ગોધરા: દાહોદ જીલ્લાના સીંગવડ તાલુકાના પતંગડી ગામના ગ્રામજનોની અદલવાડા સિંચાઈ યોજના અને હડફ, કબુતરી યોજના અસરગ્રસ્તો હોય આ તમામ અસરગ્રસ્તોને ડુબાણમાં ગયેલ જમીનના બદલામાં ગોધરા તાલુકા છબનપુરમાં જંગલ ફોરેસ્ટની જમીન ફાળવવામાં આવી હતી. આ અસરગ્રસ્તો એ જમીનના માલિક બનાવા માટે ૪૦ વર્ષ સુધી લડત આપીને સનદો મેળવી એક હકક માલિક બન્યા હતા. છબનપુર ગામ વડોદરા-શામળાજીના મુખ્ય હાઈવે માર્ગ ઉપર આવેલ છે અને વિસ્થાપીતોને મળેલ આ જમીન હાઈવે રોડ ટચ આવેલ હોવાથી તેની બજાર કિંમત કરોડોમાં છે. જેથી આ કરોડો રૂ‚પિયાની જમીન ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી અને તેમના પુત્ર માલવદીપસિંહ રાઉલજી તેમના મળતીયાઓ સાથે મળીને છેતરપિંડી કરીને દસ્તાવેજો કરી જમીન પડાવી લીધી હોવાના આક્ષેપ સાથે પાંચ અસરગ્રસ્તો દ્વારા જીલ્લા કલેકટર સહિત મુખ્યમંત્રીને લેખિત અરજી કરીને ન્યાયની માંગ કરવામાં આવી છે.
દાહોદ જીલ્લાના સીંગવડ તાલુકાના પતંગડી ગામના ગ્રામજનો અદલવાડા સિંચાઈ યોજના, હડફ, કબુતરી યોજનામાં ડુબાણમાં જમીનો ગયેલ હોય આ તમામ અસરગ્રસ્તો કનુભાઈ અમરાભાઈ ચૌહાણ, ગિરવતસિંહ ચૌહાણ, ચંપાબેન મંગળસિંહ પગી, સોમાભાઈ અમરાભાઈ ચૌહાણ, રેશમબેન લાખાભાઈ પગીને ગોધરા તાલુકાના છબનપુર ગામે જંગલ ફોરેસ્ટ ખાતાની જમીન ફાળવવામાં આવી હતી. આ તમામ અસરગ્રસ્તોને મૂળ માલિક બનાવા માટે ૪૦ વર્ષ સંધર્ષ કરીને સનદો મેળવીને કબ્જેદાર એક હકકે માલિક બન્યા હતા. ધારાસભ્ય અને તેમના પુત્ર સહિત અન્ય વગદારો સામે જમીન પચાવી પાડી હોવા ઉપરાંત છેતરપિંડીના આક્ષેપ થતાં સમગ્ર જીલ્લામાં તેમજ રાજયના રાજકારણમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
રાત્રે વિસ્થાપીતોની સહીઓ કરતો વીડિયો વાયરલ
ગોધરા તાલુકાના છબનપુર ગામે રાત્રીના સમયે મોબાઈલના બેટરીના અજવાળામાં વિસ્થાપીત અસરગ્રસ્તોના જમીનના દસ્તાવેજો ઉપર સહીઓ કરાવતો વિડીયો વાયરલ થઈ જતાં પંચમહાલ જીલ્લામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. તેમજ રાજકારણ ગરમાયું છે. અત્યાર સુધી વિસ્થાપીતોની અસરગ્રસ્તોની જમીન પચાવી પાડવાના આક્ષેપો અસરગ્રસ્તો દ્વારા ધારાસભ્ય સી.કે.રાઉલજી અને તેમના પુત્ર સામે કરવામાં આવી રહ્યા છે. તેમાં રાત્રીના સમયે સહીઓ લેવાનો વિડીયો વાયરલ થઈ જતાં અસરગ્રસ્તો દ્વારા કરવામાં આવેલ આક્ષેપોને આ વિડીયો પુરવાર સાબિત થતો હોવાની લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે. છબનપુર ગામના અસરગ્રસ્તોની ધારાસભ્ય અને તેના પુત્ર દ્વારા જમીન દસ્તાવેજો કરી લેવાના કિસ્સો ગરમાયોછે. તેની વચ્ચે અસરગ્રસ્તો આક્ષેપ કરી રહ્યા છે. તે મુજબના પૈસા મળી ગયા છે. તમારે અધિકારી સમક્ષ હા કહેવાનું તેવા વિડીયો પણ વાયરલ થયા છે.