Kalol

પથ્થરમારાની સામાન્ય બાબતે દંપતી પર જીવલેણ હુમલો : મહિલાને ગંભીર ઇજા

કાલોલની વૈભવ લક્ષ્મી સોસાયટીમાં પડોશી દંપતીનો લાકડી અને ગડદાપાટુથી ત્રાસ
“હવે અમારું નામ લેશો તો જાનથી મારી નાખીશું” : ધમકી બાદ આરોપીઓ ફરાર

કાલોલ તા. ૨૬/૦૫/૨૬
કાલોલની વૈભવ લક્ષ્મી સોસાયટીમાં ઘર પર પથ્થરમારો કરવા જેવી સામાન્ય બાબતે પૂછપરછ કરવા ગયેલા દંપતી પર પડોશમાં રહેતા દંપતીએ લાકડી અને ગડદાપાટુ વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. કાલોલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, વૈભવ લક્ષ્મી સોસાયટીમાં રહેતા અને હાલોલની ખાનગી કંપનીમાં નોકરી કરતા નિલેશકુમાર રમેશભાઈ વણકર ગત ૨૩ મેના રોજ નોકરી પર ગયા હતા. તે દરમિયાન સવારે સોસાયટીમાં રહેતા આરોપી રમેશભાઈ મકનભાઈ સોલંકીએ તેમના ઘરના પાછળના ભાગે પથ્થરમારો કર્યો હતો. નિલેશકુમારની પત્ની નિશાબેને “પથ્થર કોણ મારે છે, અમને વાગશે” તેમ કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપી ઘરમાં મારવા દોડી આવ્યો હતો.
બપોરે નિલેશકુમાર નોકરી પરથી પરત ફરતા પત્નીએ સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. ત્યારબાદ દંપતી આ બાબતે વાતચીત કરવા આરોપીના ઘરે ગયું હતું. જ્યાં પૂછપરછ કરતા જ આરોપી રમેશભાઈ ઉશ્કેરાઈ જઈ ઘરમાથી લાકડી લઈ આવ્યો હતો અને નિલેશકુમાર પર હુમલો કર્યો હતો. બીજી લાકડી મારતા નિલેશકુમાર બાજુએ ખસી જતા ઘા સીધો નિશાબેનના માથાના ભાગે વાગ્યો હતો, જેના કારણે તેમને ગંભીર ઇજા પહોંચી હતી અને લોહી વહેવા લાગ્યું હતું. આ દરમિયાન આરોપીની પત્ની ધર્મિષ્ઠાબેને નિશાબેનને પકડી રાખી ગડદાપાટુનો માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
હુમલા બાદ આરોપીઓએ “હવે અમારું નામ લેશો તો જાનથી મારી નાખીશું” તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં નિલેશકુમારે પત્નીને કાલોલ રેફરલ હોસ્પિટલ પહોંચાડી હતી, જ્યાંથી ગંભીર હાલતને પગલે તેમને ૧૦૮ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પત્નીની સારવારમાં વ્યસ્ત હોવાને કારણે નિલેશકુમારે ૨૫ મેના રોજ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી રમેશભાઈ મકનભાઈ સોલંકી તથા ધર્મિષ્ઠાબેન રમેશભાઈ સોલંકી વિરુદ્ધ BNSSની વિવિધ કલમો તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top