અમદાવાદ: કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં છેલ્લા છ મહિનામાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે નાના વેપારીઓ, હોટલ સંચાલકો, લારી-ગલ્લાવાળા અને અન્ય વ્યવસાયકારો પર આર્થિક બોજ વધી રહ્યો છે. ગેસના વધતા ભાવની સીધી અસર ખાણી-પીણીની વસ્તુઓના ભાવ પર પણ પડી રહી છે, જેના કારણે સામાન્ય ગ્રાહકોને પણ વધારાનો ખર્ચ સહન કરવો પડી રહ્યો છે. વર્ષ 2014-15થી 2025-26 દરમિયાન પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કરીને કેન્દ્ર સરકારે આશરે 40 લાખ કરોડ રૂપિયા જનતા પાસેથી વસૂલ્યા છે. ત્યારે સરકારે જનતાને રાહત આપવી જોઈએ તેવી માગણી કોગ્રેસએ કરી હતી.
છેલ્લા કેટલાક મહિનાઓમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં થયેલા સતત વધારાને લઈને પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, વધતી મોંઘવારીના કારણે ગરીબ, સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો માટે જીવન નિર્વાહ કરવો દિવસેને દિવસે મુશ્કેલ બનતો જઈ રહ્યો છે. વર્ષ 2010 દરમિયાન ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત અંદાજે રૂ. 345થી 360 વચ્ચે હતી, જે હાલમાં આશરે રૂ. 913 સુધી પહોંચી ગઈ છે. તેવી જ રીતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત રૂ. 1,025થી વધીને રૂ. 3,113 સુધી પહોંચી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પરિસ્થિતિમાં સામાન્ય નાગરિકોની આવકમાં તે જ પ્રમાણમાં વધારો થયો છે કે નહીં તે સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો.
ડૉ. મનિષ દોશીએ કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ અને એલપીજીના ભાવમાં ઘટાડો જોવા મળે છે ત્યારે તેનો લાભ દેશના નાગરિકોને કેમ આપવામાં આવતો નથી. સરકાર સતત આંતરરાષ્ટ્રીય પરિબળોનો હવાલો આપી જવાબદારીમાંથી બચવાનો પ્રયાસ કરી રહી છે. પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને રાંધણ ગેસના સતત વધતા ભાવને કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે.