જમ્મુ કાશ્મીર: ગઈ કાલે મોડી રાતે આતંકવાદીઓએ પૂર્વ સ્પેશિયલ પોલીસ ઓફિસર (SPO) ફૈયાઝ અહેમદની ગોળી મારીને હત્યા કરી નાખી. પુલવામામાં અવંતીપુરાના હરિપરિગામ નામના ગામમાં આતંકીઓ ફૈયાઝ અહેમદના ઘરમાં ઘૂસી ગયા અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું. જેમાં તેમના પત્ની અને પુત્રી પણ ઘાયલ થયા હતા. પત્નીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું જ્યારે ઘાયલ પુત્રીએ આજે દમ તોડ્યો. આતંકવાદીઓની કાયરતાપૂર્ણ હરકતનો ભોગ બનેલા વિશેષ પોલીસ અધિકારી ફૈયાઝ અહેમદનો પુત્ર ભારતીય સેનામાં ( indian army) છે.
હુમલો કરનારા આતંકીઓની હજુ કોઈ ભાળ મળી નથી. સોમવારે સવારે દમ તોડનારી યુવતીની ઓળખ 23 વર્ષની રફિયા તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ રવિવારે રાતે જ્યારે આતંકીઓ પૂર્વ એસપીઓ ફૈયાઝ અહેમદના ઘરમાં ઘૂસ્યા ત્યારે પૂર્વ એસપીઓ તેમની પત્ની રઝા બેગમ અને પુત્રી રફિયા હાજર હતા. ત્રણે પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કરીને આતંકીઓ ભાગી ગયા.
રવિવારની રાત્રિના 11 વાગ્યાની આસપાસ કેટલાક હથિયારધારી આતંકીઓ ફૈયાઝ અહેમદના ઘરે બળજબરીથી ઘૂસી આવ્યા હતા. તેમણે ફૈયાઝ અને તેના પરિવાર પર ફાયરિંગ કર્યું હતું, જેમાં ફૈયાઝનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમની પત્ની રાજા બેગમ અનંતનાગની હોસ્પિટલમાં મૃત્યુ પામી. તેની પુત્રી રાફિયાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
ગત સપ્તાહે મંગળવારે આતંકવાદીઓએ શ્રીનગરમાં CID ઇન્સ્પેક્ટરની ગોળી મારી હત્યા કરી હતી. આ ઘટના નૌગામ વિસ્તારમાં બની હતી. નૌગામ પોલીસ સ્ટેશન વિસ્તારના કનિપોરામાં આતંકવાદીઓએ ઈન્સ્પેક્ટર પરવેઝ અહેમદ ડારને તેમના ઘરની નજીક ત્રણ ગોળી મારી હતી. હુમલાના સમયે પરવેઝ નમાજ અદા કરી ઘરે પરત ફરી રહ્યા હતા.
શનિવારે CRPFના જવાનો પર ગ્રેનેડ હુમલો થયો હતો
શનિવારે શ્રીનગરના બર્બર શાહ વિસ્તારમાં પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની સંયુક્ત પાર્ટી પર આતંકીઓ દ્વારા ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં જવાનોને કોઈ નુકસાન થયું ન હતું, પરંતુ એક મહિલા સહિત ચાર નાગરિકો ઘાયલ થયા હતા. તેમાંથી એકનું બાદમાં મોત નીપજ્યું. મૃતકની ઓળખ મુદાસિર અહેમદ તરીકે થઈ હતી.