ગાંધીનગર : ગુજરાત બોર્ડ સંલગ્ન પ્રાથમિકથી શરૂ કરીને હાયર સેકન્ડરી શાળાઓ સુધીના તમામ માધ્યમોના પાઠ્યપુસ્તકો નિયત સમયમર્યાદામાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. આકસ્મિક વૈશ્વિક પડકારો છતાં પુસ્તકોના ભાવમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી અને વાલીઓ પર એક પણ રૂપિયાનો વધારાનો આર્થિક બોજ પડવા દેવામાં આવશે નહીં.
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના કાર્યવાહક અધ્યક્ષ મનુભાઈ પાવરાએ જણાવ્યું હતું કે, ચાલુ શૈક્ષણિક વર્ષે વિદ્યાર્થીઓના હિતમાં કેટલાક નૂતન વિષયોનો ઉમેરો કરી પાઠ્યપુસ્તક નિર્માણની પ્રક્રિયા સમયસર શરૂ કરી દેવાઈ હતી. પરંતુ, કેટલીક અનિવાર્ય ન્યાયિક પ્રક્રિયા – કોર્ટ કેસ તેમજ ઈરાન સહિતના અન્ય દેશો વચ્ચે સર્જાયેલી વૈશ્વિક યુદ્ધની વિષમ પરિસ્થિતિને કારણે કાગળની આયાતમાં અંદાજે અઢીથી ત્રણ મહિનાનો આકસ્મિક વિલંબ થયો હતો. જો કે, મંડળની સમગ્ર ટીમ તમામ આંતરરાષ્ટ્રીય અને કાનૂની અવરોધોને પાર પાડી, વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય સહેજ પણ પ્રભાવિત ન થાય તે માટે અત્યારે દિવસ-રાત પૂરજોશમાં પ્રિન્ટિંગની કામગીરી કરી રહી છે.
રાજ્યની ખાનગી અને નોન-ગ્રાન્ટેડ શાળાઓ માટેના કિંમતવાળા પુસ્તકો વિતરકો સુધી સમયસર પહોંચાડી દેવાયા છે, જે હાલ વિદ્યાર્થીઓને ઉપલબ્ધ થઈ પણ ચૂક્યા છે. જ્યારે સરકારી પ્રાથમિક શાળાઓના તમામ વિદ્યાર્થીઓને આગામી શાળા પ્રવેશોત્સવ પૂર્વે જ તમામ પાઠ્યપુસ્તકો તાલુકા કક્ષા સુધી સંપૂર્ણપણે વિનામૂલ્યે મળી રહે તેવું માઇક્રો-પ્લાનિંગ વહીવટી તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ પુસ્તકો અતિ ઝડપે પહોંચાડવા માટે વિવિધ સરકારી એજન્સીઓ ખડેપગે કામ કરી રહી છે.
ભૌગોલિક પડકારો કે અંતરિયાળ -રીમોટ વિસ્તારોમાં આકસ્મિક સંજોગોવસાત જો ભૌતિક પુસ્તક પહોંચવામાં સહેજ પણ વિલંબ થાય, તો પણ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ક્યાંય અટકે નહીં તે માટે મંડળે અત્યાધુનિક ડિજિટલ બેકઅપ’ની આગોતરી વ્યવસ્થા ઊભી કરી છે.