Comments

બીડી તો નરકની સીડી છે..!

Why is it bad luck to light three cigarettes with one match? | HowStuffWorks

એક જ અરમાન છે મને, માણસ ક્યાં તો ખડખડતો હોવો જોઈએ. ક્યાં તો ઘસઘસાટ ઊંઘતો હોવો જોઈએ. ફાલતુ ડખા નહિ ફાવે! જિંદગીમાં સુખી થવાના આ બે જ રસ્તા, ક્યાં તો ઘસઘસાટ ઊંઘો, ક્યાં તો ખડખડાટ હસો! આકાશનાં ગ્રહણો રસ્તા ઉપર ઉતરીને લટાર મારતા હોય, એમ મનહૂસ થઈને ફરે તે નરવું પર્યાવરણ જ બગાડે. મફતમાં હાસ્ય મળે છે યાર, લૂંટ કરો ને યાર?  હાસ્ય વગરનો માણસ, વગર મોજડીએ બરમૂડામાં પૈણવા જતો હોય તેવા વરરાજા જેવો લાગે તે સારું દેખાય? હાસ્યની પણ કોઈ ઈજ્જત હોય! આવી ચિંતામાં ને ચિંતામાં હું હાસ્યના રવાડે ચઢી ગયો.

આવી ચિંતા માત્ર મને જ નહિ, ચાર્લી ચેપ્લીન, જેરી લુઇસ, માર્ક ટવેઇન, જેરોમ, કે આર્ટ બુક્વોલ્ડ જેવાં ઈંગ્લીશ હાસ્યલેખકોને પણ થયેલી! જગતમાં કોઈ ભૂખ્યો નહિ જોઈએ, ને હસ્યા વગરનો રહેવો નહિ જોઈએ. હસ્યા વગર સૂઈ જાય, તો ગૌ-હત્યા જેટલી ઘૃણા થાય. કાનમાં કાનખજૂરો ભરાઈ ગયો હોય, એવી વેદના થાય. આ એક  ‘હ્યુમર-મેનીયા’ છે દાદૂ! જ્યાં જ્યાં રડમસ ચહેરા જોવાના મળે, ત્યારે મારામાં ફણગો ફૂટે કે, નદીના કિનારા નહિ મળે તો વાંધો નહિ, કોઈ પણ ખાડી-ખાબોચિયાના સ્થાનકે પણ સાબરમતી જેવો એકાદ ‘હાસ્યમતી આશ્રમ’ ખોલી નાંખુ! હાસ્ય વગરનો માણસ રસ્તે રઝળતા બીડીના ઠુંઠા જેવો લાગે તે સહન નહિ થાય દોસ્ત! એવું ફિલ થાય કે, બીડીનો તલપદાર તાણીને કસ લઈને  બીડીના ઠુંઠાને ફેંકી જાય, પછી એ  ઠુંઠાનો ધણી કોણ?

બીડીના ઠુંઠા પીવા વિષે મહાત્મા ગાંધીજીએ ‘ મારા સત્યના પ્રયોગો’ માં એક કિસ્સો લખેલો.  એવું નથી લખ્યું કે, બીડીના ઠુંઠા વીણવા પણ ગ્રામ સ્વચ્છતાનું એક શ્રમકાર્ય કહેવાય, પણ એવું લખેલું કે,  ઠુંઠા ફૂંકવાની લાલચ ગાંધીજી પણ નહિ રોકી શકેલા. તો પછી આપણે કયા મંડપનું માયમાટલું? મારે પણ એવું જ  બનેલું. બંદાને ખબર નહિ કે, બીડીમાં કોઈ વિટામીન નથી. કસ ખેંચીને માત્ર ધુમાડો જ કાઢવાનો આનંદ હોય. લોકો અત્યારે પૈસાનો ધુમાડો કરે, એમ, અમે બચપણમાં બીડીના ઠુંઠામાંથી ધુમાડા કાઢવાની પ્રેકટીસ કરતા! બહુ યાદ નથી, પણ કોઈએ એવું કહેલું કે, બીડી તો સ્વર્ગની સીડી છે. એના કપાળમાં કાંદા ફોડું, બચપણ વીત્યા પછી ખબર પડી કે, બીડી સ્વર્ગની નહિ, નરકની સીડી છ! એવું કહેનારને હું શોધું છું, પણ મળતો નથી અને મળતો હોય તો હવે ઓળખાતો નથી!

બીડીના ઠુંઠા, રેલ્વેની ટીકીટ, વિવિધ સિગારેટ-માચીસના ખાલી ખોખાં, ઠંડા પીણાંની બોટલના બિલ્લા, ચોકના ટુકડા, બોરના ઠળિયા ને બીડીના ઠુંઠા વગેરે અમારી બચપણની અમૂલ્ય મિલકત ગણાતી. આમાંની એક પણ ચીજ કોઈ ઝૂંટવી લે, કે ધંધાકીય બેઈમાની કરે તો, જઘન્ય ગુનો કર્યો હોય એમ, તેના ઉપર તૂટી પડતા. એ વખતે અમારી આર્થિક જાહોજલાલી ચિરૂટ, સિગારેટ જેટલી રઈશ નહિ, એટલે બીડીના ઠુંઠા વણીને આનંદ માણતા. હું અને બીડીના ઠુંઠા બંને સરખા, બંને રઝળતા! બીડીને બદલે જો રઝળતું સિગારેટનું એકાદ ઠુંઠું મળે તો, રેતીમાંથી રતન મળ્યું હોય એટલાં ભયો ભયો થતાં.

કસ્સમથી કહું તો,એનાં જેવી મઝા અમને ફાઈવ સ્ટાર હોટલની મિજબાનીમાં પણ મળતી નથી. બીડીના ઠુંઠામાંથી ધુમાડાનો કસ ખેંચવાની તો મઝા જ કોઈ ઔર! એક ઠુંઠું મળે એટલે, ધુમાડો ખેંચવાની સહકારી મંડળી ખોલી હોય, એમ વારાફરતી ધૃમીકરણ વિધિ માટે તૂટી પડતાં. શરીરમાંથી ઝેર ચૂસતા હોય એમ સિગરેટમાંથી ધુમાડો ખેંચવાની મઝા ત્યાર પછી એકે ય વાર આવી નથી. એકબીજાના એંઠવાસનો તો પ્રશ્ન જ નહિ રહેતો.  કારણ કે સર્વ જાતિ સમભાવની ભાવના બચપણમાં હતી. કોઈ કદાવર કે બળીયો માપ કરતાં વધારે કસ ખેંચી નાંખતો તો, તત્કાળ ટોળકીમાંથી બહાર ફેંકાતો.

કહો ને કે આતંકવાદીની પ્રથા અમારાથી જ શરૂ થયેલી!  ચલણી સિક્કાઓના દર્શન તો બાપા કરવા દેતા નહિ,  એટલે આ જ અમારું ચલણી નાણું! એટલે તો ચલણમાં ચાલે એ રૂપિયોવાળું જ્ઞાન અમને શૈશવમાં જ મળેલું! જેમ બાળપણમાં કોઈ કામિનીએ માયાળુ ‘ટહુકો’ આપેલો  હોય, એ ભૂલાય નહિ, એમ આજે પણ ઊંઘમાં અમને  બીડીના ઠુંઠા દેખાય છે  બોલ્લો! હવે બીડીના ઠુંઠા વણાતા નથી, એટલે તો નિર્દોષ મિત્રોના દુકાળ છે. કવિ કૈલાસ પંડિત કહે છે એમ- “ક્યાં ખોવાણું બચપણ મારું, મુજને પાછું આપો, મીઠાં-મીઠાં સ્વપ્નાંઓની દુનિયા પાછી આપો. મોટર બંગલા લઇ લો મારા લઇ લો વૈભવ પાછો, પેલી પેન લખોટી ચાકના ટુકડા પાછો આપો..!” (બીડીના ઠુંઠા પાછા આપો, લખવાનું ભૂલી ગયેલા!)

બીડીના ઠુંઠાનો કિસ્સો વાંચ્યા પછી, આજે પણ મને આનંદ કે, હું મહાત્મા ગાંધીજીની કેટલી નજીક હતો? બંને બીડીના ઠુંઠાના આગ્રહી! ગાંધીજીની જન્મભૂમિમાં જનમવાની ઈચ્છા તો બહુ, પણ આપણું ઉપજે ત્યારે ને? પોરબંદરમાં જનમ લીધો હોય તો, છાતી ઉપર ઢીંકા-ટકોરા મારીને પણ કહી શકાય કે, I am a branded man! બાકી, ઔરંગઝેબ સાથે મારે સ્નાન-સૂતકનો સંબંધ નહિ, ઇતિહાસમાં ભણવા પૂરતી જ ઓળખ. છતાં, ઔરંગઝેબનો સીધી લીટીનો વારસદાર હોય એમ, હું જન્મ્યો દાહોદમાં! એક જ જનમભૂમિ હોવાને નાતે અમે બંને ‘ગ્રામ-બંધુ’ પણ કહેવાઈએ. ફેર એટલો કે, દાહોદમાં જનમ લેવા માટે, ઔરંગઝેબે પાંચ ભાઈઓ સુધી ‘waiting’ માં રહેવું પડેલું. કારણ કે, ઔરંગઝેબ એ શાહજહાં અને મુમતાઝનું છઠ્ઠું સંતાન હતું. ત્યારે આ બંદાએ પહેલા નંબરે જ દાહોદમાં સિક્ષ ફટકારેલી!

ભલે પોરબંદરમાં પ્રગટ નહિ થયો, પણ આજેય મારામાં પોરબંદરની છાંટ ખરી. પોરબંદરમાં જન્મ્યો હોત તો, ‘આત્મા’થી અટકવાને બદલે, ‘મહાત્મા’ થવાના ચાન્સ હોત! છતાં, ગાંધીજીની માફક શરીરમાં સત્યનું લોહી ફરે. કોઈ પણ વિધાન વ્યક્ત કરતાં પહેલાં મારાથી સ્વયંભૂ બોલી જવાય કે, ‘જે કંઈ કહીશ, એ સત્ય કહીશ, સત્ય સિવાય કંઈ નહિ કહીશ!’ ભૂખ લાગે તો વાઈફ આગળ પણ કહેવાઈ જાય કે, ‘જે કંઈ કહીશ તે સત્ય કહીશ, સત્ય સિવાય કંઈ નહિ કહું કે, ‘મને કકડીને ભૂખ લાગી છે!’’  હસો છો શું યાર..? દાયણ આગળ પેટ થોડું  છુપાવવાનું હોય? શું કહો છો દાદૂ..?

લાસ્ટ ધ બોલ

બીડી પીનારાની એક ખાસિયત નોંધવા જેવી. બીડીનું બંડલ ખરીદ્યા પછી, બીડીને ધમકી આપતો હોય એમ, હથેળીમાં પહેલાં તો બે-ત્રણ વાર ઠપકારે. પછી એમાંથી સારામાં સારી બીડી શોધીને સળગાવીને મઝા લે. સારામાં સારી બીડી શોધવાનું સંશોધન, એની પ્રત્યેક બીડી વખતે ચાલે. જે છેલ્લ્લી બીડી સુધી અટકે નહિ. જિંદગીનો અનુભવ પણ આવો જ છે. છેલ્લે સુધી સારું-નરસું શોધવામાં જિંદગી ક્યારે ખતમ થઇ જાય, એની ખબર સુદ્ધાં નહિ પડે. હરિ ઈચ્છા બળવાન છે!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top