Madhya Gujarat

ડાકોરમાં પાર્કીંગ ચાર્જ વસુલતી ટોળકી સક્રિય

નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં સરકારી જગ્યાઓ તેમજ રસ્તા ઉપર વાહનપાર્ક કરતાં ચાલકો પાસેથી પાર્કિંગના નામે રૂપિયા ઉઘરાવતી ટોળકી સક્રિય બની છે. ત્યારે, આવા તત્વો વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં બિરાજમાન રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાનના દર્શનાર્થે દરરોજ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. જેને પગલે ડાકોરમાં વાહનોની અવરજવર પણ ખુબ જ વધી ગઈ છે. જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા મંદિરની નજીકમાં જ કરોડો રૂપિયાના ખર્ચે અત્યાધુનિક પાર્કિંગ બનાવ્યું છે. પરંતુ, તંત્ર દ્વારા આ પાર્કિંગ શરૂ કરવાની તસ્દી લેવામાં આવતી નથી.

જેને પગલે કરોડો રૂપિયાના ખર્ચ માથે પડ્યો છે. બીજી બાજુ પાર્કિંગના અભાવે શ્રધ્ધાળુઓને વાહનો પાર્ક કરવામાં ઘણી તકલીફ પડી રહી છે. શ્રધ્ધાળુઓને નાછુટકે રસ્તાની સાઈડમાં કે રહેણાંક વિસ્તારોમાં વાહનો પાર્ક કરીને મંદિરે જવાની ફરજ પડી રહી છે. જે તકનો લાભ ઉઠાવી ડાકોરમાં એક ટોળકી સક્રિય બની છે. આ ટોળકી સરકારી જગ્યા તેમજ રસ્તાઓ ઉપર પાર્ક કરાતાં વાહનના ચાલકો પાસેથી રૂપિયાના ઉઘરાણાં કરી રહી છે.

ડુંગરાભાગોળ, વડાબજાર, વ્હોરવાડ, પુનિત આશ્રમ રોડ, ત્રિકમજી મંદિર પાસે, મંગલ સેવાધામ રોડ સહિતની વિવિધ સરકારી રસ્તા અને જગ્યાઓ ઉપર વાહન પાર્કિંગના નામે ટોળકી દ્વારા 30 થી લઈ 50 તેમજ 100 રૂપિયા ઉઘરાવી લુંટ ચલાવી રહ્યાં છે. આ મામલે કેટલાક જાગૃત નાગરીકો દ્વારા તંત્રને રજુઆતો પણ કરવામાં આવી છે. પરંતુ નઘરોળ તંત્ર દ્વારા પાર્કિંગના નામે ઉઘરાણાં કરતી આ ટોળકી સામે કોઈ પગલાં ભરવામાં આવતાં નથી. જેને પગલે આ ટોળકી બેફામ બની છે. જેને પગલે ડાકોરમાં આવતાં શ્રધ્ધાળુઓ લુંટાઈ રહ્યાં છે. ત્યારે, આ મામલે તંત્રની ચુપકીદીથી ઘણાં સવાલો ઉઠ્યાં છે.

ઉઘરાણાં બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરાશે – મિતુલ પટેલ, જનસેવા ટ્રસ્ટ
આ મામલે ડાકોરમાં રહેતાં અને જનસેવા ટ્રસ્ટ સાથે જોડાયેલાં મિતુલ પટેલ જણાવે છે કે, ડાકોરમાં દર્શનાર્થે આવતાં વૈષ્ણવો પાસેથી જે રીતે સ્થાનિકો રૂપિયાના ઉઘરાણાં કરી રહ્યાં છે તેનાથી ડાકોરની છબિ ખરડાઈ રહી છે. તેમછતાં પાલિકાતંત્ર ચુપ છે. જો, આ ઉઘરાણાં વહેલીતકે બંધ નહીં થાય તો જન સેવા ટ્રસ્ટ દ્વારા ગૃહમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવામાં આવશે. તેમજ ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.

રૂપિયા લીધા બાદ પાવતી પણ આપતાં નથી
ડાકોરમાં દર્શન કરવા આવેલાં હાલોલના અરવિંદભાઈ પટેલ જણાવે છે કે, અમે ડાકોરમાં પુનમ ભરવા આવીએ છે. પાર્કિંગના અભાવે અમારે રસ્તા પર જ વાહનો પાર્ક કરવા પડે છે. ત્યારે કેટલાક શખ્સો અમારી પાસે સરકારી રસ્તા પર વાહન પાર્ક કરવાના પણ 50 રૂપિયા લે છે અને પાવતી પણ આપતાં નથી. આ ઉઘાડી લુંટ બંધ કરવામાં આવે તે જરૂરી છે.

Most Popular

To Top