મંદિરના લગાવેલા સીસીટીવી કેમેરામાં બંને મહિલા કેદ થઇ હતી
અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવાના બહાને ચોરી માટે આવેલી અમદાવાદની બે મહિલાઓ કેમેરામા કેદ
વડોદરા તા.29
વડોદરાના અટલાદરા સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનના દર્શન કરવા મહિલાના ગળામાંથી ભીડનો લાભ લઈને રૂ.60 હજાર કિંમતનું સોનાનું મંગળસૂત્ર તફડાવી શાતિર મહિલા ચોરો ફરાર થઈ હતી. જોકે અટલાદરા પોલીસે મંદિરના CCTV ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં બે મહિલા આરોપીઓને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદ થી મહિલાઓ ચોરી કરવા માટે આવી હતી.
વડોદરા શહેરના દંતેશ્વર-તરસાલી રિંગ રોડ પર આવેલી દર્શનમ એન્ટીકા સોસાયટીમાં રહેતા અને દરજીપુરા એરફોર્સ ખાતે જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા સંતોષકુમાર ગંગારામ લુસ્ટેએ અટલાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેઓ પરિવારજનો તથા સુરતથી આવેલા સગાઓ સાથે અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા ગયા હતા.
પરિવાર સવારે આશરે 11 વાગ્યે મંદિર પરિસરમાં પહોંચ્યો હતો. બપોરે અંદાજે 12:30 વાગ્યે દર્શન પૂર્ણ કર્યા બાદ પરિવાર બહાર નીકળ્યો ત્યારે ભીડનો લાભ લઈ કોઈ અજાણ્યા શખ્સે મહિલાના ગળામાંથી આશરે 6 ગ્રામ વજનનું, 48 સોનાની નાની મણીઓ અને એક સોનાની વાડકી ધરાવતું રૂ.60 હજાર કિંમતનું મંગળસૂત્ર તફડાવી લીધું હોવાનું સામે આવ્યું હતું.
બનાવ અંગે ફરિયાદ નોંધાતા અટલાદરા પોલીસ મથકના પીઆઈ પી. યુ. પસ્તાગિયાની ટીમે મંદિર પરિસરના CCTV ફૂટેજની તપાસ હાથ ધરી હતી. ફૂટેજના આધારે આરોપી મહિલાઓની ઓળખ કરી અમદાવાદના મણિનગર-ખોખરા વિસ્તારમાં રહેતી સુભદ્રા ઉર્ફે શોભાબેન ભરત દંતાણી (દેવીપુજક) અને જયોતિ જયેશ દંતાણી (ઉ.વ. 32)ને ઝડપી પાડવામાં આવી હતી.
પોલીસ પૂછપરછ દરમિયાન બંને મહિલાઓએ મંગળસૂત્રની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી ચોરાયેલું મંગળસૂત્ર કબજે કરી લીધું છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલી વધુ એક મહિલા આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.