SURAT

SVNITની સામે સુરત જિલ્લા કલેકટરની નવી પાંચ માળની ઓફિસ બનશે

સુરત કલેક્ટર કચેરી માટે નવ નિયુક્ત કલેક્ટર આયુષ ઓકે ગતિવિધિ શરૂ કરાવી દીધી છે. પીપલોદ પાસે આવેલી 10488 ચોરસ મીટર જમીન ઉપર વિશાળ સુવિધાસભર પાંચ માળની કલેક્ટર કચેરી બનાવવા દરખાસ્ત કરી દેવાઇ છે.

સુરત કલેક્ટર આયુષ ઓકે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, નજીકનાં વર્ષોમાં સુરત કલેક્ટરને પોતાની અલગ કચેરી મળશે. આ માટે પીડબ્લ્યૂડી વિભાગ સાથે સંકલન સાધી દરખાસ્ત તૈયાર કરી ફોરવર્ડ કરી દેવાઇ છે. હાલ મહેસૂલી કચેરી ભાડા ઉપર છે. પરંતુ બે વર્ષ પહેલાં એસવીએનઆઇટી સામે આવેલી મોજે ઉમરા અને પીપલોદ ગામને લાગુ પડતી જમીન ઉપર વશરામ ભરવાડનો કબજો દૂર કરાવી જમીન સરકાર હસ્તક કરી દેવાઇ હતી.

આ જમીન ઉપર 30 કરોડના જંગી ખર્ચે પાંચ માળની હાઇટેક કલેક્ટર કચેરી બનાવવામાં આવશે. રાજ્ય સરકાર આ નવી કચેરી માટે અનુદાનની વ્યવસ્થા કરે એટલે તાબડતોબ કામ શરૂ કરી દેવાશે. એસવીએનઆઇટીની બરોબર સામે આવેલી આ જગ્યા ઉપર કલેક્ટર સહિત અધિક નિવાસી કલેક્ટર, નાયબ કલેક્ટર, સિટી પ્રાંત સહિત અજમાયેશી છ નાયબ કલેક્ટર, અજમાયશી છ મામલતદાર સહિત આઠ મામલતદાર કચેરી એક જગ્યાએ બનાવવામાં આવશે. આ કચેરીમાં 63 નાયબ મામલતદાર સહિત 97 કારકૂન મળી 188 સ્ટાફ માટે બેઠક વ્યવસ્થા કરાશે.

આ જગ્યાને બાપદાદાની જમીન જણાવી વસરામ ભરવાડે કબજો જમાવ્યો હતો

સુરત જિલ્લાના તત્કાલિન કલેક્ટર ડો.ધવલ પટેલે SVNIT સામેની સરકારી જમીન ઉપર કબજો કરી બેઠેલા વશરામ ભરવાડને રાતોરાત તગેડી મૂક્યો હતો. કલેક્ટર ઉપર કબજો ખાલી નહીં કરાવવા ભારે દબાણ લાવવામાં આવ્યું હતું. પરંતુ 400 કરોડનું મૂલ્ય ધરાવતી આ જમીન મૂળ સરકારી હતી. એ પૈકી એક બ્લોક નંબર બિનનંબરી હતો. આ જમીનનું ટોટલ ક્ષેત્રફળ 10488 ચોરસ મીટર થતું હતું. રોડ ટચ આ મોકાની જમીન બાપદાદાની હોઇ તેમજ કોર્ટ કચેરીના દાવા ચાલતા હોય, જેવાં કારણો રજૂ કરી જમીનને સરકારે કબજો આપવામાં આનાકાની કરાઇ હતી. પરંતુ તત્કાલિન કલેક્ટર ડો.ધવલ પટેલ એકના બે ન થયા અને આખરે તેમને આ જમીન તાત્કાલિક અસરથી નવી કચેરી માટે સંપાદન કરી સરકારને દરખાસ્ત કરી દીધી હતી.

આ મોકાની જગ્યા ક્લિયર કરાવવા માટે લોકો ઉઘરાણાં પણ કરી ગયા હતા

ઉમરા અને પીપલોદ ગામને લાગુ પડતી સરકારી જમીન માત્ર પઝેશનના આધારે ક્લિયર કરાવવા માટે એક ટોળકી સક્રિય હતી. કલેક્ટર કચેરીમાં આંટાફેરા મારતા કેટલાક ટાઉટો પણ આ જમીન ક્લિયર થાય તેવો ફાંકો મારી રૂપિયા ઉઘરાવી ગયા હતા. કેટલાય લોકોએ આ જમીન ઉપર ટોકન અને બાના પેટે લાખો રૂપિયા પણ આપ્યા હતા. પરંતુ કલેક્ટર ડો.ધવલ પટેલે આવાં તત્ત્વોની મેલી રમત ઉઘાડી પાડી હિંમતપૂર્વક જમીન ખાલી કરાવી હતી. કલેક્ટરે આ જમીન સરકારી હોવાના બોર્ડ મરાવી કબજો કરનારાઓને ટેમ્પોમાં સામાન સાથે કામરેજ રવાના કરી દીધા હતા.

પીપલોદમાં જો કલેક્ટર કચેરી સાકાર થશે તો ચોથું સરનામું બનશે

સુરત કલેક્ટર કચેરી માટે પીપલોદમાં જગ્યા સંપાદન કરાયા બાદ વર્ષો પછી કલેક્ટરને પોતાની કચેરી મળશે. અત્યાર સુધી કલેક્ટર કચેરી ભાડાની મિલકતો ઉપર હતી. સૌથી પહેલાં કલેક્ટર કચેરી બહુમાળી બિલ્ડિંગમાં હતી. ત્યાર પછી બહુમાળી કેમ્પસમાં જ નવી કલેકટર કચેરી બનાવવામાં આવી હતી. ત્યારબાદ હાલ જ્યાં કચેરી ધમધમે છે ત્યાં તત્કાલિન કલેક્ટર જયપ્રકાશ શિવહરેના સમયે શિફ્ટ થઇ હતી. હવે પીપલોદ કચેરી બનશે તો કલેક્ટર કચેરીને ફરી ચોથું સરનામું મળશે.

Most Popular

To Top