SURAT

અભિનેતા સોનુ સૂદે સુરતની કિરણ હોસ્પિટલના કર્યા વખાણ: કહ્યું, ‘બધાએ ના પાડી ત્યારે..’

સુરત: (Surat) બિહારની અઢી વર્ષની બાળકીના (Girl) છાતીના નીચે પેટના ભાગ પર જોડીયા અંગોને દૂર કરવાની જટીલ સર્જરી સુરતના કિરણ હોસ્પિટલમાં (Kiran Hospital) સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. વિશ્વમાં અત્યાર સુધીમાં આવા ક્રિટીકલ 40 ઓપરેશન (Operation) જ થયા છે. આ સર્જરી એટલી કપરી હોય છે કે તેમાં બાળકના મૃત્યના 30 ટકા જેટલો ભય રહેલો હોય છે, તે જ કારણ છે કે ભારતમાં કોઈ પણ હોસ્પિટલ બિહારની અઢી વર્ષીય બાળકીનું ઓપરેશન કરવા તૈયાર નહોતી ત્યારે સુરતની કિરણ હોસ્પિટલના તબીબોએ આ ઓપરેશન કરવાની જવાબદારી ઉપાડી અને તેને સફળતાપૂર્વક પાર પાડી.

કિરણ હોસ્પિટલના ચેરમેન મથુર સવાણીએ કહ્યું કે, કોરોના કાળ દરમિયાન અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) દ્વારા ગરીબ લોકોની મદદ કરવામાં આવતી હતી. ત્યારથી જ સોનુ સૂદ ફાઉન્ડેશન દ્વારા અનેકો દર્દીઓને સુરતની કિરણ હોસ્પિટલમાં રિફર કરવામાં આવતા રહ્યાં છે. તે જ પ્રમાણે સોન સૂદ દ્વારા બિહારની અઢી વર્ષીય ચંહુમુખી નામની બાળકીને રિફર કરાઈ હતી. આ કેસ ખૂબ જ અઘરો હતો પરંતુ અમારા તબીબોએ સફળતાપૂર્વક તેની સર્જરી કરી અને બાળકીને સ્વસ્થ નવું જીવન બક્ષ્યું છે. સવાણીએ વધુમાં કહ્યું કે, બાળકીના ઓપરેશનનો ખર્ચ સોનુ સૂદ ફાઉન્ડેશન આપવા તૈયાર હતુ પરંતુ કિરણ હોસ્પિટલે એકેય રૂપિયાનો ખર્ચ નહીં લેવાનું નક્કી કર્યું. આમ, આ બાળકીની સારવારનો તમામ ખર્ચ કિરણ હોસ્પિટલે ઉપાડ્યો છે.

આ જટીલ સર્જરીની આગેવાની લેનાર ડો. મિથુન કે.એન (બાળ રોગ સર્જન) કહ્યું કે, આ પરોપજીવી જોડીયા બાળકનો કેસ હતો. રેડિયોલોજી તપાસ કરતા પરોપજીવી બાળક એસેફાલિક અને એકાર્ડિયાક એટલે કે માથા અને હૃદય વગરનો જણાયો હતો. બે પગ બે હાથ અને કિડની હતી પરંતુ માથું અને હૃદય નહોતું. તે પરોપજીવી જોડીયાનો ભાર આ બાળકી પર હતો. તેના વજનના લીધે બાળકને ચાલવામાં તકલીફ પડતી હતી અને તેનો વિકાસ રૂંધાય રહ્યો હતો.

આ કેસ અમારી પાસે 4 જૂને આવ્યો ત્યારે પહેલાં બે દિવસ બાળકીના વિવિધ રિપોર્ટ કરી ઓપરેશન કઈ રીતે કરવું તેનો પ્લાન બનાવ્યો હતો. કારણ કે વિશ્વમાં જ્યાં 40 જ સર્જરી થઈ હોય અને ગુજરાતમાં એકેય નહીં ત્યારે તેનું પ્લાનિંગ ઝીણવટ માંગી લે તેમ હોય છે. તેથી વિશ્વમાં જે 40 ઓપરેશન થયા હતા તેનો અભ્યાસ કર્યો અને ત્યાર બાદ ડો. ધર્મેશ ધાનાણી (ગેસ્ટ્રો સર્જન), ડો. પવન માંડવીયા (બાળરોગ નિષ્ણાત), ડો. ભાવિન લશ્કરી (એન્સ્થેટીસ્ટ), ડો. દર્શન ત્રિવેદ (આઈસીયુ ઈન્ચાર્જ), ડો.ઉદય સુરાના (રેડિયોલોજીસ્ટ) અને ડો. મેહુલ પંચાલ (મેડિકલ ડિરેક્ટર) પ્લાનિંગ કર્યું હતું. 8મી જૂને સર્જરી કરાઈ હતી. પરોપજીવી જોડિયાની નળીઓ ઓળખી તે સર્જરીથી દૂર કરાઈ. 7 કલાકના અંતે ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું છે.
અભિનેતા સોનુ સૂદ પત્રકાર પરિષદમાં વીડિયો કોન્ફરન્સીંગથી જોડાયા હતા. તેઓએ કિરણ હોસ્પિટલની ટીમનો આભાર માનતા કહ્યું કે, આ બાળકીનું ઓપરેશન કરવા ભારતની એકેય હોસ્પિટલ તૈયાર થઈ નહોતી. અનેક જગ્યાએથી ના પાડવામાં આવી હતી. પરંતુ જ્યારે કિરણ હોસ્પિટલનો સંપર્ક કર્યો તો તેઓ તરત તૈયાર થઈ ગયા. ફ્રીમાં સારવાર કરી બાળકીને નવું જીવન બક્ષ્યું છે.

બાળકીને આ બિમારી હતી
બાળકની જે સ્થિતિ હતી તે એપિગેસ્ટ્રીક હેટરોફેગસ ટવીન હતી. અસમપ્રાણ સંયુક્ત જોડિયાનું એક દુર્લભ સ્વરૂપ કે જેમાં આશ્રિત જોડિયા (પરોપજીવી) પ્રભાવશાળી ભાગ (ઓટોસાઈટ)ના જમણા અથવા ડાબા ઉપલા પેટ સાથે જોડાયેલા હોય છે. આવી ઘટના સ્થિતિ એક મિલિયન જીવમાંથી એક હોય છે. વિશ્વમાં અત્યાર સુધી થયેલા સૌથી જટિલ 40 ઓપરેશનો પૈકીનું એક ઓપરેશન 8મી જૂને કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.

Most Popular

To Top