Gujarat

નવા રંગ-રૂપમાં અમદાવાદનો ગાંધી આશ્રમ, 95% રિસ્ટોરેશન પૂર્ણ; આખું મ્યુઝિયમ જોવા 4-5 કલાક લાગશે

અમદાવાદનો ઐતિહાસિક ગાંધી આશ્રમ હવે નવા રંગ-રૂપમાં લોકો સમક્ષ આવવા માટે તૈયાર થઈ રહ્યો છે. 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે તેમના જીવન અને સ્વાતંત્ર્ય આંદોલન સાથે જોડાયેલા આ આશ્રમની બદલાતી તસવીર ખાસ મહત્વ ધરાવે છે. ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા ત્યારે વર્ષ 1915માં અમદાવાદના કોચરબ વિસ્તારમાં તેમણે પહેલો આશ્રમ સ્થાપ્યો હતો. ત્યારબાદ 1917માં સાબરમતી નદીના કિનારે આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 1930 સુધી આ આશ્રમ દેશના સ્વાતંત્ર્ય આંદોલનના મહત્વના કેન્દ્રોમાંનું એક રહ્યું હતું. હવે આ ઐતિહાસિક સ્થળને ગાંધી આશ્રમ મેમોરિયલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ વધુ વિશાળ અને આધુનિક સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. અગાઉ આશ્રમનો વિસ્તાર આશરે 5 એકર હતો, જેને વધારીને 55 એકર કરવામાં આવ્યો છે. સમગ્ર પ્રોજેક્ટમાં જૂની ઇમારતોનું સંરક્ષણ, નવા મ્યુઝિયમ અને એક્ઝિબિશન, ગાર્ડન, પાથવે, પાર્કિંગ અને પ્રવાસીઓ માટે જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. હાલ બિલ્ડિંગના રિસ્ટોરેશનનું લગભગ 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. બીજી તરફ પાથવે પર બ્લોક પાથરવા સહિત બાકી રહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.

આ પ્રોજેક્ટમાં આશ્રમ અને તેની આસપાસ આવેલી કુલ 36 મૂળ ઇમારતોને તેમના ઐતિહાસિક સ્વરૂપ અને મૂળ શૈલીને જાળવીને રિસ્ટોર કરવામાં આવી છે. તેમાં ગૌશાળા, ડેહલા પુણી કેન્દ્ર, દસ ઓરડી, સરદાર કુટીર, રંગશાળા, વણાક પરિવારની ચાલી, આશ્રમ શાળા, જૂનું રસોડું, ઉદ્યોગ મંદિર, યંગ ઈન્ડિયા, ચિમનભાઈ કુટુંબ નિવાસ, બાલ મંદિર, આનંદ ભવન, જૂનું હાથકાગળનું કારખાનું, સોમનાથ છાત્રાલય, કાર્યાલય સાથે સેવા સાધના, નમ્રતા, કરુણા અને સુચિતા જેવા ભાગો, ચાર કુટુંબ નિવાસ, સાત ઓરડી અને આનંદ ભવન સંગ્રહાલયનો સમાવેશ થાય છે. જૂની ઇમારતોના રિસ્ટોરેશન બાદ હવે તેમાં મ્યુઝિયમ અને એક્ઝિબિશન તૈયાર કરવાની પ્રક્રિયા આગળ વધશે. ગાંધી આશ્રમના નવા સ્વરૂપમાં સૌથી મોટું આકર્ષણ ગાંધીજીના જીવન અને તેમના વિચારો પર આધારિત મ્યુઝિયમ બનવાનું છે. કુલ 22 બિલ્ડિંગમાં ગાંધીજીના જીવન, તેમના મૂલ્યો, સંઘર્ષ અને સ્વાતંત્ર્ય આંદોલન સાથે જોડાયેલી વિવિધ ઘટનાઓને અલગ-અલગ રીતે રજૂ કરવામાં આવશે. મુલાકાતીઓને માત્ર ગાંધીજીના જીવન વિશે માહિતી નહીં મળે, પરંતુ તેમના વિચારો અને મૂલ્યોને પણ સમજવાની તક મળશે. હાલમાં મ્યુઝિયમ અને એક્ઝિબિશન માટેના કન્ટેન્ટને અંતિમ મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. કન્ટેન્ટ મંજૂર થયા બાદ સ્થળ પર એક્ઝિબિશનનું કામ શરૂ થવામાં આશરે ત્રણ મહિના લાગી શકે છે.

સમગ્ર કેમ્પસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લગભગ 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. તેમાં પ્રવાસીઓ માટે બનાવવામાં આવેલા ચાલવાના પાથવે સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે. બિલ્ડિંગનું રિસ્ટોરેશન લગભગ પૂર્ણ થઈ ગયું હોવા છતાં મ્યુઝિયમ એક્ઝિબિશન અને કેટલીક અન્ય સુવિધાઓનું કામ હજુ બાકી છે. એટલે સમગ્ર પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે લોકો માટે ખુલ્લો થવામાં હજુ થોડો સમય લાગી શકે છે. ગાંધી આશ્રમના નવા કેમ્પસમાં પર્યાવરણ અને હરિયાળી પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં અહીં 6,998 વૃક્ષો, 63,986 શ્રબ્સ અને ગ્રાઉન્ડ કવર માટે 1,03,178 છોડ વાવવામાં આવ્યા છે. એટલે સમગ્ર કેમ્પસમાં કુલ 1.78 લાખથી વધુ છોડ અને વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આશ્રમની આસપાસ બહારના વિસ્તારનો અવાજ અંદર ઓછો પહોંચે અને કેમ્પસનું કુદરતી વાતાવરણ જળવાઈ રહે તે માટે પેરીફેરી બફર ડેન્સ એટલે કે વન કવચ પ્લાન્ટેશન પણ કરવામાં આવ્યું છે.

આ કેમ્પસમાં ‘મોહન ટુ મહાત્મા’ યાત્રા ગાર્ડન પણ ખાસ આકર્ષણ બનશે. ગાંધીજીના જીવનમાં ‘મોહન’થી ‘મહાત્મા’ સુધીની સફરને આ ગાર્ડન દ્વારા રજૂ કરવામાં આવી છે. જીવનના અલગ-અલગ તબક્કા દર્શાવવા માટે 10 અલગ રંગોની થીમ તૈયાર કરવામાં આવી છે અને તેના આધારે વિવિધ છોડ તથા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ યાત્રાનો માર્ગ પૂર્ણ થયા બાદ એક લેક પણ બનાવવામાં આવ્યું છે. કેમ્પસમાં ગાંધીજીની પ્રતિકૃતિને એરિયલ વ્યૂમાંથી જોઈ શકાય તે રીતે હર્બલ ગાર્ડન પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ ગાર્ડનમાં એવા છોડ ઉગાડવામાં આવ્યા છે જે શરીરના અલગ-અલગ અંગો માટે ઉપયોગી માનવામાં આવે છે અને વિવિધ બીમારીઓમાં પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાય છે. આ ગાર્ડનનું કામ પણ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે.

આ ઉપરાંત અહીં રેઇન ફોરેસ્ટ પણ તૈયાર કરવામાં આવ્યું છે. અમદાવાદ જેવા ગરમ શહેરમાં આવનાર પ્રવાસીઓને આશ્રમના આ ભાગમાં અલગ પ્રકારનું વાતાવરણ અનુભવાય તે હેતુથી આ વિસ્તાર તૈયાર કરવામાં આવ્યો છે. ખુલ્લી જગ્યાઓમાં મોટા પ્રમાણમાં પ્લાન્ટેશન કરીને સમગ્ર કેમ્પસને હરિયાળું અને ધૂળમુક્ત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ માટે કેમ્પસમાં પોતાની નર્સરી પણ વિકસાવવામાં આવી છે, જ્યાં છોડ ઉછેર્યા બાદ તેને આશ્રમના અલગ-અલગ વિસ્તારોમાં રોપવામાં આવે છે. પ્રવાસીઓ માટે પાર્કિંગ અને અન્ય સુવિધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટનો મુખ્ય પ્રવેશદ્વાર કલેક્ટર ઓફિસ તરફ રાખવામાં આવ્યો છે. અહીં લગભગ 250 ફોર-વ્હીલર અને 25 બસ પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા બનાવવામાં આવી રહી છે. વાહન પાર્ક કર્યા બાદ પ્રવાસીઓની સુરક્ષા તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને મુખ્ય કેમ્પસમાં પ્રવેશ આપવામાં આવશે.

પ્રવાસીઓ સૌથી પહેલાં ઓરિએન્ટેશન સેન્ટરમાં જશે. આ સેન્ટરનું આશરે 60 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. મુખ્ય ગેટનું કામ પણ લગભગ 60 ટકા પૂર્ણ થયું છે. ઓરિએન્ટેશન સેન્ટરની સામે પ્રવાસીઓ માટે ખાદી ભંડાર એટલે કે સોવેનિયર શોપ અને ફૂડ કોર્ટ બનાવવામાં આવી રહ્યા છે. પ્રવાસીઓ આશ્રમમાં બે-ત્રણ કલાક કે તેનાથી વધુ સમય રોકાય તેવી શક્યતા હોવાથી તેમને નાસ્તા અને ભોજનની સુવિધા મળી રહે તે માટે ફૂડ કોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ગાંધી આશ્રમના નવા સ્વરૂપમાં સૌથી મહત્વની બાબત એ રહેશે કે પ્રવાસીઓ અહીં માત્ર થોડો સમય પસાર કરીને પરત નહીં ફરે, પરંતુ ગાંધીજીના જીવન અને તેમના વિચારોને વિગતવાર સમજવા માટે લાંબો સમય આપી શકશે. 22 બિલ્ડિંગમાં તૈયાર થનારા મ્યુઝિયમ અને એક્ઝિબિશનને રસપૂર્વક અને સંપૂર્ણ રીતે જોવા માટે ઓછામાં ઓછા 4થી 5 કલાકનો સમય લાગી શકે છે. એટલે આખા આશ્રમની મુલાકાત માટે માત્ર એકાદ કલાક પૂરતો નહીં રહે તેવી શક્યતા છે.

મુલાકાતીઓને ગાંધીજીના બાળપણથી લઈને તેમના જાહેર જીવન, સ્વાતંત્ર્ય આંદોલન સાથેના જોડાણ, વિવિધ આંદોલનો અને તેમના વિચારો સુધીની સફર અલગ-અલગ પ્રસ્તુતિ દ્વારા સમજાવવામાં આવશે. આ સાથે ઐતિહાસિક ઇમારતો, હરિયાળો વિસ્તાર, ‘મોહન ટુ મહાત્મા’ ગાર્ડન, હર્બલ ગાર્ડન અને રેઇન ફોરેસ્ટને કારણે આ સ્થળ માત્ર મ્યુઝિયમ પૂરતું સીમિત નહીં રહે, પરંતુ એક વિશાળ સ્મારક અને પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસશે. હાલ ગાંધી આશ્રમ મેમોરિયલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું મોટાભાગનું રિસ્ટોરેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામ અંતિમ તબક્કામાં છે. બિલ્ડિંગ રિસ્ટોરેશનનું 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે પાથવે સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આશરે 70 ટકા કામ પૂરું થયું છે. હવે મ્યુઝિયમ અને એક્ઝિબિશન માટે કન્ટેન્ટને અંતિમ મંજૂરી મળ્યા બાદ આગળની કામગીરી શરૂ થશે. આશ્રમમાં પ્રવેશ માટે પ્રવાસીઓ પાસેથી કોઈ એન્ટ્રી ચાર્જ લેવામાં આવશે કે નહીં તે અંગે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. જોકે, સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમદાવાદનું આ ઐતિહાસિક સ્થળ ગાંધીજીના જીવન અને વિચારોને નવી પેઢી સુધી પહોંચાડતું વિશાળ સ્મારક બનશે. અહીં આવનાર મુલાકાતીઓને ગાંધીજીના જીવન વિશે જાણવા સાથે ઐતિહાસિક વારસો, પ્રકૃતિ અને આધુનિક સુવિધાઓનો પણ એકસાથે અનુભવ મળશે.

Most Popular

To Top