Gujarat

ગુજરાતમાં ઇંધણની માંગમાં જંગી વધારો : જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્રારા પેટ્રોલ-ડીઝલ અને LPGનો અવિરત પુરવઠો યથાવત

અમદાવાદ,

ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની માંગમાં અસાધારણ વધારો નોંધાયો હોવા છતાં જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ — ઇન્ડિયન ઓઇલ, BPCL અને HPCL — દ્વારા ઇંધણનો પુરવઠો સતત અને સુચારૂ રીતે જાળવી રાખવામાં આવ્યો છે. સ્ટેટ લેવલ કોઓર્ડિનેટર (SLC) ગુજરાત દ્વારા જણાવાયું છે કે વધતી માંગ વચ્ચે પણ ગ્રાહકોને કોઈ અછત ન પડે તે માટે તમામ કામગીરી અને લોજિસ્ટિક્સ વ્યવસ્થા 24 કલાક સક્રિય રાખવામાં આવી છે.

તાજેતરના દિવસોમાં ખાસ કરીને ડીઝલના વેચાણમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. 1થી 21 મે દરમિયાન ગુજરાતમાં ડીઝલના કુલ રિટેલ વેચાણમાં ગત વર્ષની સરખામણીએ 41 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. રાજ્યમાં કુલ 4,52,726 KL ડીઝલનું વેચાણ થયું છે, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં 3,20,399 KL વેચાણ થયું હતું. જિલ્લાવાર આંકડાઓ મુજબ કચ્છ જિલ્લામાં સૌથી વધુ 75 ટકા વૃદ્ધિ નોંધાઈ છે, જ્યારે ગીર સોમનાથમાં 76 ટકા અને બોટાદમાં 79 ટકા સુધીનો વધારો નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાં પણ ડીઝલના વેચાણમાં 39 ટકાનો વધારો થયો છે. રાજકોટમાં 54 ટકા, ભાવનગરમાં 59 ટકા, બનાસકાંઠામાં 65 ટકા અને સાબરકાંઠામાં 52 ટકા વૃદ્ધિ નોંધાઈ છે.

તંત્રના જણાવ્યા મુજબ ઇંધણની માંગમાં આ વધારાના મુખ્ય કારણોમાં કૃષિ વિસ્તારોમાં ખેડાણ અને લણણીની મોસમી કામગીરી, તેમજ ખાનગી સપ્લાયર્સ અને જાહેર ક્ષેત્રના પેટ્રોલ પંપ વચ્ચેના ભાવ તફાવતનો સમાવેશ થાય છે. ઓછા ભાવે ઇંધણ ઉપલબ્ધ થતાં ગ્રાહકો અને વ્યાપારી સંસ્થાઓ જાહેર ક્ષેત્રના પેટ્રોલ પંપ તરફ વળ્યા હોવાનું જણાવાયું છે.

જાહેર ક્ષેત્રની OMCs દેશવ્યાપી ટર્મિનલ્સ, ડેપો, પાઇપલાઇન્સ, LPG બોટલિંગ પ્લાન્ટ્સ અને રિટેલ આઉટલેટ્સના મજબૂત નેટવર્ક મારફતે ઇંધણનો અવિરત પુરવઠો જાળવી રહી છે. સપ્લાય ચેઇન, ટ્રાન્સપોર્ટેશન અને ટર્મિનલ કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે ટીમો સતત ચોવીસે કલાક કાર્યરત છે.ઓઇલ ઇન્ડસ્ટ્રીએ સ્થાનિક લોકોને આશ્વાસન આપ્યું છે કે દેશભરમાં પેટ્રોલ, ડીઝલ અને LPGનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને પુરવઠામાં કોઈ વિક્ષેપ સર્જાવાની શક્યતા નથી. સાથે જ લોકોએ ગભરાટમાં આવીને વધારાની ખરીદી ન કરવા અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ પણ કરવામાં આવી છે.

Most Popular

To Top