અમદાવાદ : અમદાવાદ શહેરમાં જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓના પરિવારોની લાગણી અને મજબૂરીનો ગેરફાયદો ઉઠાવી ઠગાઈ આચરાતી ટોળકીએ માધવપુરા વિસ્તારમાં રહેતા એક પરિવારને કેદીના પેરોલ મંજૂર થયાનું કહી ઓનલાઈન 45 હજારની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે માધવપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ, માધવપુરામાં ઇદગાહ સર્કલ પાસે આવેલી ટેકરાવાળી ચાલીમાં રહેતા સુરેશ પટણીના પિતરાઈ ભાઈ અનિલ અને રાહુલ નિકોલ વિસ્તારમાં થયેલા હત્યાના ગુનામાં પકડાયા હતા. જેમાં રાહુલને જામીન મળી ગયા હતા, જ્યારે અનિલ હાલમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો છે. અનિલને જેલમાંથી બહાર લાવવા માટે પરિવારે પેરોલ માટે અરજી કરી હતી.
આ દરમિયાન થોડા દિવસો પહેલાં સુરેશભાઈના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. ફોન કરનાર શખસે પોતે સાબરમતી સેન્ટ્રલ જેલનો અધિકારી હોવાનું જણાવી વિશ્વાસમાં લઈ અનિલના 15 દિવસના પેરોલ મંજૂર થઈ ગયા છે, કોર્ટની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તાત્કાલિક 15 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરવા પડશે. તેમ કહી, ગઠિયાએ ડર ઉભો કરી જો તાત્કાલિક ઓનલાઈન રકમ જમા નહીં કરાય તો પેરોલ ઓર્ડર રદ થઈ જશે અને અનિલ બહાર આવી શકશે નહીં, તેવું જણાવ્યું હતું. આથી પેરોલ રદ થવાની ભીતિ વચ્ચે સુરેશભાઈ તથા અન્ય દ્વારા અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂપિયા 45 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા.
એટલું જ નહીં, ગઠિયાએ બાદમાં વકીલ ફી અને કોર્ટ ખર્ચના બહાને વધુ નાણાંની માંગણી પણ શરૂ કરી હતી. જોકે, સુરેશભાઈને શંકા જતાં તેમણે વધુ રકમ આપવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ આરોપીએ પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. છેતરપિંડીનો ભોગ બન્યાનો અહેસાસ થતાં જ પરિવાર દ્વારા માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
માધવપુરા પોલીસે ફરિયાદના આધારે આઈટી એક્ટ તથા છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.