Columns

સુલ્લી ડિલ્સ પછી બુલ્લીબાઈ નામની એપ મુસ્લિમ મહિલાઓનું અપમાન કરવા આવી છે

આપણો સમાજ વાત નારીને પુરુષસમોવડી ગણવાની કરે છે, પણ જ્યારે મહિલાઓનું અપમાન કરવાની તક મળે છે, ત્યારે તેને છોડતો નથી. આ પુરુષપ્રધાન સમાજમાં નારીનો અવતાર ધારણ કરવો તે ખરેખર અભિશાપ સમાન છે. જે કર ઝૂલાવે પારણું; તે જગત પર શાસન કરે, જેવી કહેવતો સુવાક્યો લખવા પૂરતી જ મર્યાદિત રહી ગઈ છે. હકીકતમાં પુરુષપ્રધાન સમાજ મહિલાઓને આનંદપ્રમોદનાં સાધન તરીકે જ જુએ છે. મીડિયામાં પણ નારીને ઉપભોગનું સાધન બનાવીને તેનો ઉપયોગ કંપનીઓ પોતાની પ્રોડક્ટ કે સર્વિસ વેચવા છૂટથી કરે છે. કેટલીક નારીઓ પોતાનું સ્વમાન વેચીને પણ તેમના હાથા તરીકે કામ કરે છે. આ વાતાવરણ વચ્ચે મુસ્લિમ મહિલાઓની બેઇજ્જતી કરતી બુલ્લી બાઈ નામની એપ કેટલાક કટ્ટરતાવાદી હિન્દુઓનું કાવતરું હોવાનું જણાય છે.

આ એપ મૂળભૂત રીતે માલનું લિલામ કરવાની એપ છે. તેના પર જાહેર ક્ષેત્રમાં જાણીતી અને સોશ્યલ મીડિયામાં સક્રિય મુસ્લિમ મહિલાઓના ફોટા મૂકીને તેમને હેરાન કરવાનો હલકો પ્રયાસ કરવામાં આવ્યો છે. દિલ્હીની પોલીસના સાઈબર ક્રાઈમ સેલે બુલ્લીબાઈ સામે ફરિયાદ દાખલ કરીને તેને તાત્કાલિક અસરથી ગીતહબ નામના પ્લેટફોર્મ પરથી હટાવી લીધી છે, પણ તેટલું પર્યાપ્ત નથી. ગયા જુલાઈ મહિનામાં આવા જ પ્રકારની સુલ્લી ડિલ્સ નામની એપ સોશ્યલ મીડિયામાં જોવા મળી હતી. તેમાં શાહીન બાગના આંદોલનમાં ભાગ લેનારી મુસ્લિમ મહિલાઓની બેઇજ્જતી કરવામાં આવી હતી. તેના પ્રણેતાઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, પણ હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસના આ ઢીલા વલણથી મુસ્લિમ મહિલાઓની ફજેતી કરતાં તત્ત્વોની હિંમત વધી ગઈ હોવાનું જણાય છે. હવે બુલ્લીબાઈ દ્વારા મુસ્લિમ મહિલાઓને પરેશાન કરતાં ઇસમોને જેલમાં મોકલી દેવાની માગ ઊઠી છે. હરિદ્વારના હિન્દુ સંમેલનમાં હેટ સ્પિચ આપનારાઓ સામે પણ પગલાં ભરવાની માગ ઉગ્ર બની રહી છે.

બુલ્લીબાઈ નામની એપ પર જે મુસ્લિમ મહિલાઓના ફોટા લિલામ માટે મૂકવામાં આવ્યા છે, તેની યાદી બહુ લાંબી છે, પણ તેમાં કોમન વાત એ છે કે જે મુસ્લિમ મહિલાઓ અન્ય મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવવાની લડાઈ લડી રહી છે, તેમને પાઠ ભણાવવામાં આવ્યો છે. હૈદરાબાદની ૬૭ વર્ષની ખાલિદા પરવીન છેલ્લા ચાર દાયકાથી મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવવાની ઝુંબેશ ચલાવી રહી છે. હૈદરાબાદના લોકો તેમને ખાલિદા આપા તરીકે ઓળખે છે. શાહીન બાગમાં મુસ્લિમ મહિલાઓ સીએએ સામે લડત ચલાવી રહી હતી તેમને પણ ખાલિદા આપા દ્વારા નૈતિક પીઠબળ પૂરું પાડવામાં આવ્યું હતું.

તાજેતરમાં હરિદ્વાર ખાતે તા. ૧૭ થી ૧૯ ડિસેમ્બર દરમિયાન ધર્મસંસદ મળી ગઈ, જેમાં અમુક સાધુસંતો દ્વારા મુસ્લિમો સામે આગ ઓકવામાં આવી હતી. તેમાંના કાલિચરણ સ્વામીની મહાત્મા ગાંધીનું અપમાન કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ ધર્મસંસદમાં નરસિંહાનંદ સરસ્વતી નામના સન્યાસી દ્વારા મુસ્લિમો સામે ઉશ્કેરણી પેદા કરતું ભાષણ કર્યું હતું. ખાલિદા આપા દ્વારા તેનો સોશ્યલ મીડિયામાં જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો અને સ્વામીની ધરપકડ કરવાની માગણી પણ કરવામાં આવી હતી. આ કારણે બુલ્લીબાઈ પર ખાલિદા આપાનો અને તેમના સહયોગી આયેશા મિન્હાસનો ફોટો લિલામ માટે મૂકવામાં આવ્યો હતો. તેની સામે હૈદરાબાદમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

બુલ્લીબાઈ એપ હજુ તા.૧ જાન્યુઆરીના લોન્ચ કરવામાં આવી હતી અને તેના પર પહેલા જ દિવસે જાણીતી ૧૦૦ મુસ્લિમ મહિલાઓના ફોટા લિલામ માટે મૂકવામાં આવ્યા હતા, જેની સાથે મહિલાઓની બેઇજ્જતી કરતું લખાણ પણ કરવામાં આવ્યું હતું. આ મહિલાઓમાં ફિલ્મસ્ટાર શબાના આઝમી ઉપરાંત દિલ્હી હાઈ કોર્ટના સીટિંગ જજની પત્ની, મુસ્લિમ મહિલા પત્રકારો, સામાજિક કાર્યકરો અને રાજકારણીઓનો સમાવેશ પણ થતો હતો. પાકિસ્તાનની મુસ્લિમ મહિલાઓના અધિકારો માટે લડતી મલાલા યુસુફ, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની ગુમ થયેલી વિદ્યાર્થિની નજીબ અહમદની માતા ફાતિમા નસીફ અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની જાણીતી મહિલા પત્રકાર ક્વાર્તુલિન રેહબરનો પણ સમાવેશ થતો હતો. ભારતની રાજધાની દિલ્હીમાં કામ કરતી મહિલા પત્રકાર ઇસ્મત આરાનો સમાવેશ પણ જેમને નિશાન બનાવવામાં આવી હતી તેવી મહિલાઓમાં થતો હતો. આ વખતે બુલ્લીબાઈમાં અંગ્રેજી સાથે પંજાબી ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેનો દેખાવ હૂબહૂ સુલ્લી ડિલ્સ એપ જેવો જ હતો.

ઇન્ટરનેટનું માધ્યમ બેધારી તલવાર જેવું છે. જે મુસ્લિમ મહિલાઓ સોશ્યલ મીડિયામાં સક્રિય હોય છે તેઓ સહેલાઈથી પોતાનો સંદેશો લાખો લોકો સુધી પહોંચાડી શકે છે, પણ તેને કારણે તેઓ હેરાન કરવા માંગતાં તત્ત્વો માટે સોફ્ટ ટાર્ગેટ બની જાય છે. સુલ્લી ડિલ્સ અને બુલ્લીબાઈ જેવી એપના માધ્યમથી જે મુસ્લિમ મહિલાઓની બેઇજ્જતી કરવામાં આવી તે બધી ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ વગેરે માધ્યમો પર સક્રિય છે અને તેમના લાખો અનુયાયીઓ પણ છે. આ મહિલાઓના ફોટા સહેલાઈથી સોશ્યલ મીડિયામાં મળી જાય છે, માટે તેનો દુરુપયોગ પણ સહેલાઈથી થાય છે. બુલ્લીબાઈ નામની એપ શિવસેનાનાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદીના જોવામાં આવી તે પછી તરત તેમણે કેન્દ્રનાં આઈટી ખાતાંના પ્રધાન અશ્વિની વૈષ્ણવનો સંપર્ક કરીને તેમને ત્વરિત કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો હતો. જો કે સાઇબર પોલીસના જણાવ્યા મુજબ આવી એપ લોન્ચ કરનારા સામે કાર્યવાહી કરવામાં મહિનાઓ લાગી શકે છે. મુસ્લિમ મહિલાઓની માગણી છે કે સરકારે ફરિયાદ દાખલ કરીને સંતોષ ન માનવો જોઈએ, પણ ગુનેગારની ધરપકડ પણ થવી જોઈએ.

બુલ્લીબાઈ પર જે મુસ્લિમ મહિલાઓ માટે વાંધાજનક પોસ્ટ મૂકવામાં આવી તેમાં ખાલિસ્તાનવાદીઓ પણ સંડોવાયેલા હોવાનું જણાય છે. આ એપનો પ્રચાર બુલ્લીબાઈ નામના ટ્વિટર હેન્ડલ દ્વારા પણ કરવામાં આવ્યો હતો. આ હેન્ડલ ખાલસા શીખ ફોર્સ નામની સંસ્થાની માલિકીનું છે. તેમાં ખાલિસ્તાનતરફી સંદેશાઓ પણ મૂકવામાં આવે છે. તેમાં ફ્રી જગ્ગી નાઉ નામની ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે. તેનો ઇરાદો ૨૦૧૭ માં જેની ધરપકડ કરવામાં આવી હતી તે ખાલિસ્તાની કમાન્ડર જગતાર સિંહ જોહાલને મુક્ત કરવાનો છે. જગતાર સિંહ બ્રિટનનો નાગરિક છે, પણ તેની ધરપકડ પંજાબમાં કરવામાં આવી હતી.

આ પરથી લાગે છે કે મુસ્લિમ મહિલાઓને અપમાનિત કરવાની બાબતમાં હિન્દુ સાથે શીખ કટ્ટરપંથીઓ પણ જોડાઈ ગયા છે. બુલ્લીબાઈનું ઉદ્ગમસ્થાન હરિદ્વારમાં મળી ગયેલી ધર્મસંસદ અને તેનો કરવામાં આવી રહેલો વિરોધ હોવાનું જણાય છે. આ સંસદમાં કેટલાક હિન્દુ સંતો દ્વારા મુસ્લિમોના વિરોધમાં અત્યંત ઉશ્કેરણીજનક ભાષણો કરવામાં આવ્યાં હતાં. તેનો ઉદ્દેશ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં આવી રહેલી ચૂંટણીઓમાં હિન્દુ મતોનું ધ્રૂવીકરણ કરીને ભાજપને જીતાડવાનો હતો. મુસ્લિમ સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. મુસ્લિમ સમાજ તેનો મુકાબલો કરવા સજ્જ થઈ રહ્યો છે. રાજકારણીઓ ચૂંટણી જીતવા કોમી વાતાવરણ ડહોળી નાખવા તૈયાર થઈ ગયા છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top