Halol

હાલોલમાં ‘કિચન ગાર્ડનિંગ’ વિષયક બે દિવસીય તાલીમ વર્કશોપ યોજાઈ, પ્રાકૃતિક ખેતી દ્વારા પોષણ સુરક્ષા પર ભાર

હાલોલ, તા. 15 (યોગેશ ચૌહાણ):
ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ ખાતે 13 અને 14 જૂન દરમિયાન બેંક ઓફ બરોડા, હાલોલના સહયોગથી તથા સૃષ્ટિ ફાઉન્ડેશન, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે “કિચન ગાર્ડનિંગ (ઘરઆંગણે પોષણ બગીચો)” વિષયક બે દિવસીય તાલીમ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. રશ્મિકાંત ગુર્જરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

માનનીય કુલપતિ ડો. સી.કે. ટિંબડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ વર્કશોપનો મુખ્ય હેતુ ઘરઆંગણે શાકભાજી, ફળો અને ઔષધીય પાકોનું પ્રાકૃતિક પદ્ધતિઓ દ્વારા ઉત્પાદન કરી પોષણ સુરક્ષા અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન નિષ્ણાત વૈજ્ઞાનિકો ડો. રાજેશ કે. પંચાલ, ડો. કિરણ રાઠોડ, શ્રી શિવમ પુરોહિત, ડો. અલ્પેશ ભીમાણી, ડો. વિક્રમ શિયાળ તથા અન્ય વિષય નિષ્ણાતોએ પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતો, કિચન ગાર્ડનની આયોજન પદ્ધતિ, પાકોની પસંદગી, ઋતુઆધારિત આયોજન તેમજ બીજામૃત, ઘન જીવામૃત અને જીવામૃતના ઉપયોગ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.

વર્કશોપ દરમિયાન કિચન ગાર્ડન માટેના લેઆઉટ, પાક સંયોજન, પાણી વ્યવસ્થાપન, જીવાત અને રોગ નિયંત્રણ માટેના પ્રાકૃતિક ઉપાયો જેવા વિવિધ વિષયો પર ટેકનિકલ સત્રો યોજાયા હતા. ઉપરાંત, ભાગ લેનારાઓને બેડ તૈયાર કરવાની પદ્ધતિ, બીજ વાવેતર તેમજ પ્રાકૃતિક દ્રાવણો બનાવવાની પ્રયોગાત્મક તાલીમ પણ આપવામાં આવી હતી.

વર્કશોપના બીજા દિવસે પ્રતિભાગીઓને પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી, જ્યાં તેમણે વિવિધ પ્રયોગાત્મક પદ્ધતિઓનું નિરીક્ષણ કરી પોતાના પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું હતું.

આ તાલીમ વર્કશોપમાં રાજ્યના વિવિધ શહેરી વિસ્તારોમાંથી આવેલા મહિલા જૂથો તેમજ શહેરના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમમાં આશરે 50 જેટલા પ્રતિભાગીઓ હાજર રહ્યા હતા.

અંતે આયોજકો દ્વારા તમામ મહાનુભાવો, નિષ્ણાતો અને પ્રતિભાગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ પ્રાકૃતિક ખેતી અને પોષણ બગીચાની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવા માટે આવા કાર્યક્રમો સતત યોજવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top