SURAT

એક જેલમાં ફાંસીની સજાના 4 આરોપી: આ કેદીઓ માટે લાજપોર જેલમાં સ્પેશ્યિલ સિક્યુરિટી ઉભી કરાઈ

સુરત : (Surat) બળાત્કાર (Rape) અને હત્યા (Murder) જેવા ગંભીર ગુનામાં (Crime) ફાંસીની સજા (Death penalty) પામેલા ચાર કેદીઓ (Prisoner) હાલમાં લાજપોર જેલમાં (Lajpore Jail) છે. જેલ પ્રશાસન માટે સૌથી મોટી બાબત આ ચારેય કેદીઓની સિક્યોરિટીની (Security) છે. આ કેદીઓ પોતાની જાતને કોઇ નુકસાન નહીં પહોંચાડે તેમજ અન્ય કેદીઓની સાથે કોઇ બીજો ગુનો ન કરે તે માટે તેઓને સૌથી અલગ રાખવામાં આવી રહ્યાં હોવાની વિગતો મળી છે.

જ્યારે કોઇ વ્યક્તિ ગુનો કરે છે અને તેને જેલમાં લઇ જવામાં આવે છે ત્યારે જેલમાં પણ આરોપી સાથેનો વ્યવહાર ગુના પ્રમાણે અલગ અલગ હોય છે. ચીટિંગના ગુનાના આરોપી પાસે અન્ય કેદીઓ ગમે તે કામ કરાવે છે, બળાત્કારના ગુનામાં જેલમાં ગયેલા વ્યક્તિઓને સૌપ્રથમ તો માર મારવામાં આવે છે ત્યારબાદ તેની પાસે પણ વાસણ ધોવાથી માંડીને અન્ય કામો કરાવાય છે. આરોપીને કોઇ ગુનામાં સજા થાય તે પહેલા અને સજા થયા બાદ તેનો પોતાનો જ વ્યવહાર બદલાઇ જાય છે.

મોટાભાગે જ્યારે આરોપીને આજીવન અને અંતિમ શ્વાસ સુધીની સજા કરવામાં આવે છે ત્યારે તે પોતાને મોટો ગુંડો હોય તેમ સમજીને અન્ય કેદીઓની સાથે દાદાગીરી કરવા લાગે છે. નવા આવનાર કેદીઓને માર મારવા, તેની પાસે નાની-મોટી અપેક્ષા રાખીને દાદાગીરી પણ થાય છે. પરંતુ જ્યારે કોઇ કેદીને ફાંસીની સજા કરવામાં આવે છે ત્યારે તે કેદીની સાથે અન્ય કેદીનો વ્યવહાર અને જેલ પ્રશાસનનો વ્યવહાર પણ બદલાય છે.

જેલ પ્રશાસન માટે ફાંસીની સજા પામેલા કેદીઓની સુરક્ષા સૌથી મોટી બાબત બની જાય છે. આ આરોપી અન્ય કેદીની સાથે મારઝૂડ ન કરે કે પછી પોતે પોતાની જાતને કોઇ નુકસાન ન કરે તે માટે અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા છે. ફાંસીની સજાના કેદીઓને પણ સૌથી અલગ રાખવામાં આવે છે. આ ઉપરાંત જ્યાં સુધી આરોપીને ફાંસી ન થાય ત્યાં સુધી આરોપીને હાઇસિક્યોરિટી ઝોનમાં રાખવામાં આવે છે.

ફાંસીની સજા કાપતા આ છે ચાર કેદીઓ

  • અનિલ સુરેન્દ્રસિંગ યાદવ (ઉ.વ.27) (2019માં ફાંસીની સજા થઇ)
  • ટુકના બુધિયાભાઇ દાસ (ઉ.વ.44) (2020માં ફાંસીની સજા થઇ)
  • ગુરૂકુમાર મધેશ યાદવ (ઉ.વ.34) (2021માં ફાંસીની સજા થઇ)
  • દિનેશ દશરથ બૈસાણે (ઉ.વ.24) (2021માં ફાંસીની સજા થઇ)

કેવી રીતે કેદીઓને રાખવામાં આવે છે?

  • આ ચારેય કેદીને એક જ બેરેકમાં રાખવામાં આવ્યા છે
  • ચારેય કેદીની સાથે બીજા પાંચથી છ કેદી છે
  • આ કેદીઓને ટીવીની ફેસીલિટી અપાઇ છે
  • બે પોલીસકર્મી 24 કલાકની ત્રણ શિફ્ટમાં સતત જાગીને વોચ રાખે છે
  • આ તમામ કેદીઓ દિવસ દરમિયાન કઇ પ્રવૃતિ કરે છે તેનો રિપોર્ટ કરે છે
  • આ બેરેકમાં કપડા સૂકાવા માટે તેમજ બીજા કોઇ કામ માટે દોરી રાખવામાં આવતી નથી
  • જેલરોએ સવાર-સાંજ આ તમામ આરોપીનો રિપોર્ટની જેલ એન્ટ્રી કરવી પડે છે

Most Popular

To Top