રેફરલ હોસ્પિટલમાં ઘાયલોની લાંબી કતારો; 25ને કાલોલમાં સારવાર, 18થી વધુને ગોધરા ખસેડાયા, કૂતરાને મારી નંખાયો
કાલોલ, તા. 28 સપ્ટેમ્બર 2026: કાલોલ શહેરમાં છેલ્લા 24 કલાકથી આતંક મચાવી રહેલા હડકાયા કૂતરાનો આખરે અંત આવ્યો છે. શનિવાર સાંજથી રવિવાર બપોર સુધીમાં આશરે 43 લોકોને બચકાં ભરનાર કૂતરાને કાલોલ નગરપાલિકાની ટીમે ભારે જહેમત બાદ ઝડપી લઈ મારી નાખ્યો હતો. કૂતરાના આતંકનો અંત આવતાં નગરજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
રવિવારે સવારે કાલોલ રેફરલ હોસ્પિટલમાં કૂતરાના કરડવાથી ઇજાગ્રસ્ત થયેલા લોકોની લાંબી કતારો જોવા મળી હતી. મળતી માહિતી મુજબ આશરે 25 ઇજાગ્રસ્તોને કાલોલ રેફરલ હોસ્પિટલમાં જ હડકવા વિરોધી રસી તથા જરૂરી સારવાર આપવામાં આવી હતી, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા 18થી વધુ લોકોને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
કસ્બા વિસ્તારમાં જ 15થી 20 લોકોને બચકાં ભર્યા
મળતી માહિતી મુજબ કૂતરાનો આતંક શનિવારે સાંજથી શરૂ થયો હતો અને રવિવારે બપોર સુધી યથાવત રહ્યો હતો. શરૂઆતમાં 10થી 12 લોકોને કૂતરાએ કરડ્યાની માહિતી મળી હતી. ત્યારબાદ રવિવારે કસ્બા વિસ્તારમાં જ અંદાજે 15થી 20 લોકોને આ જ કૂતરાએ બચકાં ભર્યા હતા. મોટાભાગના ઇજાગ્રસ્તોને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી.
શહેરમાં હડકાયા કૂતરાના આતંકની જાણ થતાં કાલોલ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું. કૂતરાને પકડવા માટે બે ખાસ ટીમો બનાવવામાં આવી હતી. ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન શોધખોળ હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ કૂતરાને ઝડપી લીધો હતો. ત્યારબાદ તેને મારી નાખવામાં આવ્યો હતો.
આ ઘટનાએ શહેરમાં રખડતા કૂતરાઓની વધતી સમસ્યા અને તેમના નિયંત્રણ માટે કાયમી તથા અસરકારક વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત અંગે ફરી સવાલો ઊભા કર્યા છે.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા