Dakshin Gujarat

નવસારી : પિક્ચર જોવા નીકળેલા ત્રણ યુવાનોમાંથી એકને રસ્તમાં કમકમાટીભર્યુંં મોત મળ્યું

નવસારી : બોદાલી ગામ પાસે મુવી (Movie) જોતા જતા ત્રણ યુવાનોને અકસ્માત (Accident) નડતા એકનું મોત (Death) નીપજ્યાનો બનાવ જલાલપોર પોલીસ મથકે (Police Station) નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના કરાડી ગામે બાલા ફળીયામાં ભાવેશભાઈ વિનોદભાઈ પટેલ (ઉ.વ. 36) તેમના પરિવાર સાથે રહે છે. ગત 24મીએ ભાવેશ તેના મિત્ર નિલેશભાઈ મગનભાઈ પટેલ અને કલ્પેશભાઈ નગીનભાઈ પટેલ સાથે મોપેડ (નં. જીજે-21-એસ-0605) લઈને કરાડી ગામેથી નવસારી લક્ષ્મી ટોકીઝમાં પિક્ચર જોવા જતા હતા. દરમિયાન બોદાલી ગામ પહાડમા કાશીબા વાડી પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે સામેથી આવતી બાઈક (નં. જીજે-21-બીઈ-4842) ના ચાલક અને નવસારી ટાટા સ્કુલ પાછળ માજી બાપુ દરબાર મંદિરની સામે રહેતા હિતેશભાઈ વિનોદભાઈ પટેલે બાઈક પુરઝડપે હંકારી લાવી ભાવેશભાઈની મોપેડને ટક્કર મારતા ચારેય જણા રસ્તા પર પટકાયા હતા.

આ અકસ્માતમાં નિલેશભાઈ પટેલને મોઢાના ભાગે જમણી આંખ નીચે ઊંડો ઘા તથા હોઠની નીચે ગંભીર ઈજા પહોંચાડી તથા જમણા પગના અંગુઠા પાસે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવ અંગે ભાવેશભાઈએ જલાલપોર પોલીસ મથકે હિતેશભાઈ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. આર.એસ. ગોહિલે હાથ ધરી છે.

એરૂ-દાંડી રોડ પર ટેમ્પો સાથેના અકસ્માતમાં બાઈક ચાલકનું મોત
નવસારી : એરૂ-દાંડી રોડ પર ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલકનું મોત નીપજ્યાનો બનાવ જલાલપોર પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના મોટી પેથાણ ગામે ભાર્ગવ (ઉ.વ.આ. 26) તેમના પરિવાર સાથે રહેતો હતો. ગત 22મીએ ભાર્ગવ તેની બાઈક (નં. જીજે-21-એઆર 9429) લઈને નોકરીએ જવા નીકળ્યો હતો. દરમિયાન એરૂ-દાંડી રોડ પર પોલીસ પરેડ ગ્રાઉન્ડની સામે અને એગ્રીકલ્ચરના ગેટની સામે બંનેની વચ્ચે ટેમ્પો (નં. જીજે-21-વાય-0381) અને ભાર્ગવની બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેના પગલે ભાર્ગવને માથામાં અને પગમાં ઈજા થઇ હતી. જેથી ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ તાત્કાલિક સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેને ચકાસીને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મૃતકના જીજાજી ચંદ્રેશભાઈ પટેલે જલાલપોર પોલીસ મથકે ટેમ્પાના અજાણ્યા ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હે.કો. પ્રવીણભાઈને સોંપી છે.

Most Popular

To Top