Columns

એક સ્મિત

તથાગત ગૌતમ બુધ્ધ એક દિવસ પ્રવચનમાં  સરસ મજાનું ખીલેલું કમળ હાથમાં લઈને બેઠા હતા.તેમના હાથમાંનું કમળ સુંદર હતું.તેઓ એને જોઈ રહ્યા હતા અને સામે બેઠેલા શિષ્યોને જોઈ રહ્યા હતા.પ્રવચનનો સમય હતો, પણ તેઓ કંઈ જ બોલી રહ્યા ન હતા. સામે બેઠેલા બધા જ શિષ્યો જ ચૂપ હતા. બધાના મનમાં વિચારો દોડી રહ્યા હતા કે કેમ આજે ભગવન આમ ફૂલ લઈને બેઠા છે? અને કેમ આજે પ્રવચનના સમયે ભગવન કોઈ ઉપદેશ આપી રહ્યા નથી? શું આપણાથી કંઈ ભૂલ થઈ છે? શું ભગવન કંઈ આજે આ ફૂલ દ્વારા કંઇક કહેવા માંગે છે? બધા આ વિચારોમાં હતા.થોડા ડરેલા હતા અને સાવ ચૂપ અને ગંભીર થઈ ગયા હતા.

ભગવાન બુધ્ધ હાથમાં ફૂલ લઈને ચુપચાપ બેઠા હતા અને સામે બધા શિષ્યો પણ ચુપચાપ બેઠા હતા. મનમાં આમ શા માટે કારણ વિચારી રહ્યા હતા.અચાનક એક શિષ્ય નામ મહાકશ્યપ, ભગવનની સામે અને ફૂલની સામે જોઇને હસ્યો અને ભગવાન બુધ્ધે પણ તરત મીઠું મલકીને તેના સ્મિતનો જવાબ આપ્યો અને પછી તરત બોલ્યા, ‘આજે મેં મારા મનની છુપાયેલી શક્તિ અને શાંતિ મહાકશ્યપને આપી.’આ સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા કે ભગવન આ શું બોલ્યા અને આવું કેમ બોલ્યા? આ વાક્ય સાંભળીને મહાકશ્યપને તો જાણે સમાધિ લાગી ગઈ. તેના ચહેરા પર સ્મિત અને આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. કોઈને કંઈ સમજાયું નહિ.મહાકશ્યપને પણ કંઈ સમજાયું નહિ.તેણે ઊભા થઇ હાથ જોડી ભગવાન બુધ્ધનાં ચરણોમાં નમન કર્યાં.ભગવાન બુધ્ધે ફરી કહ્યું, ‘આજે મેં મારા મનની છુપાયેલી શક્તિ અને શાંતિ મહાકશ્યપને આપી.’મહાકશ્યપને પણ કંઈ સમજાયું નહિ. તેણે પૂછ્યું, ‘ભગવન, મને?’

ભગવાન બુધ્ધ બોલ્યા, ‘તારા મનમાં કોઈ જ વિચારો ન હતા.તું આજમાં જીવતો હતો.તેં ફૂલની સુંદરતાને જોઈ તેનાથી તને ખુશી મળી અને  તે ખુશી તેં મારી સામે મલકીને મને આપી.એટલે મારા મનની શાંતિ અને શક્તિ મેં તને આપી અને જો પ્રશ્ન એમ હોય કે કેમ તને જ આપી? તો તેનો જવાબ છે કેમ તેં એકલાએ જ મને સ્મિત આપ્યું.બાકી બધા જુદા જુદા વિચારોમાં ખોવાયેલા હતા એટલે કોઈએ ફૂલની સુંદરતા જોઈ નહિ એટલે કોઈ ખુશ થયું નહિ અને કોઈએ સ્મિત પણ આપ્યું નહિ.માત્ર તેં આપ્યું એટલે કોઈ પણ ખોટા સાચા મનના વિચારો વિના આજમાં જીવનાર વ્યક્તિ જ ખુશ રહી શકે છે.ખુશી આપી શકે છે અને એટલે તેને શાંતિ મળે છે.’ભગવાન બુધ્ધે ઉપદેશ આપ્યા વિના શાંતિ મેળવવાનો રસ્તો શીખવાડ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top