SURAT

વરાછા પોલીસ સ્ટેશનની બહાર રોડ પર બેસી આપના કાર્યકરોએ રામધૂન બોલાવી, આ છે સમગ્ર મામલો

સુરત(Surat) : સુરત મનપા (SMC) સંચાલિત સ્મીમેર (SMIMER) હોસ્પિટલના કર્મચારી સાથે ગેરવર્તુણૂક કરી તેને લાફો મારવાના કેસમાં વરાછા પોલીસે (Varacha Police) ગુરુવારે મોડી રાત્રે આપના (AAMAadmiParty) કોર્પોરેટર વિપુલ સોહાગીયાની (Vipul Sohagiya) ધરપકડ (Arrest) કરી હતી.

વિપુલની ધરપકડના વિરોધમાં આપના વિપક્ષના નેતા પાયલ સાકરિયા સહિત આપના કાર્યકરો મોટી સંખ્યામાં વરાછા પોલીસ સ્ટેશને ધસી ગયા હતા અને વિપુલ સોહાગીયાની ધરપકડનો વિરોધ કર્યો હતો. આપના કાર્યકરોએ વરાછા પોલીસ સ્ટેશનની બહાર રોડ પર બેસી રામધૂન બોલાવી હતી.

વિપુલ સોહાકીયાને પોલીસ ઝડપથી છોડી દે તેવી માંગણી કરવા સાથે પોલીસને ભગવાન સદ્દબુદ્ધિ આપે તે માટે રામધૂન કરવામાં આવી હતી. જ્યાં સુધી વિપુલ સોહાગીયાને છોડવામાં ન આવે ત્યાં સુધી સ્થળ ન છોડવાની જીદ આપના કાર્યકરોએ કરી હતી, જેના પગલે મોડી રાત્રે વરાછા પોલીસ સ્ટેશન બહાર માહોલ તંગ બન્યો હતો.

વિપક્ષના નેતા પાયલ સાકરીયાએ વિપુલ સોહાગીયાની ધરપકડનો વિરોધ કરવા સાથે કહ્યું હતું કે, સ્મીમેરના કર્મચારીઓ દર્દીઓના કામ ઝડપથી કરતા નથી. તે મામલે કોર્પોરેટરને સ્મીમેરના કોન્ટ્રાક્ટ બેઝ્ડ કર્મચારી સાથે ચકમક થઈ હતી. કોન્ટ્રાક્ટરનો માણસની નોકરી ન હોવા છતાં તે ત્યાં શું કરી રહ્યો હતો તેનો ખુલાસો કોઈ પૂછતું નથી. અને કોર્પોરેટરને વગર વાંકે પકડી લેવાયા છે. તેમને છોડાશે નહીં ત્યાં સુધી અમે હટીશું નહીં. પોલીસ ભાજપના ઈશારે કામ કરતી હોવાનો આક્ષેપ સાકરિયાએ કર્યો હતો.

વિરોધ કરનારા આપના કોર્પોરેટરોની અટકાયત
વરાછા પોલીસ સ્ટેશનની બહાર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરાતા વાતાવરણ ગરમ થઈ ગયું હતું, પોતાના કોર્પોરેટરને છોડાવવા આવેલા નેતાઓ અને પોલીસ વચ્ચે શાબ્દિક બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. પોલીસે આખરે તમામ વિરોધ પ્રદર્શન કરવા આવેલા વિરોધ પક્ષના નેતા સહિત મહિલા કોર્પોરેટર અને અન્ય કોર્પોરેટર તેમજ કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી

શું છે સમગ્ર મામલો?
આ બનાવની વિગત એવી છે કે આપના કોર્પોરેટર વિપુલ સોહાગીયાના કોઈ ઓળખીયા સ્મીમેરમાં ગયા હતા. તેઓ લાઈનમાં ઉભા હતા ત્યારે ત્યાં વિપુલ સોહાગીયા જઈ પહોંચ્યા હતા અને કોમ્પ્યુટર ઓપરેટરને તમાચો મારી ખખડાવતા કહ્યું હતું કે, મારા માણસને લાઈનમાં ઉભો રાખે છે. તેનું કામ કેમ કરી નથી આપતો?

કોમ્પ્યુટર ઓપરેટર રાહુલ પટેલે પોલીસને ફરિયાદમાં કહ્યું કે, વિપુલ સોહાગીયા એકાએક કેબિનમાં ઘુસી આવ્યા હતા અને તું મારો ફોન કેમ ઉપાડતો નથી? એમ કહી અપશબ્દો કહ્યા બાદ મને માર માર્યો હતો. જેના લીધે રાહુલ પટેલને ડાબા કાનના ભાગે દુ:ખાવો ઉપડ્યો હતો, જેના માટે રાહુલે હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. રાહુલ પટેલે આ મામલે વરાછા પોલીસને ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે વિપુલ સોહાગીયાની મોડી રાત્રે ધરપકડ કરી હતી.

Most Popular

To Top