World

પાકિસ્તાનનાં PM શાહબાજ શરીફે જનતાને સંબોધી – કહ્યું, ઇમરાનના અત્યાચારી શાસનનો અંત આવ્યો

નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની (Imran Khan) મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. આ પછી સમગ્ર પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળી છે. ધારા 144 મંગળવારથી જ લાગુ કરી દેવામાં આવી છે. ઈન્ટરનેટ સેવા તેમજ તમામ સોશિયલ મીડિયા સાઈટ્સ પણ બંધ કરી દેવામાં આવી છે. શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ત્યારે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે હિંસાના 31 કલાક બાદ દેશને સંબોધન કર્યું. તેણે બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યે પોતાના સંબોધનમાં ઈમરાન ખાન પર ઉગ્ર હુમલો કર્યો હતો.

તેમણે કહ્યું કે ઇમરાનના અત્યાચારી શાસનનો અંત આવ્યો છે. ઈમરાનની સરકાર હતી તે સમયમાં ઘણાં નેતાઓ જેલની અંદર હતા. ઈમરાનના અત્યાચારી શાસનમાં તરત જ ધરપકડ કરવામાં આવતી હતી. ત્યારે ગુનો નહિં માત્ર ચહેરો જોવામાં આવતો. તે સમયે બદલાની કાર્યવાહી કરવામાં આવતી હતી. વિપક્ષના નેતાઓને બનાવટી કેસમાં જેલમાં મોકલવામાં આવ્યા હતા. વધારામાં તેમણે કહ્યું અમારા પર લગાવવામાં આવેલા આરોપો સાબિત થયા નથી. અમારા 40 વર્ષના રેકોર્ડની તપાસ કરવામાં આવી હતી. અમે કાયદાનો સામનો કરવાનો ઇનકાર કર્યો નથી.

કોર્ટે ઈમરાનને 8 દિવસની રિમાંડ માટે મોકલી દીધો
હિંસાના પગલે ઈસ્લામાબાદ પોલીસે ઈમરાનને કોર્ટમાં પેશ ન કરવાનો નિર્ણય લીધો છે. ઈમરાનને જયાં ધરપકડ બાદ રાખવામાં આવ્યો ત્યાં જ કોર્ટ બેસાડવામાં આવી હતી અને કાનૂની પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં ઈમરાનને તોશાખાના કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. NABએ ઈમરાનની 14 દિવસની ન્યાયિક હિરાસત માગી હતી. જો કે કોર્ટે ઈમરાનને 8 દિવસની રિમાંડ માટે મોકલી દીધો છે.

ઈમરાનની ધરપકડ થવાના કારણે માત્ર પાકિસ્તાનમાં જ નહિં પણ ટોરેંટો, શિકોગો, ન્યૂયોર્ક, મેન્ચેસ્ટર અને લંડન જેવા શહેરોમાં પણ પ્રોટેસ્ટ કરવામાં આવ્યો હતો જેનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો. ઈમરાનને છોડાવા માટે તેની પાર્ટીએ રણનિતિ તૈયારી કરી હોવાની જાણ મળી આવી છે. ઈસ્લામાબાદમાં હિંસાને રોકવા માટે સેના બોલાવવામાં આવી છે. અગાઉ અધિકારીઓ સેના તૈનાત કરવાનો ઈન્કાર કરી રહ્યા હતા.

તોશાખાના કેસમાં ઈમરાન દોષિત જાહેર
ઈમરાન પર આરોપ હતો કે તે જ્યારે વડાપ્રધાન હતો ત્યારે સ્ટેટ ડિપોઝિટરી, તોશાખાનામાંથી ડિસ્કાઉન્ટ કિંમતે મળેલી મોંઘી ગ્રાફ કાંડા ઘડિયાળ સહિતની ભેટો ખરીદી હતી અને તેને નફા માટે વેચી હતી. ઈમરાન ખાનને તેમની સત્તાવાર મુલાકાતો દરમિયાન લગભગ 14 કરોડ રૂપિયાની 58 ભેટ મળી હતી. આ મોંઘીદાટ ભેટ તોશાખાનામાં જમા કરવામાં આવી હતી. બાદમાં ઈમરાન ખાને તેમને તોશાખાનામાંથી સસ્તા ભાવે ખરીદ્યા અને પછી મોંઘા ભાવે બજારમાં વેચી દીધા. આ સમગ્ર પ્રક્રિયા માટે તેમણે સરકારી કાયદામાં ફેરફાર પણ કર્યા હતા. જાણકારી મુજબ ઈમરાને તોશાખાનામાંથી આ ગિફ્ટ્સ 2.15 કરોડ રૂપિયામાં ખરીદી હતી અને તેને વેચીને 5.8 કરોડ રૂપિયાનો નફો મેળવ્યો હતો. આ ભેટોમાં એક ગ્રાફ ઘડિયાળ, કફલિંકની જોડી, એક મોંઘી પેન, એક વીંટી અને ચાર રોલેક્સ ઘડિયાળોનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના ચૂંટણી પંચ દ્વારા ગયા વર્ષે ઓક્ટોબરમાં વેચાણની વિગતો શેર ન કરવા બદલ તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો.

Most Popular

To Top