SURAT

અમેરિકામાં ફૂટપાથ પર લેબગ્રોન ડાયમંડ વેચાતા હોવાનો વીડિયો વાયરલ થતા હીરાઉદ્યોગમાં આવી ચર્ચા ઉઠી

સુરત(Surat) : અમેરિકાના (America) ન્યુયોર્ક (New York) સિટીનાં લોઅર મેનહટન (Manhattan) એરિયાની વિખ્યાત કેનાલ સ્ટ્રીટનાં (Canal Street) રોડ પર લેબગ્રોન ડાયમંડ (LGD) 20 ડોલરમાં વેચાઈ રહ્યાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં (SocialMedia) વાઇરલ (ViralVideo) થતાં રમૂજ ફેલાવા સાથે LGD ઇન્ડસ્ટ્રીની હાલત કેટલી ખરાબ ચાલી રહી છે, એ દર્શાવે છે.

અહીં કેનાલ સ્ટ્રીટની ફૂટપાથ પર એક ફેરિયો એક-એક કેરેટના લેબગ્રોન ડાયમંડ જડિત વીંટી વેચી રહ્યો છે. ગ્રાહક ભાવ પૂછે છે, ત્યારે ફેરિયો કહે છે કે આમ તો એક કેરેટ લેબગ્રોન ડાયમંડનો ભાવ 100 ડોલર નંગ દીઠ છે પણ તે 20 ડોલરમાં વેચી રહ્યો છે. ગ્રાહક ફેરિયા સાથે ભાવતાલ કરી 20 ડોલરમાં ત્રણ પછી બે ડાયમંડ રિંગ માંગે છે પણ છેવટે 20 ડોલરમાં એક લેબગ્રોન જડિત ડાયમંડ રીંગની ખરીદી કરે છે.

નવાઈની વાત એ છે કે વીડિયોમાં જાણીતી લેબ કંપનીનું સર્ટિફિકેટ પણ સાથે હોવાનું દેખાય છે. ન્યુયોર્ક સિટીમાં 1.6 કિમી લાંબી મેનહટનની કેનાલ સ્ટ્રીટ સુરતનાં રવિવારીય બજારની જેમ પાથરણાનાં વેપાર માટે જાણીતી છે. આ મુખ્ય પૂર્વ-પશ્ચિમ સ્ટ્રીટ છે. જે પૂર્વમાં એસેક્સ અને જેફરસન સ્ટ્રીટ્સ વચ્ચે ઇસ્ટ બ્રોડવેથી,વોટ્સ અને સ્પ્રિંગ સ્ટ્રીટ્સ વચ્ચેની વેસ્ટ સ્ટ્રીટ સુધી ચાલે છે. જે પશ્ચિમમાં ચાઇનાટાઉનના પડોશમાંથી પસાર થાય છે.

ભારતનો લેબગ્રોન ડાયમંડનો એક્સપોર્ટ સતત ઘટ્યો
ભારતનો લેબગ્રોન ડાયમંડનો એક્સપોર્ટ સતત ઘટી રહ્યો છે. લેબગ્રોન ડાયમંડનો એક્સપોર્ટ એપ્રિલમાં 34%, મેમાં, 21%,જુનમાં 34%, જુલાઈમાં 28% અને ઓગસ્ટમાં 17 % ઘટ્યો છે. એપ્રિલ અને જુનની તુલના એ ઓગસ્ટમાં લેબગ્રોન ડાયમંડના વેપારમાં રિકવરી આવી છે. પણ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક માર્કેટમાં બાયરો લેબગ્રોનની ખરીદી ટાળી રહ્યાં છે.

સુરત અને મુંબઈમાં લેબગ્રોન ડાયમંડનો ભરાવો થયો છે. તાજેતરમાં ચેમ્બરના સ્પાર્કલ એક્ઝીબિશનમાં ચેમ્બરના માજી પ્રમુખે એક લેબગ્રોન વેપારી 90% ડાઉન ભાવે હીરા આપવા તૈયાર થઈ ગયો હોવાનો કિસ્સો વર્ણવ્યો હતો. સિલ્વર અને ગોલ્ડ જવેલરીની શાન બનેલા લેબગ્રોન ડાયમંડ અમેરિકાની ફૂટપાથ પર વેચાઈ રહ્યાંનાં આ વિડીયોથી હીરા ઉદ્યોગમાં રમૂજ ફેલાઈ છે.

શું લેબગ્રોન ડાયમંડનો ફુગ્ગો ફૂટી ગયો?
અમેરિકાની ફૂટપાથ પર માત્ર 20 ડોલર જેવી નજીવી કિંમતે લેબગ્રોન ડાયમંડ વેચાવા માંડતા હીરા ઉદ્યોગમાં તરેહ તરેહની રમજૂ થવા સાથે ચર્ચાઓ ઉઠી છે. શું લેબગ્રોન ડાયમંડનો ફુગ્ગો ફૂટી ગયો છે તેવા પ્રશ્નો પણ ઉઠવા માંડ્યા છે. હાલમાં નેચરલ અને લેબગ્રોન ડાયમંડ બંને સેક્ટરમાં મંદી છે ત્યારે હાલ કશું કહી શકાય નહીં, પરંતુ ફૂટપાથ પર લેબગ્રોન ડાયમંડ વેચાવા માંડતા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ છે.

Most Popular

To Top