SURAT

રેસ્ટોરન્ટમાં ગંદકી કે અખાદ્ય સામગ્રી મળી તો ખેર નથી, 73 એકમો તપાસાયા, 48ને નોટિસ

સુરત શહેરમાં રેસ્ટોરન્ટ્સમાં ખાદ્યસામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતાના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ માટે પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા તમામ ઝોનમાં સંયુક્ત મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી આ કાર્યવાહીમાં શહેરની વિવિધ રેસ્ટોરન્ટ્સમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન સ્વચ્છતાથી લઈને ખાદ્યસામગ્રી, કર્મચારીઓની મેડિકલ ફિટનેસ અને કિચનની વ્યવસ્થા સહિતના અનેક મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી હતી. પાલિકાની ટીમોએ રેસ્ટોરન્ટના સમગ્ર પરિસરની સ્વચ્છતા, કિચનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રસોઈમાં વપરાતા પાણીની ગુણવત્તા અને ખાદ્યપદાર્થો તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતા રો-મટીરીયલની તપાસ કરી હતી. કાચી સામગ્રી યોગ્ય રીતે સંગ્રહવામાં આવે છે કે નહીં અને તેનો ઉપયોગ આરોગ્યના નિયમો પ્રમાણે થાય છે કે નહીં તે અંગે પણ ચકાસણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત કિચનમાં કામ કરતા કર્મચારીઓની વ્યક્તિગત સ્વચ્છતા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. કર્મચારીઓની હાઈજિન જાળવવામાં આવે છે કે નહીં તેની સાથે તેમના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ પણ તપાસવામાં આવ્યા હતા. ખાદ્યપદાર્થો બનાવતા કર્મચારીઓ સ્વાસ્થ્યની દૃષ્ટિએ યોગ્ય સ્થિતિમાં છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે આ તપાસ કરવામાં આવી હતી. રેસ્ટોરન્ટમાંથી દરરોજ નીકળતા ઘન કચરાના નિકાલની વ્યવસ્થા પણ તપાસનો મહત્વનો ભાગ હતી. કચરો યોગ્ય રીતે એકત્ર કરવામાં આવે છે કે નહીં અને તેનો નિયમ મુજબ નિકાલ થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. સાથે જ કિચનમાંથી નીકળતા ગંદા પાણી અને ગટરના પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા છે કે નહીં તે પણ તપાસવામાં આવ્યું હતું.

ગ્રાહકોને રેસ્ટોરન્ટના કિચનમાં સ્વચ્છતા અને ખાદ્યપદાર્થોની તૈયારી અંગે વધુ પારદર્શિતા મળે તે માટે પાલિકાએ કિચનમાં સીસીટીવી કેમેરા લગાવવાનો પણ કડક આદેશ આપ્યો હતો. કિચનમાં લગાવવામાં આવેલા કેમેરાનું લાઇવ પ્રસારણ ડાઇનિંગ એરિયામાં ગ્રાહકોને દેખાય તે માટે સ્ક્રીન મૂકવાની સૂચના આપવામાં આવી હતી. એટલે કે ગ્રાહકો જ્યાં બેસીને ભોજન કરે છે ત્યાંથી કિચનમાં ચાલી રહેલી કામગીરી પણ જોઈ શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવા સંચાલકોને જણાવાયું હતું.

આ મેગા ડ્રાઇવ દરમિયાન સુરતના તમામ ઝોનમાં કુલ 73 રેસ્ટોરન્ટ્સની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિવિધ પ્રકારની ક્ષતિઓ અને નિયમોના ઉલ્લંઘન સામે આવ્યા હતા. ગંભીર ખામીઓ જણાતા કુલ 48 રેસ્ટોરન્ટ્સ અને અન્ય સંસ્થાઓને તાત્કાલિક નોટિસ આપવામાં આવી હતી. પાલિકાની ટીમોએ ખાદ્યસામગ્રીની ગુણવત્તા અંગે શંકા જણાતા સ્થળ પરથી 33 જેટલા શંકાસ્પદ ખાદ્યપદાર્થોના નમૂના પણ લીધા હતા. આ નમૂનાઓને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

તપાસ દરમિયાન રેસ્ટોરન્ટ્સમાંથી મોટી માત્રામાં બિનઆરોગ્યપ્રદ અને અખાદ્ય જથ્થો પણ મળી આવ્યો હતો. કુલ આશરે 135.3 કિલોગ્રામ જેટલો અખાદ્ય જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દ્વારા આરોગ્ય માટે જોખમી બની શકે તેવી ખાદ્યસામગ્રી ગ્રાહકો સુધી પહોંચે નહીં તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા.

નિયમોનું ઉલ્લંઘન કરનારા ખાદ્ય એકમો સામે વહીવટી કાર્યવાહી પણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલી ક્ષતિઓના આધારે સંબંધિત સંચાલકો પાસેથી કુલ રૂ.1,87,500નો વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો હતો. પાલિકાની ટીમોએ માત્ર નોટિસ આપીને કાર્યવાહી પૂરી કરી નહોતી, પરંતુ સ્થળ પર મળેલા અખાદ્ય જથ્થાનો નાશ અને નિયમોના ભંગ બદલ આર્થિક દંડની કાર્યવાહી પણ કરી હતી.

રેસ્ટોરન્ટ્સમાં સ્વચ્છતા, સુરક્ષિત ખાદ્યસામગ્રી અને યોગ્ય કિચન વ્યવસ્થા જળવાય તે માટે પાલિકાની આ ઝુંબેશ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ખાસ કરીને કિચનમાં સીસીટીવી લગાવીને ડાઇનિંગ એરિયામાં તેનું લાઇવ પ્રસારણ કરવાની સૂચનાથી ગ્રાહકોને વધુ પારદર્શિતા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં પણ ખાદ્ય એકમોમાં નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે. આ કાર્યવાહીથી ખાદ્યસુરક્ષાના નિયમોને અવગણતા રેસ્ટોરન્ટ સંચાલકોમાં ચિંતા ફેલાઈ છે અને સ્વચ્છતા તથા ગુણવત્તાના નિયમોનું પાલન કરવા માટે દબાણ વધ્યું છે.

Most Popular

To Top