટી સ્પિકર નરહરિ ઝીરવાલ સંભાળે છે, જેઓ શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસના સભ્ય છે. ડેપ્યુટી સ્પિકર બળવાખોર જૂથને માન્યતા આપવાને બદલે તેમાંના અમુક સભ્યોનું સભ્યપદ રદ્દ કરી શકે છે. જો સ્પિકર ખોટી રીતે સભ્યપદ રદ્દ કરે તો સભ્યો તેની સામે કોર્ટમાં જઈ શકે છે, પણ કોર્ટમાં જલદી ચુકાદો આવતો નથી. તે દરમિયાન જો ગૃહમાં મતદાન યોજાય તો બળવાખોર સભ્યો મતદાન કરી શકે નહીં અને સરકાર બચી જાય તેવું પણ બની શકે છે.  મહારાષ્ટ્રમાં હુકમનું પાનું ડેપ્યુટી સ્પિકરના હાથમાં છે.

મહાવિકાસ અઘાડીની સરકાર લઘુમતીમાં મૂકાઈ ગઈ છે, તેમાં કોઈ સંદેહ નથી. જો ફ્લોર ટેસ્ટ કરવામાં આવે તો તેનું પતન થઈ શકે છે. આ કારણે સરકાર ફ્લોર ટેસ્ટને બદલે ગવર્નરને વિધાનસભાનું વિસર્જન કરીને નવેસરથી ચૂંટણી કરવાની ભલામણ કરે, તેવું પણ બની શકે છે. ગવર્નર સામાન્ય સંયોગોમાં સરકારની સલાહ માનતા હોય છે, પણ જો તેમને લાગે કે સરકાર બહુમતીનો ટેકો ગુમાવી ચૂકી છે, તો તેઓ પોતાની મરજી મુજબ નિર્ણય કરી શકે છે.

શિવસેનાના બળવાખોર સભ્યોને મુંબઈથી સુરત અને સુરતથી ગૌહાટી લઈ જવાનો અને ત્યાંની ફાઈવ સ્ટાર હોટેલમાં દિવસો સુધી રાખવાનો ખર્ચો કેટલો થાય છે? તેના આંકડાઓ મતદારોની આંખો પહોળી થઈ જાય તેવા છે. સુરતની લા મેરિડિયન હોટેલમાં એક રૂમનું એક દિવસનું ભાડું ૨,૩૦૦ રૂપિયા છે. શિવસેનાના બળવાખોર વિધાનસભ્યોને ચાર્ટર્ડ વિમાનમાં ગૌહાટી લઈ જવામાં આવ્યા તેનું ભાડું જ ૫૦ લાખ રૂપિયા હતું. ગૌહાટીની રેડિસન બ્લુ હોટેલનું ભાડું દિવસના ૬,૫૦૦થી ૮,૦૦૦ રૂપિયા છે.

ભાજપે પોતાના ૧૦૬ સભ્યોનું કોઈ અપહરણ ન કરી જાય તે માટે તેમને મુંબઈની ફાઇવ સ્ટાર તાજ પ્રેસિડન્ટ હોટેલમાં રાખ્યા છે. તેના એક રૂમનું એક દિવસનું ભાડું ૧૦,૦૦૦થી ૧૨,૫૦૦ રૂપિયા છે. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીએ પોતાના ૫૩ વિધાનસભ્યોને મુંબઇની બ્લુ સી હોટેલમાં રાખ્યા છે, જેનું દૈનિક ભાડું રૂમદીઠ ૧,૮૦૦થી ૨,૭૦૦ રૂપિયા છે. કોંગ્રેસે પોતાના ૪૪ વિધાનસભ્યોને મુંબઈની વેસ્ટ એન્ડ હોટેલમાં રાખ્યા છે, જેનું ભાડું ૫,૫૦૦થી ૭,૫૦૦ રૂપિયા છે. શિવસેનાએ પોતાના હાથમાં રહેલા ૨૦ જેટલા વિધાનસભ્યોને મુંબઈના મઢ ટાપુ પર આવેલી રિટ્રિટ હોટેલમાં રાખ્યા છે, જેનું દૈનિક ભાડું રૂમદીઠ ૫,૫૦૦ રૂપિયા જેટલું છે. આ રીતે હોટેલનાં ભાડાં પાછળ જ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે.

કોઈ પણ રાજ્યમાં કટોકટી પેદા થાય છે ત્યારે વિધાનસભ્યોના ભાવો રાતોરાત ઊંચકાઈ જાય છે. ધારો કે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે દ્વારા પ્રત્યેક બળવાખોર વિધાનસભ્યોને ૧૦-૧૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હોય તો ૫૦ વિધાનસભ્યોને તેઓ માત્ર ૫૦૦ કરોડ રૂપિયામાં ખરીદી શક્યા હશે. ૪.૨૭ લાખ કરોડ રૂપિયાનું બજેટ ધરાવતાં મહારાષ્ટ્ર રાજ્યનું સુકાન ૫૦૦ કરોડના ખર્ચામાં મળી જતું હોય તો તે સોદો ખોટનો નથી. બીજી બાજુ શિવસેના, ભાજપ, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પણ તેમના સભ્યોને ટકાવી રાખવા તેમને જાતજાતનાં પ્રલોભનો આપતા હશે. સરવાળે આ અબજો રૂપિયાનો ખેલ છે. તેમાં મતદારો ક્યાંય ચિત્રમાં નથી. દેશની લોકશાહીની આ ગંદી મજાક છે.

પ્રજાના ચૂંટેલા પ્રતિનિધિઓ પ્રજાને નહીં પણ પક્ષને વફાદાર હોય છે. તેઓ જે દિવસે ચૂંટાઇને આવે તે દિવસથી પ્રજા હાંસિયામાં જ ધકેલાઈ જતી હોય છે. ચૂંટાયેલો પ્રતિનિધ પણ પક્ષને નહીં પણ પૈસાને વફાદાર હોય છે. પૈસા મળતાં જ તે પોતાની વફાદારી બદલી કાઢતો હોય છે. આ કરોડો રૂપિયા ઉદ્યોગપતિઓ વેરતા હોય છે. ચૂંટણી લડવાના અબજો રૂપિયા પણ તેઓ જ આપતા હોય છે. હકીકતમાં આ ઉદ્યોગપતિઓ જ પડદા પાછળ આપણા પર રાજ કરતા હોય છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top