Sports

લોર્ડ્સમાં જીત પછી ઈંગ્લેન્ડ ટીમ વિવાદમાં, બેન સ્ટોક્સ અને એટકિન્સન સામે ECBની તપાસ

લોર્ડ્સમાં ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર જીત મેળવ્યા બાદ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ ફરી એકવાર મેદાન બહારના વિવાદને કારણે ચર્ચામાં આવી છે. ટીમના કેપ્ટન બેન સ્ટોક્સ અને ફાસ્ટ બોલર ગસ એટકિન્સન સામે ટીમના નિયમો અને પ્રોટોકોલના ભંગના આરોપોને લઈને ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી છે. માહિતી મુજબ, લોર્ડ્સ ટેસ્ટ પૂર્ણ થયા બાદ સોમવારે વહેલી સવારે બેન સ્ટોક્સ અને ગસ એટકિન્સન લંડનની એક નાઈટ ક્લબમાં હાજર હતા. આ દરમિયાન ત્યાં કોઈ અણધારી ઘટના અથવા ઝઘડો થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ECBએ મામલાની તપાસ શરૂ કરી છે અને ક્રિકેટ રેગ્યુલેટરને પણ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવ્યું છે.

ECBએ આ મામલે સત્તાવાર નિવેદન જાહેર કરીને તપાસની પુષ્ટિ કરી છે. બોર્ડના જણાવ્યા અનુસાર, ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ પૂર્ણ થયા બાદ ટીમ પ્રોટોકોલના ભંગ અંગે માહિતી મળી હતી. બેન સ્ટોક્સ અને ગસ એટકિન્સન સોમવારે વહેલી સવારે એક નાઈટ ક્લબમાં હાજર હતા, જ્યાં કોઈ ઘટના બની હોવાની જાણકારી મળી છે. હાલમાં બોર્ડ વધુ વિગતો અને પુરાવા એકત્રિત કરી રહ્યું છે. આ તપાસને કારણે ન્યૂઝીલેન્ડ સામે રમાનારી બીજી ટેસ્ટ મેચ માટેની ટીમની જાહેરાત પણ થોડા સમય માટે અટકાવવામાં આવી છે. ECB એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે ખેલાડીઓએ ખરેખર ટીમના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે કે નહીં અને જો કર્યું હોય તો તેમની સામે શું કાર્યવાહી કરવી.

હાલમાં બોર્ડે કોઈ ખેલાડીને દોષિત જાહેર કર્યો નથી. જોકે, જો તપાસમાં ટીમના કર્ફ્યુ નિયમો તોડવા અથવા જાહેર સ્થળે અયોગ્ય વર્તન કરવાના પુરાવા સામે આવે તો ખેલાડીઓ સામે કડક શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે. આવી સ્થિતિમાં દંડ, ચેતવણી અથવા આગામી મેચમાંથી બહાર રાખવા જેવા પગલાં પણ લેવામાં આવી શકે છે. આ સમગ્ર ઘટનાએ ઇંગ્લેન્ડ ક્રિકેટમાં લાંબા સમયથી ચર્ચાતી ‘ડ્રિન્કિંગ કલ્ચર’ની ચર્ચાને ફરી જીવંત કરી દીધી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઇંગ્લેન્ડના ખેલાડીઓ અનેક વખત મેચ બાદની પાર્ટીઓ અને નાઈટ ક્લબ સાથે જોડાયેલા વિવાદોને કારણે સમાચારોમાં રહ્યા છે. એશેઝ સીરિઝ પહેલાં પણ આવો જ એક વિવાદ સામે આવ્યો હતો. તે સમયે કેપ્ટન હેરી બ્રુક ન્યૂઝીલેન્ડની એક નાઈટ ક્લબમાં હાજર હતો, જ્યાં એક બાઉન્સરે તેને મુક્કો માર્યાનો આરોપ લાગ્યો હતો. બાદમાં જાણવા મળ્યું હતું કે તેની સાથે જેકબ બેથેલ અને જોશ ટંગ પણ હાજર હતા. આ ઘટનાના પગલે ECBએ ખેલાડીઓ માટે મધરાત બાદ બહાર રહેવા પર નિયંત્રણ મૂકતા કર્ફ્યુના નિયમો અમલમાં મૂક્યા હતા.

આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા સામેની એશેઝ સીરિઝ દરમિયાન પણ ઇંગ્લેન્ડ ટીમની ભારે ટીકા થઈ હતી. સીરિઝમાં ખરાબ પ્રદર્શન વચ્ચે ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાના બીચ ટાઉન નૂસામાં પાર્ટી કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં બેન ડકેટ કથિત રીતે નશાની હાલતમાં જોવા મળ્યો હતો. આ ઘટનાને લઈને ટીમ મેનેજમેન્ટે આંતરિક તપાસ શરૂ કરી હતી. બેન સ્ટોક્સ માટે આ નવી તપાસ ખાસ કરીને વધુ સંવેદનશીલ બની છે કારણ કે ભૂતકાળમાં પણ તેનું નામ ગંભીર વિવાદ સાથે જોડાઈ ચૂક્યું છે. વર્ષ 2017માં વેસ્ટ ઇન્ડીઝ સામેની વનડે મેચ બાદ બ્રિસ્ટલમાં એક નાઈટ ક્લબની બહાર થયેલી મારામારીના કેસમાં સ્ટોક્સની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના લાંબા સમય સુધી ચર્ચામાં રહી હતી અને તેના કારણે સ્ટોક્સને કોર્ટની કાર્યવાહીનો પણ સામનો કરવો પડ્યો હતો. હાલના મામલે ECB તપાસ પૂર્ણ થયા બાદ જ અંતિમ નિર્ણય લેશે. પરંતુ બીજી ટેસ્ટ મેચ નજીક હોવાને કારણે સમગ્ર ઇંગ્લેન્ડ ક્રિકેટ જગતની નજર હવે આ તપાસના પરિણામ પર ટકેલી છે. જો સ્ટોક્સ અથવા એટકિન્સન સામે કોઈ કાર્યવાહી થાય છે તો તે ટીમ માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે, કારણ કે બંને ખેલાડીઓ હાલમાં ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમના મહત્વપૂર્ણ સભ્યો છે.

Most Popular

To Top