Editorial

અમેરિકાની વકરતી આર્થિક મુશ્કેલીઓ મધ્યસત્રી ચૂંટણીમાં રિપબ્લિકનો માટે કપરા સંજોગો સર્જી શકે છે

અમેરિકાના બોન્ડ કે ટ્રેઝરી નોટ દુનિયાભરમાં રોકાણનું એક સારુ સાધન મનાય છે પરંતુ ઇરાન યુદ્ધ પછીના સંજોગોમાં આ બોન્ડમાં રોકાણ કરવાનું રોકાણકારોએ ઘટાડી દીધું હોવાના અહેવાલ છે. રોકાણકારોને આકર્ષવા દેખીતી રીતે પ્રયાસો થઇ રહ્યા છે. બોન્ડના વ્યાજદરોમાં વધારો થઈ રહ્યો છે. આ  સ્થિતિ એફોર્ડેબિલિટી દબાણોને વધુ વણસાવી રહી છે, આર્થિક વૃદ્ધિને અવરોધી રહી છે અને નવેમ્બરમાં યોજાનારી વચગાળાની ચૂંટણીમાં  રિપબ્લિકન પક્ષ માટે નવું જોખમ ઊભું કરી રહી છે.

ઈરાન યુદ્ધને કારણે ઉછળેલા ઉર્જાના ભાવ  હવે અમેરિકી સરકારને ભંડોળ પૂરું પાડતા બોન્ડની કિંમતોમાં પણ જોવા મળી રહ્યા છે. ૧૦ વર્ષની  અમેરિકી ટ્રેઝરી નોટ પરનો વ્યાજદર ફેબ્રુઆરીના અંતમાં યુદ્ધ શરૂ થયું તે પહેલાં ૩.૯૫% હતો, જે વધીને હવે ૪.૪૪% ને વટાવી ગયો છે. અમેરિકાની અંદર આર્થિક સ્થિતિ પણ વણસી છે. એવરેજ મોર્ગેજ રેટ પણ વધીને છેલ્લા નવ મહિનામાં સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયા છે, જ્યારે વાહનોના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. આમ તો આ પડકાર વૈશ્વિક સ્તરનો છે, કારણ કે વિશ્વ હવે ઊંચા ફુગાવાની સંભાવના, સરકારી દેવાની ટકાઉક્ષમતા પર વધતા સવાલો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)માં  રોકાણમાં આવેલા નાટકીય ઉછાળા સાથે અનુકૂલન સાધી રહ્યું છે. અમેરિકામાં આ સંજોગો રિપબ્લિકનો માટે મુશ્કેલી સર્જી શકે છે.

અમેરિકા મોટી બજેટ ખાધનો પણ સામનો કરી રહ્યું છે. ટ્રમ્પે અમેરિકનોને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો છે કે તેમની પાસે આશરે ૧.૮ ટ્રિલિયન યુએસ ડોલરની વાર્ષિક બજેટ ખાધને ઘટાડવાની  યોજના છે. ભૂતકાળમાં, તેમણે ટેરિફમાંથી થતી આવક, વિદેશીઓ દ્વારા તેમના ગોલ્ડ કાર્ડ વિઝા માટે ચૂકવાતી રકમ, ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ  એફિશિયન્સી દ્વારા કરવામાં આવતો ખર્ચ કાપ અને ઝડપી આર્થિક વૃદ્ધિ તરફ ઈશારો કર્યો હતો. ગયા અઠવાડિયે, તેમણે જણાવ્યું હતું કે ઉપપ્રમુખ જેડી વેન્સના નેતૃત્વ હેઠળની ફ્રોડ ટાસ્ક ફોર્સ આ જંગી બચતનો માર્ગ ખોલવા માટેની ચાવી  સાબિત થશે. ટ્રમ્પે કહ્યું, જો તેઓ ખરેખર ઉત્કૃષ્ટ કામ કરશે, તો આપણે કંઈપણ કર્યા વિના સંતુલિત બજેટ મેળવી શકીશું.

ટ્રમ્પ કદાચ નિષ્ફળતાનું ઠીકરું આ ટાસ્ક ફોર્સ પર ફોડી નાખવાની તૈયારી કરતા હોય તે પણ શક્ય છે. જો કે, અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ખાધને નોંધપાત્ર રીતે અંકુશમાં લેવા માટેની ટ્રમ્પની વ્યૂહરચનાઓ ધાર્યા પરિણામો આપે તેવી સંભાવના ઓછી  છે.બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યુશનના બજેટ અને ટેક્સ ફેલો જેસિકા રીડલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય દેવાની ચૂકવણીનો ખર્ચ ૨૦૨૧ થી ત્રણ ગણો  વધીને વાર્ષિક ૧ ટ્રિલિયન ડોલરથી વધુ થઈ ગયો છે. તેમણે કહ્યું કે પ્રમુખ ટ્રમ્પે એક ટેક્સ કટ બિલ(વેરા કાપ ખરડા) પર હસ્તાક્ષર કર્યા છે જે સંભવતઃ ૧૦ વર્ષની ખાધમાં ૫ ટ્રિલિયન યુએસ ડોલરનો  ઉમેરો કરશે – અને ટેરિફ આ ખર્ચનો માત્ર એક નાનો હિસ્સો જ ભરપાઈ કરી રહ્યા છે.

વર્તમાન નીતિઓ હેઠળ બજેટ ખાધ એક દાયકાની અંદર  વાર્ષિક ૪ ટ્રિલિયન ડોલરને વટાવી જવાની આશંકા છે.  સામાજિક સુરક્ષા અને મેડિકેરનો ખર્ચ ટેક્સની આવક કરતાં વધી  જતાં આગામી દાયકામાં ખાધ વધુ વધવાની અપેક્ષા છે. ૧૦ વર્ષનો યુએસ ટ્રેઝરી રેટ મે મહિનાની મધ્યમાં ૪.૬૭% જેટલો ઊંચો ગયો હતો અને ઈરાન યુદ્ધવિરામ અંગેની વાટાઘાટો ચાલુ થતાં તેમાં થોડો  ઘટાડો થયો ખરો – જેવી રીતે ૨૦૨૫માં ટ્રમ્પના લિબરેશન ડે ટેરિફને કારણે શરૂઆતમાં દરો વધ્યા હતા અને ત્યારબાદ ટ્રમ્પે સૌથી આકરા  વધારા પાછા ખેંચી લેતા દરો ઘટવા લાગ્યા હતા.

જોર્જ ડબ્લ્યુ બુશ વહીવટીતંત્ર દરમિયાન વ્હાઇટ હાઉસ કાઉન્સિલ ઓફ ઇકોનોમિક એડવાઇઝર્સના અધ્યક્ષ રહી ચુકેલા ગ્લેન હબાર્ડ ચિંતિત છે કે,  ૨૦૦૮ની મંદી અથવા કોરોનાવાયરસ રોગચાળા જેવી આર્થિક કટોકટીનો અસરકારક રીતે સામનો કરવા માટે યુએસ પાસે હવે પહેલા જેવી ઉધાર  લેવાની ક્ષમતા  બચી નથી. કોલંબિયા યુનિવર્સિટીની બિઝનેસ સ્કૂલના પ્રોફેસર હબાર્ડે જણાવ્યું હતું કે, મને નથી લાગતું કે આપણી પાસે આ સમસ્યાનો સામનો કરવા માટે  ૨૦૦૮ કે ૨૦૨૦ જેવો અવકાશ છે. વોશિંગ્ટન પાસે આના ઉકેલ માટે કોઈ વિચારો – સારા કે ખરાબ – હોય તેવું લાગતું નથી.

વધતા વ્યાજદરો પ્રતિનિધિ સભા અને સેનેટ પર નિયંત્રણ મેળવવાની રેસમાં ઉતરેલા ડેમોક્રેટિક ઉમેદવારોને હુમલો કરવા માટે વધુ એક  મુદ્દો આપી રહ્યા છે, ખાસ કરીને એવા સમયે જ્યારે મતદારો ખોરાક અને ગેસોલિનના ઊંચા ભાવોથી ચિંતિત છે.  સતત વધતી ખાધ અને ઊંચા વ્યાજદર સામાન્ય લોકો માટે પણ   ઘર ખરીદવા કે તેનું નવીનીકરણ કરવા, નવી કાર ખરીદવા અથવા ક્રેડિટ કાર્ડના દેવાનું સંચાલન કરવાનું વધુ મુશ્કેલ બનાવે છે. એક ડેમોક્રેટ નેતાએ કહ્યું કે વસ્તુઓ પહેલાથી જ  મોંઘી છે. આપણે ગેસ વિશે તો વાત કરી જ શકીએ છીએ, પરંતુ ઉધાર લેવાનો ખર્ચ તેને વધુ ખરાબ બનાવે છે. આ સંજોગો અમેરિકાની સંસદ માટેની મધ્યસત્રી ચૂંટણીઓમાં રિપબ્લિકનો માટે કપરી સ્થિતિ સર્જી શકે છે.

Most Popular

To Top