Comments

કોંગ્રેસ વગર ત્રીજો મોરચો?

૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના ભારતીય જનતા પક્ષની સામે ટકકર લેવા વિપક્ષમાં ઓચિંતુ સમૂહગાન શરૂ થઇ ગયું છે કે કોંગ્રેસ વગર મોદી પરિબળની સામે ટકકર લેવા કોઇ વિપક્ષી એકતા નહીં હોઇ શકે. હા, વિપક્ષી એકતાની ગૂફતગુમાં કોંગ્રેસ કેન્દ્રસ્થાને છે. જોકે વિપક્ષી એકતાની િદલ્હી હજી ઘણી દૂર છે. એ નકકી કરવાનું હજી સરળ નથી કે કોંગ્રેસને માથે મોડ બાંધી વિપક્ષી એકતાની વરયાત્રા કાઢવામાં આવે તો તે માથે મોડ બંધાવવા તૈયાર થશે અને કોંગ્રેસને માથે મોડ બાંધવાનું યોગ્ય થશે? કોંગ્રેસ હજી પોતાનું ઘર વ્યવસ્થિત કરવા માટે કોશિષ પણ કરશે?

નવી દિલ્હીમાં તાજેતરમાં નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષના પ્રમુખ શરદ પવારના સત્તાવાર નિવાસસ્થાને થોડા સમય પહેલા કેન્દ્રના ભૂતપૂર્વ નાણાંપ્રધાન યશવંતસિંહાએ શરૂ કરેલા ‘રાષ્ટ્ર મેવ’ ના નેજા હેઠળ વિપક્ષી નેતાઓ નિવૃત્ત અમલદારો અને અગ્રણી નાગરિકોની એક બેઠક મળી ત્યારથી વિપક્ષી એકતાની વાતે વેગ પકડયો. આ બેઠકમાં કોંગ્રેસનો કોઇ પ્રતિનિધિ હાજર ન હોવાથી એવી અફવા થઇ કે ભારતીય જનતા પક્ષને પડકારવા બિન કોંગ્રેસી ત્રીજો મોરચો રચાઇ રહ્યો છે. સ્પષ્ટતા અને ઇનકાર વચ્ચે કોંગ્રેસ મંચની મધ્યમાં આવી ગઇ. વિરોધપક્ષના લગભગ દરેક નેતાએ સ્પષ્ટતા કરી કે ભારતીય જનતા પક્ષ સામેનો કોઇ મોરચો વ્યવહારુ કે ટકાઉ ન હોઇ શકે. પવારે સમૂહગાનની શરૂઆત કરી અને તેમાં મમતાએ સૂર પુરાવ્યો. રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવ, શિવ સેનાના સંજય રાઉત, દ્રવિડ મુનેત્ર કળગમ્‌ના વડા એમ.કે. સ્ટેલિન અને અન્યો પણ તેમાં જોડાયા. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ – નેશનાલિસ્ટ પાર્ટી અને શિવસેનાના ગઠબંધનના ઘડવૈયા પવારે કહ્યું હતું કે કોંગ્રેસ વગર વિપક્ષી મોરચો રચાઇ જ નહીં શકે. બે કટ્ટર હરીફોને એક ભાણે બેસાડવા એ કંઇ નાની સૂની સિધ્ધિ નથી.

ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે આ પહેલા આવી જ વાત કરી અને કહ્યું કે કોંગ્રેસ વગરના કોઇપણ ત્રીજા મોરચામાં મને સહભાગી નહીં ગણતા. મમતાએ પણ આ જ વાત કરી જયારે રાઉતને એવું કહેતાં ટાંકવામાં આવ્યા હતા કે કોંગ્રેસ વગરનું કોઇપણ જોડાણ અધુરું જ હશે. હાલના શાસક પક્ષનો મજબૂત વિકલ્પ આપવાના ધ્યેય સાથેના કોઇપણ જોડાણમાં કોંગ્રેસે એક મહત્વની ભૂમિકા ભજવવાની સૌનો સૂર એ હકીકત પર ભાર મૂકતો હતો કે એક પછી એક ચૂંટણીઓમાં ઊંધે મોંએ પછડાવા છતાં જૂથબંધીમાં વ્યસ્ત હોવા છતાં કોંગ્રેસ જ એક એવો રાષ્ટ્રીય પક્ષ છે જેની દેશવ્યાપી ઉપસ્થિતિ છે. નાના-મોટા પ્રાદેશિક પક્ષોને જોડવા માટેના ગુંદર તરીકે કોંગ્રેસને જોવામાં આવે છે.

કોઇપણ ભારતીય જનતા પક્ષ વિરોધી કિલ્લો બનાવવામાં કોંગ્રેસ કેન્દ્રસ્થાને અને મહત્વની છે એનો કોઇ ઇન્કાર કરી શકે તેમ નથી. હકીકતમાં આ જ રાજકીય વાસ્તવિકતા છે અને તે મનમાં વડા પ્રધાન બનવાની મહત્વાકાંક્ષાને પંપાળતા પવાર અને મમતા બેનરજી પણ સમજે છે. તેથી જ બધાએ કોંગ્રેસ યુકત ગઠબંધનનું સમૂહગાન કર્યું હતું. કોંગ્રેસમાં નેતૃત્વ અને સંગઠનના પ્રશ્ને ડખાથી પોતે નારાજ હોવા છતાં બધાને કોંગ્રેસનું સમૂહગાન કરવું પડે છે. કોંગ્રેસે આ વાત પરથી ઘડો લઇ આળસ ખંખેરીને બેઠા થઇ જવું જોઇએ અને આત્મસંતોષમાંથી બહાર આવી જવું જોઇએ અને સામેથી આવતી આ તકને બે હાથે ઝીલી લેવી જોઇએ.

સમય વીતતો જાય છે અને ઉત્તર પ્રદેશ વિધાનસભાની આગામી ચૂંટણીની ઓથ હેઠળ ભારતીય જનતા પક્ષ ૨૦૨૪ ની સામાન્ય ચૂંટણી માટે ઝડપથી તૈયારી કરતો જાય છે. પણ અત્યારે કોંગ્રેસની દેશવ્યાપી ઉપસ્થિતિ જ સફળતા માટેનો ખાસ માલ છે જેનું કોંગ્રેસે રોકડમાં રૂપાંતર કરી લેવું જોઇએ. જેથી તે ભવિષ્યના ચૂંટણી જંગમાં ટકી શકે. દરેક જંગને તૈયારી, વ્યૂહ અને તાલીમની જરૂર પડે છે. રાજકીય રીતે અસ્તિત્વ ટકાવવાની અત્યારે તાતી જરૂર છે અને કોંગ્રેસે જંગની તૈયારી રૂપે સ્થાનિક સ્તરે વણ ઉકલ્યા રહેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઇએ અને તેમાં સૌથી પહેલા તો કોંગ્રેસનું અધ્યક્ષપદ કોણ સંભાળશે એ રહસ્યનો અંત આવવો જોઇએ. રાહુલ ગાંધી છેલ્લા કેટલાક વખતથી પક્ષના કાર્યકારી સર્વેસર્વા અને ભારતીય જનતા પક્ષના હુમલાનું કેન્દ્ર બનેલા રાહુલ ગાંધીએ પોતે પક્ષનું અધ્યક્ષપદ સંભાળવા માંગે છે કે નહીં તે અસ્પષ્ટતા દૂર કરવી જોઇએ. જેથી ઘણી સમસ્યાનો નિવેડો આવે અને ભવિષ્યનો માર્ગ મોકળો થાય. અને તેમાં પક્ષના તળિયાઝાટક ફેર રચના અને આંતરિક લોકશાહીનો પણ સમાવેશ થાય છે.

૨૩ બળવાખોરોનો બળવાની પશ્ચાદ્‌ભૂમાં પણ રાહુલ ગાંધી ભારતીય જનતા પક્ષના અંગત પ્રહારો ઝીલાવ સાથે અને વાયાનદના સંસદ સભ્યે પ્રમુખપદ માટે પોતે ઝૂકાવવાની તૈયારી બતાવવા સાથે નેતૃત્વ સામેના પડકારને ગણકાર્યા વગર રાહુલ ગાંધી સક્રિય છે. માત્ર જૂના જોગીઓ જ નવી પેઢીનાં પરિવર્તનને નથી ઇચ્છતા બાકી મોટાભાગના સભ્યો પરિવર્તન ઇચ્છે છે. મોદીના ચુસ્ત પ્રશંસકમાંથી ટીકાકાર બનેલા કટારલેખક તવલીનસિંહ પણ કહે છે કે કોઇ મોટા રાષ્ટ્રીય પક્ષ (કોંગ્રેસ) વગરની વિપક્ષી એકતાની કોઇપણ મંત્રણા અર્થવગરની છે.

કોંગ્રેસ વગર કોઇ ત્રીજો મોરચો શકય નથી એવા કિશોરના મતને તેઓ ટેકો આપે છે. આગામી સામાન્ય ચૂંટણીમાં મોદી સામે મોરચો માંડવા સિવાય તવલીનબેનસિંહને વિપક્ષી એકતામાં બીજો કોઇ રસ ન હોય ત્યારે કોંગ્રેસે ખુશ થવું જોઇએ. તવલીન અંગત કારણસર મોદી પર શરસંધાન કરતા હોય તે છતાં કોંગ્રેસે એક ટીકાકારના નિરીક્ષણને ગંભીરતાથી લેવો જોઇએ.       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top