Vadodara

વાડીમાં 90 વર્ષ જૂનું મકાન ધરાશાયી થતા વાહનો દબાયા

વડોદરા: હાલ ચોમાસાની સીઝન ચાલતી હોવાથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે ગઈકાલે વડોદરામાં વરસાદની ભારે બેટિંગ બાદ આજરોજ વડોદરાના રંગમહાલ વિસ્તારમાં એક જર્જરિત મકાન ધરાશાયી થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં 90 વર્ષ જૂનું મકાન ધરાશાયી થતા નીચે ઉભેલા વાહનો કાટમાળમાં દબાયા હતા. વડોદરા શહેરમાં વાડી રંગમહાલ ત્રણ રસ્તા વિસ્તારમાં એક જૂનું જર્જરિત મકાન ધરાશાયી થયું છે. મકાનની પરિસ્થિતિ જોતા મકાન જૂનું હોવાનું લાગી રહ્યું છે. ગઈકાલે વડોદરામાં વરસાદની ધમાકેદાર બેટિંગ થઈ હતી.

જેને પગલે આજે મકાન ધરાશાયી થયું છે. મકાન ધરાશાયી થતા તેનો કાટમાળ આખા રોડ પર વિખરાઈ ગયો છે. જેના કારણે રોડ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. આ બનાવની જાણ થતા ફાયરવિભાગનો સ્ટાફ પણ સ્થળ પર દોડી આવ્યો છે. તેમના દ્વારા મકાનના કાટમાળની તપાસ કરવામાં આવી રહી છે. સાથો સાથ કાટમાળ નીચે દબાઈ ગયેલા વાહનોને પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે. ફાયરવિભાગના જવાનો દ્વારા દોરડાની મદદથી કાટમાળ ખસેડવામાં આવી રહ્યો છે. ત્યારે જવાનો દ્વારા કાટમાળ નીચેથી 2 બાઈકો કાઢવામાં આવ્યા છે.

મકાન માલિકના જણાવ્યા અનુસાર આ ઘર 90 વર્ષ જૂનું છે. મકાન જર્જરિત થઈ જતા મકાન માલિક 3 વર્ષ પહેલા અન્ય જગ્યા પર રહેવા જતા રહ્યા હતા. બીજી બાજુ મકાનની નીચે એક દુકાન પણ આવેલી હતી. જો કે, સદ્દનસીબે દુકાન કે દુકાનમાં રહેલા કોઈ વ્યક્તિને ઈજા નથી પહોંચી. મહત્વનું છે કે, ઘટનાની જાણ થતા વાડી પોલીસને થતા સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ત્યારબાદ વીજ કંપનીને જાણ કરાતા તેમના માણસો ઘટના સ્થળે આવી વીજ જોડાણ બંધ કરી દીધા હતા. તેની સાથે પોલીસ દ્વારા વાડી રંગમહાલ ત્રણ રસ્તા હોવાથી વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો.

આ અંગે ફાયર વિભાગે જણાવ્યું હતું કે, રંગ મહાલના વાડી વિસ્તારમાં મકાન ધરાશાયી થયું હોવાના સમાચાર મળતા ગાજરાવાડી ફાયર સ્ટેશન અને દાંડીયા બજાર ફાયર સ્ટેશનના કર્મચારીઓ વાહનો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટના સ્થળે પહોંચ્યા બાદ મકાનનો પહેલો માળ ધરાશાયીને નીચે પડી ગયો હતો. જેના કાટમાળ નીચે વાહનો દબાયા હતા. ત્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે, કોઈ વ્યક્તિ કાટમાળમાં દબાયું નથી. કોઈ જાનહાનિ નથી. જેથી કાટમાળમાં દબાઈ ગયેલા વાહનો બહાર કાઢવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સતત વાહનોથી ધમધમતો આ વિસ્તાર છે. તેમ છતાં મકાન ધરાશાયી થતા કોઈ જાનહાનિ થઈ નથી. ધરાશાયી થયેલા મકાન નીચે એક દુકાન પણ આવેલી છે. જેમાં હાજર વ્યક્તિ કે દુકાનને કોઈ નુકસાન થયું નથી. ત્યારે વડોદરા શહેરમાં સંખ્યાબંધ મકાનો મોત બનીને લટકી રહ્યા છે. બીજી બાજુ ચોમાસા દરમિયાન પાલિકા તંત્ર દ્વારા જર્જરિત મકાનોને ઉતારી લેવા નોટિસો આપવામાં આવે છે. પરંતુ મકાનમાલિક દ્વારા કોઈ કામગીરી ન કરાતા આવી ઘટનાઓ બને છે.

Most Popular

To Top