Sports

એશિયા કપમાં આ પાંચ બેટ્સમેનો પર રહેશે બધાની નજર

2018માં છેલ્લે રમાયેલા એશિયા કપ પછી હવે ચાર વર્ષે આ ઉપખંડીય ટૂર્નામેન્ટનું આયોજન થઇ રહ્યું છે. 27 ઓગસ્ટથી શરૂ થનારી આ ટૂર્નામેન્ટ 11 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ ઉપખંડીય ટૂર્નામેન્ટના 38 વર્ષના ઇતિહાસમાં એવું માત્ર બીજીવાર બની રહ્યું છે કે તે ટી-20 ફોર્મેટમાં રમાશે. આ પહેલા 2016માં આ ટૂર્નામેન્ટ ટી-20 ફોર્મેટમાં રમાઇ્ હતી. ભારતીય ટીમ 2018મા રમાયેલી છેલ્લી ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની હતી. અને તે કુલ 7 વાર ચેમ્પિયન બની ચુકી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે તે પોતાનું ટાઇટલ જાળવી રાખશે કે કેમ. શ્રીલંકાની યજમાનીમાં યુએઇ ખાતે રમાનારી આ ટૂર્નામેન્ટમાં કુલ છ ટીમો ભાગ લેવાની છે, જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ઉપરાંત યુએઇ, હોંગકોંગ, સિંગાપોર અને કુવેતમાંથી કોઇ એક કવોલિફાયર ટીમ હશે. ટી-20 ફોર્મેટમાં આ ટૂર્નામેન્ટ રમાવાની હોવાથી તેમાં બેટ્સમેનોનું પ્રભુત્વ રહેવાની સંભાવના છે. દરકે ટીમ પાસે એવા વિસ્ફોટક બેટ્સમેનો છે જેઓ પોતાની રમતથી મેચનું પાસું પલટાવી શકે છે. જો કે આ ટૂર્નામેન્ટ દરમિયાન પાંચ બેટ્સમેનો પર બધાની નજર મંડાયેલી રહેશે, તેમાં ખાસ તો ભારતીય ટીમનો માજી કેપ્ટન વિરાટ કોહલી પોતાનું ફોર્મ પાછું મેળવવાનો પ્રયાસ કરશે, તો પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ પોતાનું ફોર્મ જળવાઇ રહે તેવા પ્રયાસો કરશે. આ ઉપરાંત રોહિત શર્મા, દિનેશ ચંદીમલ અને હઝરતુલ્લાહ જેઝઇ પણ પોતાની ટીમ માટે ઉપયોગી પ્રદર્શન કરવા માગશે.

વિરાટ કોહલી :
ક્રિકેટમાંથી બ્રેક બાદ ટીમમાં વાપસી કરનાર ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પર તમામની નજર રહેશે. કોહલી છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. તેની પાસે આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વર્લ્ડકપ પહેલા એશિયા કપમાં ફોર્મમાં પરત ફરવાની સુવર્ણ તક છે. તે IPL 2022ની 16 ઇનિંગ્સમાં 22.73ની એવરેજથી 341 રન બનાવવામાં સફળ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલીના તાજેતરના રન 17, 16, 11 અને 1 છે. તે તેનું ક્ષીણ થતું સ્વરૂપ દર્શાવે છે. ટીમ ઈન્ડિયાને વિરાટ પાસેથી આ ટૂર્નામેન્ટમાં સારા પ્રદર્શનની આશા છે.

બાબર આઝમ :
હાલમાં સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પોતાનું નામ આગળ કરનાર પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ ગંભીર પરિસ્થિતિઓમાં રન બનાવીને પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સારું પ્રદર્શન કરવામાં મદદ કરી રહ્યો છે. તેણે આક્રમક બેટ્સમેન મહંમદ રિઝવાન સાથે ઘાતક ઓપનિંગ ભાગીદારી બનાવી છે. બાબરે તાજેતરના સમયમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને કહેવાય છે કે તે એશિયા કપમાં પણ તે જાળવી રાખતો જોવા મળશે. બાબરે T20માં કુલ 2,686 રન બનાવ્યા છે.

રોહિત શર્મા
ભારતીય કેપ્ટન મેદાન પર બોલ્ડ નિર્ણયો લેવા માટે જાણીતો છે. આના માટે કોઈ પુરાવાની જરૂર નથી કારણ કે તેની પાસે કેપ્ટન તરીકે પહેલાથી જ પાંચ આઈપીએલ ટાઈટલ છે, જે તેણે મુંબઈ ઈન્ડિયન્સ માટે જીત્યા છે. સુકાનીપદ ઉપરાંત દેશને તેની પાસેથી સારી બેટિંગની અપેક્ષા છે. ગત વખતે એશિયા કપ જીતનાર ટીમનો કેપ્ટન રોહિત શર્મા હતો. તે આ ટાઇટલનો બચાવ કરવા ઉતરશે અને તેમાં તેની બેટીંગ મહત્વનો ભાગ ભજવી શકે છે. હાલમાં તેણે આક્રમકતા અપનાવી છે, જે એશિયા કપમાં પણ તે જાળવી રાખવા માગશે.

દિનેશ ચંદીમલ :
શ્રીલંકાનો માજી કેપ્ટન દિનેશ ચંદીમલ આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા અને ભારતનો પ્રવાસ કરનારી T20 ટીમનો ભાગ હતો, પરંતુ જૂનમાં ઓસ્ટ્રેલિયા સામેની ટી-20માં તેને પડતો મૂકવામાં આવ્યો હતો. ચંદીમલે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચોમાં શાનદાર બેટિંગ કરી હતી. આ કારણે તેને ફરીથી ટી-20 ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. શ્રીલંકાની ટીમ તેના પર ઘણી નિર્ભર રહેશે.

હઝરતુલ્લાહ ઝેઝાઈ :
અફઘાનિસ્તાનનો સ્ટાર બેટ્સમેન હઝરતુલ્લાહ ઝેઝાઈ પોતાની ટીમ વતી ટોચના ક્રમમાં રમે છે અને તે તેના ઝડપી રન બનાવવા માટે જાણીતો છે. તે અફઘાનિસ્તાનની બેટિંગનો મુખ્ય આધાર છે. ટીમને તેની પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા છે. જો ઝેઝાઈ રન બનાવવામાં સફળ રહે છે તો અફઘાનિસ્તાનની ટીમ ટુર્નામેન્ટમાં અપસેટ કરી શકે છે. તેણે અફઘાનિસ્તાન માટે 28 ટી-20 મેચમાં 867 રન બનાવ્યા છે.

Most Popular

To Top