Gujarat

વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં ગરમી – બફારો યથાવત

અમદાવાદ: ગુજરાતમાં હાલ ગરમી અને બફારાનો માહોલ યથાવત્ છે. રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 40થી 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. 6 જૂને રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ, વીજળીના ચમકારા અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
શુક્રવારે રાજ્યના શહેરોમાં નોંધાયેલા મહત્તમ તાપમાનમાં અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને વલ્લભ વિદ્યાનગરમાં 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં 40 ડિગ્રી, વડોદરા અને કંડલા એરપોર્ટ ખાતે 39 ડિગ્રી, કંડલા પોર્ટ પર 38 ડિગ્રી, ભૂજ અને કેશોદમાં 37 ડિગ્રી, જ્યારે સુરત, નલિયા, પોરબંદર અને મહુવામાં 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. દમણમાં 36 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી સપ્તાહ દરમિયાન રાજ્યમાં તાપમાનમાં મોટો ઘટાડો થવાની સંભાવના નથી, પરંતુ પ્રિ-મોન્સૂન વરસાદ અને ગાજવીજની પ્રવૃત્તિના કારણે કેટલાક વિસ્તારોમાં ગરમીથી આંશિક રાહત મળી શકે છે.

છેલ્લા 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ નોંધાયો હતો. જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું હતું. સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નહોતો. હવામાન વિભાગે અમદાવાદ માટે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. શહેરમાં એકાદ-બે વખત હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ઉત્તર સીમા હાલ મેંગલુરુ, ઉધગમંડલમ, કોડાઈકેનાલ અને થૂથુકુડી સુધી પહોંચી ગયું છે. આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન ચોમાસું મધ્ય અરબી સમુદ્રના વધુ વિસ્તારો ગોવા, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશના કેટલાક ભાગો, કર્ણાટકના વધુ વિસ્તારો, તમિલનાડુના બાકીના વિસ્તારો તેમજ બંગાળની ખાડીના કેટલાક વિસ્તારોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

રાજ્યમાં હાલમાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉપરાંત દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને લાગુ ગુજરાત વિસ્તારમાં ઉપર હવાના સ્તરે ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે. આ પરિબળોને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિઓ વધવાની શક્યતા છે.

આજે આ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ

હવામાન વિભાગે આવતીકાલે તા. 6 જૂન માટે વરસાદી યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં ગાજવીજ, વીજળી અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી સહિત દમણ તથા દાદરા નગર હવેલીમાં પણ સમાન પરિસ્થિતિ રહેવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

આવતીકાલે મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા

7 જૂને પંચમહાલ અને દાહોદ ઉપરાંત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની શક્યતા છે.

8થી 12 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ

8 જૂનથી 12 જૂન દરમિયાન મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજની પ્રવૃત્તિ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Most Popular

To Top