ભારતના પ્રધાનમંત્રી Narendra Modi ઇટલીના મહત્વપૂર્ણ પ્રવાસે રોમ પહોંચતા જ ઇટલીની પ્રધાનમંત્રી Giorgia Meloni દ્વારા ખાસ અંદાજમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મેલોનીએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર PM મોદી સાથેની નવી સેલ્ફી શેર કરી અને લખ્યું – “રોમમાં તમારું સ્વાગત છે મારા મિત્ર.” આ પોસ્ટ સામે આવતા જ સોશિયલ મીડિયા પર ફરી એકવાર “#Melodi” ટ્રેન્ડ શરૂ થયો હતો. બંને નેતાઓની મિત્રતા અને તેમની અનોખી કેમિસ્ટ્રીને લઈને વિશ્વભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.
PM મોદીનો આ ઇટલી પ્રવાસ ભારત અને ઇટલી વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવાના દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. રાજદ્વારી વર્તુળોમાં માનવામાં આવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર ગાઢતા આવી છે. વેપાર, ટેકનોલોજી, ડિફેન્સ, ગ્રીન એનર્જી, સેમીકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા અનેક ક્ષેત્રોમાં બંને દેશો સહકાર વધારવા ઇચ્છે છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી સેલ્ફીમાં PM મોદી અને મેલોની બંને સ્મિત સાથે જોવા મળે છે. તસવીર સામે આવતા જ લાખો લોકો દ્વારા તેને શેર કરવામાં આવી હતી. ખાસ કરીને ભારતીય અને ઇટાલિયન યુઝર્સે બંને નેતાઓની મિત્રતાને “નવી રાજદ્વારી ઓળખ” તરીકે વર્ણવી હતી. અગાઉ G-7 સમિટ, COP-28 અને અન્ય આંતરરાષ્ટ્રીય મંચો દરમિયાન પણ બંને નેતાઓ વચ્ચેની નજીકતા ચર્ચામાં રહી હતી. ત્યારે “Meloni + Modi” પરથી બનેલું “#Melodi” હેશટેગ વિશ્વભરમાં ટ્રેન્ડ થયું હતું.
રાજકીય વિશ્લેષકોના મતે, PM મોદી અને મેલોની વચ્ચેનો વ્યક્તિગત વિશ્વાસ અને મિત્રતા બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે. ઇટલી યુરોપિયન યુનિયનના મહત્વપૂર્ણ દેશોમાંનો એક હોવાથી ભારત માટે તેની સાથેના સંબંધો વ્યૂહાત્મક રીતે પણ અગત્યના ગણાય છે. મહત્વ નું છે કે યુરોપમાં ભારતના વધતા પ્રભાવ વચ્ચે ઇટલી સાથેની ભાગીદારી ભારત માટે વેપાર અને ડિફેન્સ ક્ષેત્રે લાભદાયક બની શકે છે.
આ પ્રવાસ દરમિયાન વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની શક્યતા છે. તેમાં રશિયા-યુક્રેન યુદ્ધ, મધ્યપૂર્વની સ્થિતિ, ગ્લોબલ સપ્લાય ચેઇન, એનર્જી સિક્યુરિટી અને આતંકવાદ વિરોધી સહકાર જેવા મુદ્દાઓ સામેલ હોવાનું માનવામાં આવે છે. ભારત અને ઇટલી બંને દેશો ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા, વૈશ્વિક આર્થિક વિકાસ માટે સહયોગ વધારવા ઇચ્છે છે. PM મોદીના રોમ પ્રવાસ દરમિયાન ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત યોજાઈ શકે છે. ઇટલીમાં વસતા ભારતીયોએ PM મોદીના આગમનને લઈને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. એરપોર્ટ બહાર મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો એકત્ર થયા હતા અને “ભારત માતા કી જય”ના નારા લગાવ્યા હતા. PM મોદીએ પણ લોકોને અભિવાદન સ્વીકાર્યું હતું.
આ નવી સેલ્ફી માત્ર એક તસવીર નથી, પરંતુ ભારત અને ઇટલી વચ્ચે વધતી મિત્રતા અને રાજદ્વારી મજબૂતીનું પ્રતિક બની ગઈ છે. સોશિયલ મીડિયા પર ફરી એકવાર “#Melodi” ટ્રેન્ડ થતાં સ્પષ્ટ બન્યું છે કે વૈશ્વિક રાજકારણમાં હવે વ્યક્તિગત જોડાણ અને ડિપ્લોમેટિક ફ્રેન્ડશિપ પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.