Sports

અન્નુ રાની શેરડીનો ભાલો બનાવીને પ્રેક્ટિસ કરવાથી લઇ એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતવા સુધીની સફર

ભારતની મહિલા ભાલા ફેંક ખેલાડી અન્નુ રાનીએ ચીનના હાંગઝોઉમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. એશિયન ગેમ્સમાં 72 વર્ષમાં એવું પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ ભારતીયે મહિલા ભાલા ફેંકમાં ગોલ્ડ જીત્યો હોય. એશિયાડમાં મહિલાઓની ભાલા ફેંક સ્પર્ધામાં ભારતે અન્નુના ગોલ્ડ સહિત કુલ છ મેડલ જીત્યા છે. અગાઉ બાર્બરા વેબસ્ટરે 1951ની દિલ્હી એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ જીત્યો હતો, એલિઝાબેથ ડેવેનપોર્ટે 1958 ટોક્યો એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો, એલિઝાબેથ ડેવનપોર્ટે 1962 જકાર્તા એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ જીત્યો હતો.

ગુરમીત કૌરે 1998 બેંગકોક એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ જીત્યો હતો અને અન્નુ રાનીએ 1958માં ટોક્યો એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ જીત્યો હતો હવે અન્નુ રાનીએ ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. જેવેલિન ક્વિન તરીકે ઓળખાતી અન્નુરાનીના સંઘર્ષની કથા કોઈ ફિલ્મથી ઓછી નથી. ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે ગામડાના રસ્તા પર રમીને શેરડીમાંથી ભાલો બનાવીને પ્રેક્ટિસ કરતી અન્નુ એક દિવસ ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. તેણે પોતાના સંઘર્ષ અને મહેનતના આધારે આ સિદ્ધિ મેળવી છે.

પિતાએ તેને અટકાવતા અન્નુએ ગુપ્ત રીતે પ્રેક્ટિસ કરવા માંડી
અન્નુ રાની ત્રણ બહેનો અને બે ભાઈઓમાં સૌથી નાની છે. તેમના મોટા ભાઈ ઉપેન્દ્ર કુમાર પણ 5,000 મીટર દોડવીર હતા અને તેણે યુનિવર્સિટી કક્ષાની સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો હતો. તેના મોટા ભાઈની સાથે અન્નુ રાનીએ પણ રમતગમતમાં રસ દાખવ્યો અને સવારે ચાર વાગ્યે ઉઠીને ગામના રસ્તાઓ પર દોડવા જતી. ઘણી વખત પિતાએ અન્નુની રમતગમતમાં રસ દાખવ્યો ન હતો અને તેમણે તેને અટકાવી પણ હતી, તેને પગલે અન્નુ ગુપ્ત રીતે પ્રેક્ટિસ કરતી હતી.

અન્નુના રસને જોઇને ભાઇએ પોતાની કેરિયર છોડીને તેને આગળ ધપાવી
જ્યારે અન્નુનો રમતગમતમાં રસ વધ્યો ત્યારે ભાઈ ઉપેન્દ્ર કુમારે તેને ગુરુકુલ પ્રભાત આશ્રમનો રસ્તો બતાવ્યો. ઘરથી લગભગ 20 કિલોમીટર દૂર હોવાથી અન્નુ અઠવાડિયામાં ત્રણ દિવસ ગુરુકુળ પ્રભાત આશ્રમના મેદાનમાં ભાલા ફેંકની પ્રેક્ટિસ કરવા જતી હતી. અન્નુના પરિવારની આર્થિક સ્થિતિ એવી ન હતી કે તે બે ખેલાડીઓનો ખર્ચ ઉઠાવી શકે. આ જોઈને ભાઈ ઉપેન્દ્રએ પોતાની રમતગમત કેરિયરને છોડી દીધી અને બહેનને આગળ ધપાવી હતી.

ફાળો ભેગો કરીને મળેલા પૈસાથી શૂઝ ખરીદવામાં આવ્યા
તેનો ભાઇ ઉપેન્દ્ર કહે છે કે અન્નુ પાસે ચંપલ પણ નહોતા, તેણે ફંડફાળો ભેગો કરીને એકત્ર કરેલા પૈસાથી તેના માટે શૂઝ ખરીદ્યા હતા. અન્નુએ તેની પ્રેક્ટિસ ચાલુ રાખી અને ભાલા ફેંકમાં શાનદાર પ્રદર્શન કર્યું. તે પોતાનો જ રેકોર્ડ તોડીને નેશનલ ચેમ્પિયન બની હતી. આ પછી અન્નુએ કદી પાછું વળીને જોયું નથી. અન્નુ રાનીએ સૌથી પહેલા 2014ની એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, તે પછી 2016ની સાઉથ એશિયન ગેમ્સમાં સિલ્વર, 2017ની એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ, 2019ની એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર, 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઢ અને હવે એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો છે.

Most Popular

To Top