Business

દિકરા આર્યન ખાનનાં કારણે શાહરૂખ ખાનનાં બૂરા હાલ

શાહરૂખ ખાનના દિવસો નહીં વર્ષો ખરાબ ચાલી રહયા છે. તે પોતે ઘમંડી મિજાજનો ય છે અને અમિતાભથી ય મોટો સ્ટાર છે એવું દેખાડવા તેણે વારંવાર પ્રયત્ન કર્યા છે. સલમાન સાથે ય ઘર્ષણ હતું પણ હવે મિત્રો બની ગયા છે. શાહરૂખ એક સમયે સીમી ગરેવાલ સાથેની વાતચીતમાં ગંભીરતાથી કહી ગયો હતો કે મારો દિકરો ડ્રગ્સ લેવા માંગે કે છોકરીઓ ભોગવવા માંગે તો હું રોકીશ નહીં. બાપ તરીકે તે કેટલો બેજવાબદાર છે તેનું ઉદાહરણ તેના આવા નિવેદનથી સ્પષ્ટ છે.

તે તેને દિકરાને ઘડી ન શકયો તેનું પરિણામ હવે ભોગવી રહ્યો છે. તેનો દિકરો આર્યન ખાન તો કોઇ ધંધો કરતો નથી, તેનું કોઇ નામ પણ નથી. જે છે તે શાહરૂખને કારણે છે એટલે હવે જે વેઠવાનું છે તે શાહરૂખને જ છે. તેની ફિલ્મોનું શું થશે તે ખબર નથી પણ અત્યારે તરત અસર તરીકે બાયજુસની જાહેરાત બંધ કરી દેવામાં આવી છે. તેને એન્ડોર્સ કરવાથી શાહરૂખને 3 થી 4 કરોડ મળતા હોવાનું કહેવાય છે. હવે આ રકમ ગઇ. જો હવે હયુનડાઇ, રિલાયન્સ જિયો, એલ.જી., દુબઇ ટૂરિઝમવાળા પણ બાયજુસના રસ્તે ચાલ્યા તો શાહરૂખને મોટો આર્થિક ફટકો પડશે.

વાનખેડે સ્ટેડિયમમાં સિગરેટ પીવા પર પ્રતિબંધ હતો તો પણ પોતે એક ફ્રેન્ચાઇઝીનો માલિક હોવાના ગુમાનમાં વટથી સિગરેટ પીતાં તે પકડાયેલો ત્યારે ઘણો વિવાદમાં આવેલો. શાહરૂખ ખાન એક મોટો સ્ટાર છે પણ જાહેર જીવનને સંભાળવામાં નિષ્ફળ ગયો છે અને હવે કહેવાશે કે કુટુંબજીવનને પણ જોખમમાં મુકયું છે. આર્યન ખાનનો મામલો ઝટ પૂરો થાય એવું લાગતું નથી એટલે શાહરૂખના બધા કામો અટવાશે. તેના દિકરાએ પણ તેને એટલે કે સગા બાપને મળવા સેક્રેટરી પાસેથી એપોઇન્ટમેન્ટ મેળવવી પડતી એટલો તે બિઝી હતો અને તેમાં જ તેના દિકરા પર ધ્યાન આપી નથી શકયો એવું કહેવાશે. ઘણા કહે છે કે આર્યનને તેણે બીજો સંજય દત્ત બનાવી દીધો છે.

અત્યારે ફિલ્મોદ્યોગના ઘણા લોકો શાહરૂખના સપોર્ટમાં ઉભા છે. સલમાન તો તરત જ તેને મળવા ગયો હતો પણ આર્યનને આર્થર રોડ જેલ જતાં રોકી શકાયો નથી. શાહરૂખના સપોર્ટમાં ઉભા થનારા ફિલ્મવાળાઓ શું યોગ્ય કરી રહ્યા છે? કારણ કે શાહરૂખના સપોર્ટમાં ઊભા રહેવાનો અર્થ તો આર્યન ખાનના સપોર્ટમાં ઊભા રહેવા જેવું ગણાય. ગયા વર્ષે સુશાંત સીંઘના કારણે ફિલ્મ જગતમાં બહુ બધું ઉપરતળે થયું હતું.

હવે ફરી એવું જ થશે એમ તો ન કહેવાય છતાં ફિલ્મ જગતને ચિંતા તો છે જ! આર્યન હોય, સુશાંત હોય, દિવ્યા ભારતીનું કે ગુલશનકુમારનું મૃત્યુ હોય આખી ઇન્ડસ્ટ્રી બદનામ થઇ છે. દાઉદ ઇબ્રાહીમ સાથે એક સમયે ઘણા ફિલ્મવાળા જોડાયેલા હતા. શાહરૂખની આ બીજી નવેમ્બરે બર્થ ડે છે પણ તેની ઉજવણી તે કરી નહીં શકશે. અત્યારે તેની ‘પઠાણ’ ફિલ્મનું શૂટિંગ અને તે ઉપરાંત એટલી સાથે તે જે ફિલ્મ બનાવી રહ્યો છે તેનું કામ પણ ખોરંભે ચડયું છે. નિર્માણ તરીકે ય અત્યારે તેના માટે મુશ્કેલી ઊભી થશે. પોતે ‘કિંગ ખાન’ તરીકે ઓળખાવતો શાહરૂખ અત્યારે દિકરાના કારણે બૂરી હાલતમાં છે.

Most Popular

To Top