SURAT

અમેરિકાથી સુરતમાં પિતાના ઘરે રહેવા આવેલા આધેડે પિતા-ભત્રીજીની સામે ફરિયાદ દાખલ કરાવી

સુરતઃ શહેરના સિટીલાઈટ (Surat city light) ખાતે બે વર્ષ પહેલા અમેરિકા (America)થી સુરતમાં પિતા (Father)ના ઘરે રહેવા આવેલા આધેડે પિતા અને ભત્રીજી (nephew)ની સામે ફરિયાદ (Fir) દાખલ કરાવી છે. આધેડ નૈનેષભાઈના ભાગની મિલકતો ભત્રીજીએ પિતાના મેળાપીપણામાં પોતાના નામે કરી તેમને જાનથી મારી ફેંકી દેવાની ધમકી આપી હતી. ઉમરા પોલીસે નૈનેષભાઈની ફરિયાદના આધારે પિતા અને ભત્રીજી સામે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે. ઉમરા પોલીસે સમાજના અગ્રણી ઠાકોર પટેલની ધરપકડ કરી હતી.

સિટીલાઈટ ખાતે દેવઆશિષ સોસાયટીમાં રહેતા 53 વર્ષીય નૈનેષ ઠાકોરભાઇ પટેલે ઉમરા પોલીસ સ્ટેશનમાં પિતા ઠાકોરભાઈ ભુલાભાઈ પટેલ (રહે-બી/૨૦૨,મુરલીધર એપાર્ટમેન્ટ, બીજા માળે, સીટીલાઈટ, સુરત) તથા ભત્રીજી પૂજાબેન વિરાજ મોદી (રહે-મુરલીધર એપાર્ટમેન્ટ, સીટીલાઈટ, સુરત) ની સામે ફરિયાદ નોંધાવી છે. નૈનેષભાઈની માતા ચંદનબેનનું ત્રણેક વર્ષ પહેલા અવસાન થયું હતું. નૈનેષભાઈના મોટાભાઈનું પણ નિધન થયું છે. અને ત્યારપછી એક બહેન છે અને પોતે સૌથી નાના ત્રણ નંબરના છે. ઠાકોરભાઈ વિરુદ્ધ પુણા પોલીસ સ્ટેશનમાં પણ જમીન મિલકતના કૌભાંડના બે ગુના નોંધાયેલા છે. નૈનેષભાઈ અમેરિકામાં રેસ્ટોરેન્ટનો બિઝનેસ કરતાં હતાં. તેમના પત્ની સાથે છૂટાછેડા થયા બાદ બે વર્ષ પહેલા તેઓ સુરત રહેવા આવી ગયાં હતાં. બાદમાં સુરતમાં તેમને અમિષા નામની એક યુવતી સાથે પ્રેમ થતા તેમને લગ્ન કરી લીધા હતાં.

જોકે ઠાકોરભાઈ અમિષા સાથે અવાર નવાર ઝઘડો કરતા હોવાથી તે ઘર છોડી જતી રહી હતી. બાદમાં તેમને ફરી અમેરિકા તેમની દિકરી પાસે જઈ સેટલ થવાનું હોવાથી તથા તેને અભ્યાસમાટે રૂપિયાની જરૂર હોવાથી પિતા ઠાકોરભાઈ પાસે મિલકતમાં ભાગ માંગ્યો હતો. પરંતુ ઠાકોરભાઈએ કોઈ ભાગ મળશે નહીં તેમ કહ્યું હતું. આ મિલકતના બધા વ્યવહાર માત્ર પૂજા કરશે. તથા કેવો અમેરિકા જાય છે કહીને નૈનેષભાઈનો પાસપોર્ટ બળજબરી કબજામાં રાખ્યો હતો. તથા તેમના બચતના રોકડા 9.50 લાખ રૂપિયા તથા , બીઓબી, દેનાબેંકની પાસબુક, ચેકબુક, મેક્સ લાઈફ, એલઆઈસી, વીમા કંપનીની પોલીસી સહિતના દસ્તાવેજો તેમના પિતા અને ભત્રીજી પૂજાએ પોતાના કબજામાં લઈ લીધા હતા. પૂજા નૈનેષના મોટા ભાઈ સંજયભાઈની દિકરી છે. નૈનેષના વકીલ સાથે વાત કરતા પૂજાએ તેને જાનથી મારી ફેકી દેવાની ધમકી પણ આપી હતી. ઉમરા પોલીસે બંને સામે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

કાકીના મોત બાદ કોરા કાગળો ઉપર અંગુઠાના નિશાન લઈ લીધા
નૈનેષભાઈની માતાને પુણા કુંભારિયાગામની સીમમા આવેલી ખેતીની જમીન ગીફ્ટ આપી હતી. માતાના અવસાન બાદ તેઓએ કરેલી રજિસ્ટર વીલના આધારે નૈનેષની હિસ્સાની જમીનનો વહિવટ કરવાનો અધિકાર તેમની પાસે છે. તેમ છતાં આ જમીન તેમના પિતા ઠાકોરભાઈ પોતાના અથવા પૂજાના નામ ઉપર કરાવી લેવા દબાણ કરતા હતા. તેમની માતાના અવસાનના દિવસે જ તેમની ભત્રીજી અને પિતાએ ચંદનબેનની મરણ અવસ્થાનો ગેરલાભ લઈને કોરા કાગળો ઉપર અંગુઠાના નિશાનો કરાવી લીધા હતાં. આ બધા કાગળો પૂજા અને ઠાકોરભાઈના કબજામાં છે.

પૂજાએ ઠાકોરભાઈના મેળાપીપણામાં મિલકતો પોતાના નામે કરાવી લીધી
ડુમસ ખાતે સુલતાનાબાદ ગામમાં એસએનએસ મરીનામાં નવમાં માટે ફ્લેટ, અઠવાલાઈન્સ ખાતે હિરલ આર્કેડમાં મેઝેનાઈન ફ્લોર ઉપર આવેલી દુકાન, અઠવાલાઈન્સમાં દિવ્યકાંતી બિલ્ડિંગમાં આવેલી વધુ એક દુકાન પણ પૂજાએ ઠાકોરભાઈના મેળાપીપણામાં પોતાના નામ ઉપર કરાવી લીધી છે. અને કોઈ પણ મિલકતમાં નૈનેષભાઈને ભાગ આપવા માંગતા નથી. બળજબરી તેમની સહી કરવા માટે કહે છે.

ઠાકોરભાઈ ઘરકામ માટે આવતી મહિલાઓ સાથે બિભત્સ વર્તન કરતા
ઠાકોરભાઈના પુત્ર નૈનેષએ ફરિયાદમાં લખાવ્યું છે કે, તેમની માતાના મોત બાદ પિતા ઠાકોરભાઈ દૈનિક પેપરોમાં ઘરકામ માટે મહિલાની જરૂરીયાત હોવાની જાહેરાતો આપતા હતા. ઘરકામ માટે આવતી મહિલાઓ સાથે બિભત્સ વર્તન કરતા હતા. જે નૈનેષભાઈને પસંદ નહીં હોવાથી તેઓ અલગ રહેવા જતા રહ્યાં હતાં.

Most Popular

To Top