ચૂંટણીમાં પાણીની જેમ પૈસા વાપર્યા પછી હવે મોદીજી જનતાને એક વર્ષ સોનું ન ખરીદવાની કરકસર શીખવે છે. આ અપીલથી ઝવેરાત ઉદ્યોગ પડી ભાંગશે. *દક્ષિણ ગુજરાતના 9 લાખ કારીગરો બેકાર થશે*, જેમાં મોટાભાગના બંગાળી છે. બેરોજગાર બંગાળી કારીગરો વતન જશે. બંગાળમાં ‘વિકાસ જ વિકાસ’ છે, એટલે ત્યાં એમને કામ મળશે અને *બંગાળની અસ્મિતા ઉજળી થશે.* સૌરાષ્ટ્રના કારીગરો પણ ગામડે જઈ ખેતી કરશે. આમ, ગુજરાતને બેરોજગાર કરી બંગાળનો વિકાસ કરાવવો અને ગામડા બચાવવા એ *‘માસ્ટર સ્ટ્રોક’* છે! ચેનલો આ તર્કથી અપીલને વાજબી ઠેરવશે!
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
અહંકાર અને અલંકાર
જે વ્યક્તિમાં અહંકાર આવે છે, તે સરમુખત્યાર, સ્વછંદી અને તામસી સ્વભાવનો બની જાય છે. તેની પાસે ગમે તેટલી દોલત, વૈભવ અને જાહોજલાલી હોય, છતાં તે કુમાર્ગે ચાલવા લાગે છે. સત્તા અને સંપત્તિના નશામાં માણસ ગેરકાયદેસર અને ગોરખધંધા તરફ વળી જાય છે. અંતે તેનો અંજામ ખરાબ જ આવે છે. લંકાપતિ રાવણ સર્વશક્તિમાન હતો, પરંતુ અહંકારના કારણે તેને શ્રીરામના હાથે મૃત્યુ વેઠવું પડ્યું હતું. “અહંકાર” અને “અલંકાર” — બંને શબ્દો સાંભળવામાં સરખા લાગે છે, પરંતુ તેમના અર્થમાં ઘણો ફરક છે. અલંકાર એટલે આભૂષણ. સૌંદર્યની સજાવટ માટે વિવિધ અલંકારોનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી મહિલાઓ વધુ ઝગમગતી અને લાવણ્યમય લાગે છે. આજકાલ સોનાના ભાવ બહુ ઊંચા હોવાથી દરેક વ્યક્તિ માટે સોનાના આભૂષણ ખરીદવા શક્ય નથી. તેથી ઘણી મહિલાઓ નકલી ઘરેણાં પહેરીને પોતાના મનને સંતોષ આપે છે. જીવનમાં અલંકાર ન હોય તો ચાલે, પરંતુ અહંકાર ક્યારેય ન હોવો જોઈએ.
તરસાડા -પ્રવીણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.