દેશભરમાં ચોમાસું હવે સંપૂર્ણ રીતે સક્રિય બન્યું છે. અનેક રાજ્યોમાં સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ક્યાંક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે તો ક્યાંક ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. આ સ્થિતિ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD)એ દેશના વિવિધ રાજ્યો માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 9 જુલાઈના રોજ દિલ્હીના તમામ જિલ્લાઓ અને હરિયાણાના કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં 60 કિલોમીટર પ્રતિ કલાક સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે જ પ્રતિ કલાક 15 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. ગાજવીજ અને વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાવાની શક્યતા હોવાથી લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી છે.
IMDએ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓ માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગ્રા, અલીગઢ, બાગપત, બુલંદશહર, ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, હાપુડ, હાથરસ, મથુરા, મેરઠ, મુઝફ્ફરનગર, સહારનપુર અને શામલી જિલ્લામાં ભારે વરસાદ અને તેજ પવનની આગાહી કરવામાં આવી છે. હરિયાણાના અંબાલા, ગુડગાંવ, ઝજ્જર, જીંદ, કૈથલ, કુરુક્ષેત્ર, મેવાત અને રોહતક જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ અમલમાં છે.
ઉત્તરાખંડના અલ્મોડા, બાગેશ્વર, ચમોલી, દેહરાદૂન, હરિદ્વાર, પૌડી ગઢવાલ, રુદ્રપ્રયાગ, ટિહરી ગઢવાલ અને ઉત્તરકાશી જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત કેરળના એર્નાકુલમ અને ત્રિશૂર, અરુણાચલ પ્રદેશના લોઅર સુબાનસિરી અને પાપુમ પારે તેમજ જમ્મુ-કાશ્મીરના ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં પણ ભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાવાની શક્યતા હોવાથી વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગે યલો એલર્ટ અંગે પણ લોકોને માહિતગાર કર્યા છે. યલો એલર્ટનો અર્થ તાત્કાલિક મોટું જોખમ નહીં પરંતુ હવામાનમાં ફેરફાર થવાની સંભાવના દર્શાવે છે. આવી સ્થિતિમાં લોકોને સાવચેત રહેવું, હવામાન વિભાગની આગામી આગાહી પર નજર રાખવી અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવું જોઈએ. ચોમાસા દરમિયાન દેશના અનેક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરીને લોકોને સમયસર સાવચેત કરવામાં આવે છે.
ગુજરાતમાં પણ વરસાદનું જોર યથાવત છે. રાજ્યના દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ડાંગ, નવસારી, વલસાડ, સુરત, તાપી, અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે ગાજવીજ અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે.
તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેત રહેવા, નદીઓ અને તળાવો નજીક ન જવા તેમજ જરૂરી ન હોય ત્યાં સુધી પ્રવાસ ટાળવાની સલાહ આપવામાં આવી છે. ભારે વરસાદને કારણે પાણી ભરાવા, વૃક્ષો ધરાશાયી થવા અને વીજ પુરવઠો ખોરવાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને અફવાઓથી દૂર રહીને માત્ર સત્તાવાર હવામાન અપડેટ પર વિશ્વાસ રાખવા અપીલ કરી છે. આગામી કેટલાક દિવસો સુધી દેશના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા હોવાથી સ્થાનિક વહીવટી તંત્ર અને રાહત એજન્સીઓને પણ સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે.