Editorial

યુરોપ અને ચીનના દુકાળ અને દાવાનળો આખી દુનિયા માટે ચેતવણીના ઘંટ સમાન છે

યુરોપમાં સખત ગરમીના મોજાને કારણે અનેક દેશોમાં દાવાનળ સળગી ઉઠ્યા, બ્રિટનના દક્ષિણી ભાગમાં વિક્રમ સર્જક ગરમી  પડી અને ઇંગ્લેન્ડના કેટલાક વિસ્તારોમાં દુકાળની સ્થિતિ જાહેર કરવામાં આવી, અમેરિકાના કેટલાક ભાગોમાં પણ  દાવાનળ અને દુકાળની સ્થિતિ સર્જાઇ તેના પછી હવે ચીનથી અહેવાલ આવ્યા છે કે ત્યાં પણ સખત ગરમીના મોજાને કારણે દાવાનળો સળગી ઉઠ્યા છે અને સખત ગરમી વચ્ચે વિજળીની વધતી માગ અને જળ વિદ્યુત મથકોમાં પાણીની  તંગીને કારણે વિજળીની તંગીને કારણે વીજ કાપ મૂકાઇ રહ્યા છે. દક્ષિણ પશ્ચિમ ચીનમાં જંગલોની આગને કારણે ૧૫૦૦ કરતા વધુ લોકોનું સ્થળાંતર કરાવવાની ફરજ પડી છે અને સપ્તાહોથી ચાલી રહેલ સખત ગરમી અને દુકાળને કારણે આ  પ્રદેશમાં ફેકટરીઓ માટે વિજળીના કાપ લંબાવવા પડ્યા છે. ફક્ત યુરોપ, અમેરિકા અને ચીનમાં જ દાવાનળો અને દુકાળની સ્થિતિ છે એવું નથી, દુનિયાના અન્ય કેટલાક ભાગોમાં પણ દુકાળ કે દુકાળ જેવી સ્થિતિના અહેવાલો છે અને આ  બાબતો ખૂબ જ ચિંતાજનક છે.

જેના આર્થિક વિકાસની ખૂબ ચર્ચા થઇ છે તે ચીનમાં સ્થિતિ કેટલી હદે બગડી છે તે આ અહેવાલો પરથી સમજી શકાય તેમ છે. ત્યાંના દક્ષિણ પશ્ચિમના ચોંગકિંગ શહેરના કેટલાક શોપિંગ મોલ્સને આદેશ આપવામાં આવ્યો છે કે વિજળીની માગ  ઘટાડવા માટે તેઓ દિવસના મોટા ભાગ દરમ્યાન મોલ બંધ જ રાખે એેમ સરકારી પ્રસારક સીસીટીવીએ જણાવ્યું છે. મોલ્સને સાંજે ૪થી રાત્રે ૯ સુધી જ ખુલ્લા રાખવાની છૂટ અપાઇ છે. ચીનના કેટલાક ભાગોમાં દુકાળ અને ગરમીના કારણે  પાક નષ્ટ થઇ ગયો છે અને મહાનદી યાંગત્સે સહિતની નદીઓ સંકોચાઇ ગઇ છે. માલસામાનની હેરફેર ખોરવાઇ ગઇ છે અને જે સમયે એર કન્ડિશનિંગ માટે માગ વધારે રહે છે તેવા જ સમયે હાઇડ્રોઇલેકટ્રિક બંધોમાંથી વિજળીનો પુરવઠો ઘટી  ગયો છે. સરકારી મીડિયાએ જણાવ્યું છે કે સરકાર પાનખરના અનાજના પાકનું રક્ષણ કરવા પ્રયાસ કરશે જે દેશના કુલ વાર્ષિક અનાજ ઉત્પાદનના ૭પ ટકા થાય છે. વાદળોમાં રસાયણો છાંટીને વરસાદ પાડવાના પ્રયાસો કરાય છે. સિચુઆન  પ્રાંતમાં વિજ કાપ લંબાવાઇ રહ્યા છે.

જો કે આની કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ કંપનીઓને સરકાર દ્વારા જારી કરવામાં આવેલ એક નોટિસના અહેવાલ ચીની મીડિયા ગૃહો દ્વારા જાહેર કરાયા છે. સિચુઆનમાં પ્રોસેસર  ચિપ્સ, સોલાર પેનલો, ઓટો સ્પેરપાર્ટ્સ વગેરેનું ઉત્પાદન થાય છે અને આ વીજકાપને કારણે આ વસ્તુઓનો પુરવઠો ખોરવાયો છે અને તેને કારણે શાંઘાઇમાં કેટલીક ઓટો કંપનીઓએ પોતાનું ઉત્પાદન ગયા સપ્તાહે બંધ રાખવાની ફરજ પડી  હતી. દેખીતી રીતે આની અસર ચીનની નિકાસો પર થઇ શકે છે. યુરોપની વાત કરીએ તો ત્યાં કેટલાક ભાગોમાં નદીઓ સૂકાઇ ગઇ છે. ત્યાં સ્પેન, પોર્ટુગલ, ફ્રાન્સ વગેરે અનેક દેશોમાં દાવાનળો સળગી ઉઠ્યા હતા અને તેમાં પણ ફ્રાન્સનો  દાવાનળ તો અભૂતપૂર્વ પ્રકારનો હતો. છેક હમણા ઓગસ્ટના મધ્ય ભાગમાં આ દાવાનળને કાબૂમાં લેવામાં કંઇક સફળતા મળી છે.

નિષ્ણાતો કહે છે કે યુરોપમાં સખત ગરમીનું મોજું અને દુકાળ એ હવામાન પરિવર્તનનું સીધું પરિણામ છે. યુક્રેન યુદ્ધની અસરો સામે ઝઝૂમી રહેલ યુરોપની હાલત દુકાળે ઓર બગાડી નાખી છે. યુરોપનો અડધો અડધ ભાગ દુકાળનો સામનો  કરી રહ્યો છે. પશ્ચિમ, મધ્ય અને દક્ષિણી યુરોપના કેટલાક ભાગોમાં તો બે મહિનાથી બિલકુલ વરસાદ પડ્યો જ નથી. ઇંગ્લેન્ડના હરિયાળા અને રમણીય ગામડાઓ ભૂખરા રંગના થઇ ગયા છે. યુરોપ સામાન્ય રીતે ઠંડો મુલક છે અને ત્યાંના વન્ય  અને જળચર જીવો આવી ગરમીમાં રહેવા ટેવાયેલા નથી. સ્થિતિ અત્યારે એવી છે કે ત્યાં મરેલી માછલીઓ નદી કાંઠાઓ પર તણાઇને આવી રહી છે. યુરોપ અને ચીનના દાવાનળ તથા દુકાળ ત્યાંના રહેવાસીઓ માટે તો દુ:ખદ છે જ પરંતુ  આખી દુનિયા માટે ચેતવણીના ઘંટ સમાન છે. જો પર્યાવરણને બગડતુ હજી પણ અટકાવવામાં નહીં આવે તો આખી દુનિયા માટે આના કરતા પણ વધારે કપરા સંજોગો પેદા થઇ શકે છે.

Most Popular

To Top