પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં સત્તા ગુમાવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને મમતા બેનરજી માટે મુશ્કેલીઓ ઓછી થવાને બદલે વધુ વધી રહી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. એક સમયે બંગાળની રાજનીતિમાં અજેય ગણાતી મમતા બેનરજી હવે માત્ર વિપક્ષમાં જ નહીં, પરંતુ પોતાની પાર્ટીની અંદર પણ અસંતોષ અને નારાજગીનો સામનો કરી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે રાજ્યમાં હવે ‘મહારાષ્ટ્ર મોડલ’ની ચર્ચાએ જોર પકડ્યું છે, જેના કારણે TMCના ભવિષ્ય અંગે અનેક સવાલો ઊભા થયા છે. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે મહારાષ્ટ્રમાં 2022 દરમિયાન જે રીતે શિવસેનામાં જે મોટો બળવો થયો હતો અને પાર્ટીના બે ભાગ થઈ ગયા હતા, તેવી જ સ્થિતિ પશ્ચિમ બંગાળમાં પણ સર્જાઈ શકે છે. તાજેતરમાં મમતા બેનરજીના નિવાસસ્થાને યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં મોટી સંખ્યામાં ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. આ ઘટના બાદ પાર્ટીની અંદર વધતા અસંતોષની ચર્ચાઓ વધુ તેજ બની છે.
માહિતી મુજબ, બેઠકમાં હાજરી આપવા માટે આમંત્રણ અપાયેલા આશરે 80 ધારાસભ્યોમાંથી લગભગ 60 ધારાસભ્યો હાજર રહ્યા નહોતા. રાજકીય વિશ્લેષકોના મતે આ ગેરહાજરી પાર્ટી નેતૃત્વ સામે નારાજગીનો સ્પષ્ટ સંકેત માનવામાં આવી રહ્યો છે. ઘણા ધારાસભ્યો ચૂંટણીમાં મળેલી હાર અને પાર્ટીના આંતરિક નિર્ણયો અંગે અસંતોષ વ્યક્ત કરી રહ્યા હોવાનું પણ કહેવાય છે. આ દરમિયાન પાર્ટીમાં હસ્તાક્ષર વિવાદે પણ આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે. TMCએ ધારાસભ્યો ઋતબ્રત બંદોપાધ્યાય અને સંદીપન સાહાને પક્ષમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે. તેમના પર ખોટી સહી કરવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. જોકે, આ કાર્યવાહી બાદ પાર્ટીની અંદર અસંતોષ વધુ વધી ગયો હોવાનું માનવામાં આવે છે. રાજકીય ગલિયારાઓમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે TMCના આશરે 50 જેટલા ધારાસભ્યો અલગ જૂથ બનાવી શકે છે. કેટલાક સાંસદો પણ પક્ષ બદલવા અથવા નવી રાજકીય વ્યૂહરચના અંગે ચર્ચા કરી રહ્યા હોવાની અટકળો છે. આ ઉપરાંત, દક્ષિણ કોલકાતાની એક હોટલમાં કેટલાક ધારાસભ્યોની ગુપ્ત બેઠક યોજાઈ હોવાની ચર્ચાએ પણ રાજકીય ગરમાવો વધાર્યો છે. જોકે, આ દાવાઓ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
બીજી તરફ, મમતા બેનરજીએ સમગ્ર ઘટનાક્રમ માટે ભાજપ અને પાર્ટીના અંદરના કેટલાક નેતાઓને જવાબદાર ઠેરવ્યા છે. ફેસબુક લાઈવ દ્વારા જનતાને સંબોધતા તેમણે આરોપ લગાવ્યો કે તેમના ધારાસભ્યો પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે. મમતાના કહેવા મુજબ, કેટલાક ધારાસભ્યોને પોલીસ કાર્યવાહીનો ડર બતાવવામાં આવી રહ્યો છે અને તેમને આર્મ્સ એક્ટ જેવા કેસોમાં ફસાવવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. મમતાએ વધુમાં કહ્યું કે કેટલાક લોકો પાર્ટીને નબળી પાડવા માટે સક્રિય રીતે કામ કરી રહ્યા છે. તેમણે પોતાના કાર્યકરો અને સમર્થકોને એકજૂટ રહેવા અપીલ કરી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે TMC આ પડકારમાંથી બહાર આવી જશે. જોકે, રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે આગામી થોડા અઠવાડિયા TMC માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જો ધારાસભ્યોની નારાજગી દૂર નહીં થાય અને પાર્ટી નેતૃત્વ આંતરિક મતભેદોને સમયસર ઉકેલી નહીં શકે, તો પશ્ચિમ બંગાળની રાજનીતિમાં મોટું પરિવર્તન જોવા મળી શકે છે. હાલ તો સમગ્ર રાજ્યની નજર TMCની અંદર ચાલી રહેલી હલચલ પર ટકેલી છે. હવે જોવાનું એ રહેશે કે મમતા બેનરજી આ રાજકીય સંકટને કેવી રીતે સંભાળે છે અને શું TMC ‘મહારાષ્ટ્ર મોડલ’ જેવી સ્થિતિથી બચી શકે છે કે નહીં.