Dakshin Gujarat

શિરડીથી 56 મુસાફરોને લઈ અમદાવાદ પરત જતી બસ સાપુતારાના ઘાટમાં પલટી મારી ગઈ

સાપુતારા: સાપુતારા (Saputara) ઘાટ માર્ગમાં મોડી રાત્રે 56 મુસાફર (Passangers) ભરેલી ખાનગી લક્ઝરી બસ પલટી (Bus Accident) મારી જતાં બસમાં સવાર મુસાફરોનાં આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના સાણંદ ખાતેથી આવેલી પરફેક્ટ ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના લેબર તથા સ્ટાફના કર્મચારીઓ ગત 7મી મેના રોજ શ્રીજી ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસ નં.(GJ-01-સીટી-9279)માં સવાર થઈ મહારાષ્ટ્રના શિરડી, ત્ર્યબંકેશ્વર અને શનિ સિંગણાપુરની ટૂર માટે ઉપડ્યા હતા.

કંપનીના કર્મચારીઓ દ્વારા નાસિક, શિરડી, ત્ર્યબંકેશ્વર સહિત શનિ સિંગણાપુર જેવા દેવસ્થાનોની ત્રણેક દિવસની ટૂર પૂરી કરી ગતરોજ નાસિક સાપુતારા થઈ વતન સાણંદ અમદાવાદ તરફ આવવા રવાના થયા હતા. દરમિયાન રાત્રિના દોઢ વાગ્યાના અરસામાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગના માલેગામ ઘાટ માર્ગના ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનાં વળાંકમાં અચાનક લક્ઝરી બસની બ્રેક ફેઈલ થઈ જતાં ચાલક વિષ્ણુભાઈ વજેસિંહ રાઠોડે બસના સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં બસ પલટી મારી ગઈ હતી.

આ અકસ્માતમાં તમામ મુસાફરોને નાની-મોટી ઈજા પહોંચવા સાથે હૈયાફાટ રૂદન અને બચાવો બચાવોના નાદ સાથે વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું. આ બનાવ સંદર્ભે સાપુતારા પોલીસમથકના પી.એસ.આઈ. કે.જે.નિરંજનની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

કાળમીંઢ રાત્રિએ ઇજાગ્રસ્તો માટે સાપુતારા પોલીસ, રાહદારીઓ, ગ્રામજનો સહિત 108 એમ્બ્યુલન્સ દેવદૂત બની વહારે આવી
અકસ્માતની જાણ ડાંગ પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલને થતાં તેમણે તુરંત જ સાપુતારા પોલીસમથકના પી.એસ.આઈ. કે.કે.નિરંજન સહિત પોલીસકર્મીઓ તથા હોમગાર્ડ અને જી.આર.ડી.ની ટીમો વાહનો સાથે રવાના કરતાં સ્થળ પરથી પોલીસ, રાહદારીઓ અને ગ્રામજનોએ તમામ મુસાફરોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સહી સલામત બહાર કાઢ્યા હતા. બાદમાં 108 એમ્બ્યુલન્સ સહિત પ્રાઇવેટ અને સરકારી વાહનોમાં તમામ ઇજાગ્રસ્તોને ભરી તાત્કાલિક સારવાર અર્થે નજીકની શામગહાન સી.એચ.સી.માં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જ્યાંથી અડધા ગંભીર ઇજાગ્રસ્તોને આહવા અને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. અહીં સાપુતારા પોલીસ, ગ્રામજનો અને રાહદારીઓ ઇજાગ્રસ્તો માટે દેવદૂત બનતાં મોટી રાહત મળી હતી.

આગેવાનો અને અધિકારીઓએ માનવતા મહેકાવી
સાપુતારા ઘાટ માર્ગમાં થયેલા અકસ્માતના ઇજાગ્રસ્તોને મળવા મોડી રાત્રે ડાંગના આગેવાનો તથા અધિકારીઓ શામગહાન સી.એચ.સી. ખાતે દોડી ગયા હતા. અને ઇજાગ્રસ્તોને ચા-પાણી, નાસ્તો કરાવી માનવતા મહેકાવી દુઃખમાં સહકારની ભાવના બતાવી હતી.

દોઢ વાગ્યાના અરસામાં બનેલી ઘટના
સાણંદની કંપનીના કર્મચારીઓ પરત ફરતી વેળાએ બસમાં આરામની નિંદર માણી રહ્યા હતા. પરંતુ કાળ અને કિસ્મતે આ તમામ 56 મુસાફરની ઊંઘ સાપુતારા ઘાટમાં ઉડાવી દેતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રાત્રિના દોઢ વાગ્યાના અરસામાં આ બસ એકાએક પલટી ગઈ હતી. અમુક સવાર મુસાફરો આંખ ખોલે એ પહેલાં તો બસમાં ઊંધા વળી ગયા હતા. સદનસીબે આ બનાવમાં કોઈનો પણ જીવ ન જતાં સૌ કોઈએ ભગવાનનો આભાર માન્યો હતો.

અગાઉ પણ એક ખાનગી લક્ઝરી બસ પલટી મારી ગઈ હતી
સાપુતારા માલેગામના ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેની યુ-ટર્ન વળાંક દરેક વખતે વાહનચાલકો માટે ગોઝારો સાબિત થઈ રહ્યો છે. તેમ છતાં રાષ્ટ્રીય ધોરી માર્ગ વિભાગ કુંભકર્ણની નિદ્રામાં પોઢી જઈ અહીં અકસ્માત નિવારણ માટે કોઈ પગલાં ન ભરતાં અનેક સવાલો ઊભા થયા છે. અગાઉ પણ અહીં એક ખાનગી લક્ઝરી બસ પલટી મારી ગઈ હતી, જેમાં જાનહાનિ પણ સર્જાઈ હતી.

કુંવરજીભાઈ હળપતિનો ઇજાગ્રસ્તો માટે સંવેદનશીલ અભિગમ
ગતરોજ સાપુતારા સહિત ચીંચલી ઘાટ માર્ગ થયેલા અકસ્માતના ઇજાગ્રસ્તોના સ્વાસ્થ્ય અંગે રાજ્યના શ્રમ અને આદિજાતિ મંત્રી તથા ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી એવા કુંવરજીભાઈ હળપતિએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે તમામ ઇજાગ્રસ્તોને સાંત્વનાનો સંદેશ પાઠવી રાજ્ય સરકાર તેમને સમયાંતરે સહયોગ આપશેની ખાતરી આપી છે.

અકસ્માતના ઇજાગ્રસ્તોની યાદી
(1)અનિલ પરમાર, (2)દિલીપ સોલંકી, (3)ચંદ્રેશ ચૌહાણ, (4)વિપુલભાઈ દિનેશભાઇ મકવાણા, (5)મનસુખ અંબુભાઈ પટેલ, (6)સુરેશભાઈ પટેલ, (7)વાડીલાલ ત્રિકમ પટેલ, (8)અનિષ શરીફ, (9)ગીરીશકુમાર રામદાસ, (10)રોહિત નવઘણ ભરવાડ, (11)ઈરફાન ગુલઝારશાહ ફકીર, (12)કિશન મનુભાઈ ઠાકોર, (13)જયેશભાઇ મનુભાઈ ઠાકોર, (14)રવિ કિશાભાઈ ઠાકોર,(15)ઉદય પ્રહલાદ પટેલ, (16)લાલતેશ સનદકુમાર, (17)રાજન કુમાર, (18)ગોરેલાલ, (19)છનાભાઈ કોળીપટેલ, (20) કપિલ કાનજી મકવાણા, (21)લાલુરામ રામજી કાલસુરા, (22) રામ પ્રકાશ, (23)હસમુખ સેનવા, (24)ચેતન પટેલ, (25)દેવેન્દ્ર કુમાર, (26)અર્જુન પાલ, (27)જયેશભાઇ મહેશભાઈ ચુનારા, (28)હસમુખ ચુનારા, (29)રાજેન્દ્ર ચુનારા, (30)પ્રકાશભાઈ પટેલ, (31)ભરતભાઈ પંચાલ, (32)કાળાભાઈ, (33)ધનરાજભાઈ, (34)હરજીભાઈ, (35)અમિતભાઈ પટેલ, (36)પરેશભાઈ પટેલ, (37)અરવિંદભાઈ ગધિયા, (38)ભૂપેન્દ્રસિંહ ચૌહાણ, (39)અજિતભાઈ પરમાર, (40)શંકરભાઈ અંબારિયા, (41)જિતેન્દ્ર કાનઝરિયા, (42)મનુભાઈ રાઠોડ, (43)ફૂલચંદ્ર પ્રજાપતિ, (45)જિગર પટેલ, (46)ભરતભાઈ સરદવા, (47)ગૌતમભાઈ સોલંકી, (48)મોહમદભાઈ ઝેન, (49)રમેશભાઈ ચૌહાણ.

Most Popular

To Top