Gujarat

આપ પાર્ટીએ 8 વર્ષમાં જાહેરાતો પાછળ એક હજાર કરોડનો ખર્ચ કર્યો : કોંગ્રેસ

અમદાવાદ: આપ (AAP) પાર્ટીએ માત્ર જાહેરાતોની રાજનીતિ કરે છે. આપ પાર્ટીએ અલગ-અલગ અખબારો અને ટીવી ચેનલોમાં વર્ષ 2015માં 81 કરોડની, વર્ષ 2017-18માં 117 કરોડ, વર્ષ 2019માં 200 કરોડ, વર્ષ 2021-22માં લગભગ 490 કરોડની જાહેરાતો આપી હતી. ગુજરાતની આવનારી વિધાનસભાની ચૂંટણી માટે પંજાબની આપ સરકાર દ્વારા ગુજરાતના વિવિધ દૈનિક અખબારો અને ટીવી ચેનલોને રૂ. 36 કરોડ જેટલી માતબાર રકમ ચૂકવી હોવાની વિગતો સામે આવી રહી છે, તેવું કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને કોંગ્રેસ વર્કિંગ કમીટીના સભ્ય ડૉ.અજોય કુમારે જણાવ્યું હતું.

ડૉ.અજોય કુમારે વધુમાં કહ્યું હતું કે છેલ્લા 7 દિવસમાં પંજાબ સરકાર પગાર ચૂકવવા સક્ષમ નથી અને કેન્દ્ર સરકાર પાસે વધુ નાણાંની માંગ કરી રહી છે. સ્કોલરશિપ સ્કીમની જાહેરાતમાં 19 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. પરંતુ 19 કરોડની જાહેરાત બાદ પણ શિષ્યવૃત્તિ યોજનામાં માત્ર 2 બાળકોને 20 લાખની શિષ્યવૃત્તિ આપી. તેવી જ રીતે દિલ્હીનું વાતાવરણ સાફ કરવા સ્ટબલ ડિકમ્પોઝરની જાહેરાત પાછળ 23 કરોડ ખર્ચ્યા અને કામ માત્ર 5 લાખનું કરવામાં આવ્યું.

આપ પાર્ટી દ્વારા દિલ્હીનું શિક્ષણ મોડલની વારંવાર ચર્ચા કરે છે. જો આટલું સારું શિક્ષણ મોડલ હોત તો ખાનગી શાળાઓમાં બાળકોની સંખ્યા કેમ વધી રહી છે ? કોવિડના સમયે બાળકો મજબૂરીમાં સરકારી શાળામાં ગયા હતા, કોવિડ પુરો થતા જ પાછા ખાનગી શાળાઓમાં ગયા છે. 6 હજાર ક્લાસ રૂમ બનાવ્યાના ખોટા દાવા સામે આપ પાર્ટીએ માત્ર 4 હજાર ક્લાસ રૂમ બનાવ્યા છે, જેના માટે 7 હજાર ક્લાસ માટેની ચૂકવણી કરી છે,

અત્યાર સુધી આપ પાર્ટીએ 8 વર્ષમાં લગભગ એક હજાર કરોડનો ખર્ચ કર્યો છે, આ વર્ષે તેમણે જાહેરાતોમાં 490 કરોડનો ખર્ચ દર્શાવ્યો છે. વધુમાં પંજાબમાં આપ પાર્ટીની શિક્ષણ નીતિના કારણે 2 લાખ વિદ્યાર્થીઓ ઓછા થયા છે. અરવિંદ કેજરીવાલ 10 લાખ લોકોને નોકરી આપ્યાના દાવા સામે આર.ટી.આઈ.માં મળેલ માહિતી મુજબ વર્ષ 2018 માં માત્ર એક વ્યક્તિને વર્ષ 2019માં 260 અને વર્ષ 2020 માં 23, આ તેનું સત્ય અને ઇચ્છા છે. ગુજરાતમાં જઈને કહો કે અમે 10 લાખ લોકોને નોકરી આપી છે.

ડૉ.અજોય કુમારે કહ્યું હતુ કે ભ્રષ્ટાચારમાં પણ આપ પાર્ટી મોખરે છે. અરવિંદ કેજરીવાલના વિશ્વાસુ એવા વિજય નાયર પર એક મહિલાની છેડતીનો આરોપ છે તેવા વ્યક્તિને આટલી મહત્વની જવાબદારી કેમ આપી? વિજય નાયર જે હાલમાં ફરાર છે, તેઓ દિલ્હી સરકારની દારૂની નીતિના મુખ્ય આરોપી તરીકે છે. દિલ્હીની લિકર પોલિસીને અરવિંદ કેજરીવાલ દ્વારા 100 ટકા ખાનગી બનાવવામાં આવી છે. અગાઉ 60 ટકા ખાનગી અને 40 ટકા સરકારના હાથમાં હતું. પહેલા જો કોઈને ટેન્ડર લેવાનું હોય તો તેના માટે ડિપોઝીટ માત્ર 25 લાખ હતી, જેને કેજરીવાલે તેને 5 કરોડ કરી દીધા છે.

પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, પંજાબ – દિલ્હીમાંથી પુજ્ય મહાત્મા ગાંધીજીની તસ્વીરો હટાવી પૂ. ગાંધી – સરદાર સાહેબના ગુજરાતમાં પોતાનો ચહેરો ચમકાવવા આવેલા અરવિંદ કેજરીવાલ અને આપ પાર્ટીને ગુજરાતના અપમાન બદલ ગુજરાતની જનતા ક્યારેય માફ નહી કરે. ભાજપ અને આપ પાર્ટીનું મોડલ એ ‘જાહેરાતોનું મોડલ’ છે. ગુજરાતની જેમ દિલ્હીમાં પણ શિક્ષકો પોતાના હક્ક – અધિકાર માટે આંદોલનો કરી રહ્યાં છે. જેમ ગુજરાતમાં પ્રવાસી શિક્ષક અને દિલ્હીમાં એડહોક શિક્ષક છે. ગુજરાતમાં શિક્ષણનું મોટા પાયે ખાનગીકરણ તેવી જ રીતે દિલ્હીમાં પણ શિક્ષણનું ખાનગીકરણ થયો છે. જાહેરાતો – તાયફાઓ પાછળ આપ પાર્ટીએ દિલ્હી – પંજાબની તિજોરી ખાલી કરી જ્યારે ભાજપ સરકારે ત્રણ લાખ કરોડનું જેટલું અધધ દેવુ કર્યું. પંજાબમાં કર્મચારીઓને પગાર ચુકવવા માટે પૈસા નથી અને જાહેરાતો પાછળ કરોડોનો ખર્ચ તેવી જ રીતે ગુજરાતમાં કર્મચારીઓને ફિક્સ પગારમાં યુવાનોનું શોષણ થાય અને ભાજપ સરકાર જાહેરાતો – તાયફાઓ પાછળ કરોડો ખર્ચે છે. ભાજપની બી ટીમ એવી આપ પાર્ટી ભાજપની નીતિ – રીતી પર જ કામ કરી રહી છે, ગુજરાતમાં ચૂંટણી જંગ સીધો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે.

Most Popular

To Top