National

UPI યૂઝર્સને મોટી રાહતના સંકેત, 2027 સુધી UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ નહીં લાગે? જાણો શું છે નવી યોજના

ડિજિટલ પેમેન્ટ કરતા કરોડો UPI યુઝર્સ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રૂ.2,000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાની દરખાસ્તનો અમલ 2027ની વિધાનસભા ચૂંટણીઓ પછી સુધી ટળી શકે છે. આ દરખાસ્ત હેઠળ નિર્ધારિત મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા સુધીનો ચાર્જ વસૂલવાની યોજના છે. જોકે, સામાન્ય લોકો એકબીજાને પૈસા મોકલે તેવા પર્સન-ટુ-પર્સન (P2P) ટ્રાન્ઝેક્શન અને નાના ડિજિટલ પેમેન્ટ પર કોઈ વધારાનો ચાર્જ લાગવાનો નથી.

આ નિર્ણય પાછળ વેપારીઓ અને તેમના સંગઠનોનો વિરોધ મુખ્ય કારણ હોવાનું માનવામાં આવે છે. વર્ષ 2027માં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. UPI પર ચાર્જ લાગુ કરવાના નિર્ણયથી વેપારીઓમાં નારાજગી વધવાની શક્યતા હોવાથી તેની અમલવારી ચૂંટણી બાદ સુધી ટાળવામાં આવી શકે છે. જોકે, MDR ચાર્જ ક્યારથી લાગુ થશે તે અંગે હજુ અંતિમ નિર્ણય કે ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી.

મહત્ત્વનું છે કે રૂ.2,000થી વધુના કેટલાક UPI ટ્રાન્ઝેક્શન પર MDR ચાર્જ લાગુ કરવાની દરખાસ્ત અગાઉ 15 ઓક્ટોબરથી અમલમાં આવવાની હતી. જોકે, છેલ્લી ઘડીએ તેમાં ફેરફાર કરીને પસંદગીના ટ્રાન્ઝેક્શન માટે તેનો અમલ દિવાળી પછી સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો. શરૂઆતમાં એવી ચર્ચા હતી કે દિવાળી બાદ નવા ચાર્જ લાગુ થઈ શકે છે, પરંતુ હવે આ નિર્ણય 2027 સુધી પાછળ ઠેલાઈ શકે તેવા સંકેતો મળી રહ્યા છે.

દરખાસ્તમાં MDR માટે અલગ-અલગ વ્યવહારોને ધ્યાનમાં રાખીને નવું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. સામાન્ય દરખાસ્ત મુજબ રૂ.2,000થી વધુના નિર્ધારિત UPI મર્ચન્ટ પેમેન્ટ પર 0.4 ટકા MDR વસૂલવાની યોજના છે. જોકે, પાંચ ખાસ કેટેગરીમાં રૂ.2,001 કે તેથી વધુના ટ્રાન્ઝેક્શન માટે ફ્લેટ રૂ.5નો દર રાખવામાં આવ્યો છે. એટલે કે પેમેન્ટની રકમ ગમે તેટલી મોટી હોય, આ કેટેગરીમાં વેપારી કે સેવા આપતી સંસ્થાએ પ્રતિ ટ્રાન્ઝેક્શન માત્ર રૂ.5 MDR ચૂકવવાનો રહેશે.

ઉદાહરણ તરીકે, કોઈ વેપારીને રૂ.10,000નું UPI પેમેન્ટ મળે તો 0.4 ટકાના દરે રૂ.40 MDR ચૂકવવો પડે. પરંતુ ફ્લેટ રૂ.5ના મોડેલમાં સામેલ કેટેગરીમાં આટલી જ રકમના પેમેન્ટ પર માત્ર રૂ.5નો ચાર્જ લાગશે. ખાસ કરીને ઓછા નફાના માર્જિન પર કામ કરતા ક્ષેત્રોને આ વ્યવસ્થાથી રાહત મળી શકે છે.

ફ્લેટ રૂ.5 MDR મોડેલમાં પેટ્રોલ પંપનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં નફાનું માર્જિન મર્યાદિત હોવાથી રૂ.2,000થી વધુના UPI પેમેન્ટ પર 0.4 ટકાના બદલે માત્ર રૂ.5નો MDR રાખવાની દરખાસ્ત છે. તેનાથી પેટ્રોલ પંપ સંચાલકો પર ડિજિટલ પેમેન્ટનો ખર્ચ મર્યાદિત રહેશે.

રેલવે ટિકિટ બુકિંગ માટે કરવામાં આવતા રૂ.2,000થી વધુના UPI પેમેન્ટને પણ આ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ વ્યવહારો પર પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ.5 MDR લાગશે. જોકે, આ ચાર્જ મુસાફરો પાસેથી વસૂલવામાં આવશે નહીં, પરંતુ ટિકિટિંગ સેવા આપતી સંસ્થા એટલે કે ભારતીય રેલવે દ્વારા ચૂકવવાનો રહેશે.

વીમા ક્ષેત્રને પણ આ મોડેલમાં સામેલ કરવામાં આવ્યું છે. UPI દ્વારા વીમા પ્રીમિયમની ચુકવણી ભલે હજારો કે લાખો રૂપિયાની હોય, વીમા કંપની પાસેથી પ્રતિ ટ્રાન્ઝેક્શન માત્ર રૂ.5 MDR લેવામાં આવશે. આ જ રીતે ટેલિકોમ સેવાઓમાં મોંઘા મોબાઇલ રિચાર્જ, બ્રોડબેન્ડ અને કોર્પોરેટ કનેક્શનનાં બિલની ચુકવણી માટે પણ ફ્લેટ રૂ.5નો દર રાખવામાં આવ્યો છે.

આ ઉપરાંત વીજળી, પાણી અને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)નાં બિલની ચુકવણીને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવી છે. રૂ.2,000થી વધુનાં બિલની UPI દ્વારા ચુકવણી થાય તો પણ સંબંધિત કંપની કે કલેક્શન એજન્સીએ પ્રતિ ટ્રાન્ઝેક્શન માત્ર રૂ.5 MDR ચૂકવવાનો રહેશે.

આમ, UPI પર MDR ચાર્જ લાગુ કરવાની દરખાસ્તનો અમલ ક્યારે થશે તે અંગે હજુ સ્પષ્ટતા નથી. જો આ નિર્ણય 2027ની વિધાનસભા ચૂંટણીઓ પછી સુધી ટળે છે તો વેપારીઓ અને ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા સાથે જોડાયેલા લોકોને હાલ પૂરતી રાહત મળી શકે છે. જોકે, સામાન્ય UPI યુઝર્સના વ્યક્તિગત ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે નહીં તેવી જોગવાઈ યથાવત્ રહેવાની છે.

Most Popular

To Top