ગાંધીનગર,
ગાંધીનગર નજીક અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર આવેલા વિશ્વવિખ્યાત કોબા સ્થિત શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે આજે બપોરે એક અદ્ભુત અને અલૌકિક ખગોળીય ઘટના સર્જાઈ હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ બરાબર બપોરે 2 વાગ્યે અને 7 મિનિટે સૂર્યના કિરણો સીધા ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમાના ભાલ પર પડતાં દિવ્ય “સૂર્ય તિલક”નો નજારો જોવા મળ્યો હતો. આ દુર્લભ ક્ષણના સાક્ષી બનવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભાવિકો અને જિજ્ઞાસુઓ કોબા તીર્થ ખાતે ઉમટી પડ્યા હતા.
સાબરમતી નદીના કિનારે આવેલું આ જૈન તીર્થ ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરને સમર્પિત છે. અહીં પદ્માસન મુદ્રામાં બિરાજમાન શ્વેત આરસની 41 ઇંચ ઊંચી પ્રતિમા પર દર વર્ષે માત્ર એક જ દિવસે અને ચોક્કસ સમયે સૂર્યના કિરણો પડતા હોય છે. અંદાજે પાંચ મિનિટ સુધી ચાલતી આ ઘટના દરમિયાન સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું અને “ત્રિશલાનંદન વીર કી જય… બોલો મહાવીર કી જય…” ના જયઘોષ સાથે દેરાસરના ઘંટનાદ ગુંજી ઉઠ્યા હતા.
વિશ્વમાં કદાચ આ એકમાત્ર એવું જિનાલય માનવામાં આવે છે જ્યાં વર્ષના ચોક્કસ દિવસે અને ચોક્કસ સમયે ભગવાનની પ્રતિમા પર સૂર્ય તિલક થાય છે. વર્ષો જૂની આ પરંપરામાં અત્યાર સુધી કોઈ કુદરતી અવરોધ આવ્યો નથી. ભૂતકાળમાં એક પ્રસંગે આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા હોવા છતાં બરાબર નિર્ધારિત સમયે વાદળો હટી જતા સૂર્ય તિલક પૂર્ણ થયું હતું.
આ ઘટના કોઈ ચમત્કાર નહીં પરંતુ પ્રાચીન ભારતીય શિલ્પશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રના અજોડ સમન્વયનું જીવંત ઉદાહરણ માનવામાં આવે છે. રાષ્ટ્રસંત આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી ગણિતજ્ઞ અરવિંદસાગરજી મહારાજ અને અજયસાગરજી મહારાજે મંદિરની રચના એવી રીતે કરાવી છે કે સૂર્યની વાર્ષિક ગતિ અનુસાર 22 મેના રોજ સૂર્યકિરણો શિખરના વિશેષ બિંદુમાંથી પસાર થઈ સીધા ગર્ભગૃહમાં પહોંચે અને ભગવાન મહાવીરના લલાટ પર પ્રકાશિત થાય.
આ અનોખી પરંપરાનું ઐતિહાસિક મહત્વ પણ છે. જૈનાચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબનું નિર્વાણ 22 મે 1987ના રોજ બપોરે 2:07 કલાકે થયું હતું. પોતાના પૂજ્ય ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવ રહે તે માટે આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજે આરાધના કેન્દ્રનું નિર્માણ એવી રીતે કરાવ્યું કે દર વર્ષે એ જ દિવસે અને એ જ સમયે સૂર્યકિરણો પ્રભુ મહાવીરના ભાલ પર તિલક કરે. વર્ષ 1987થી શરૂ થયેલી આ પરંપરા આજે 39 વર્ષ બાદ પણ અવિરત યથાવત્ ચાલી રહી છે.
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર માત્ર ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ જ્ઞાન અને હસ્તપ્રતોના ભંડાર તરીકે પણ વિશ્વભરમાં ઓળખ ધરાવે છે. અહીં હજારો વર્ષ જૂની દુર્લભ હસ્તપ્રતોનું સંરક્ષણ કરવામાં આવે છે. ભક્તો માટે આ તીર્થ આધ્યાત્મિક શાંતિ અને આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. આજની આ અલૌકિક ઘટના દરમિયાન ભક્તોએ ભાવવિભોર બનીને દિવ્ય ક્ષણોને પોતાની આંખોમાં કેદ કરી હતી. આધુનિક યુગમાં પણ ભારતની પ્રાચીન વૈજ્ઞાનિક દૃષ્ટિ અને સ્થાપત્ય કળા કેટલી વિકસિત હતી તેનું જીવંત ઉદાહરણ કોબા તીર્થે ફરી એકવાર વિશ્વ સમક્ષ રજૂ કર્યું છે.